મહારાષ્ટ્ર : સાંગલીના માથે પૂરનું આફત, બચાવવા આવેલી બોટ પલટી જતા 11ના મોત
Trending Photos
સાંગલી :મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ ભીષણ પૂરના ઝપેટમાં આવી ગયા છે. એક તરફ જ્યાં મુંબઈમાં ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે, ત્યાં બીજી તરફ પૂણે, નાશિક અને સાંગલી જેવા જિલ્લાઓ ભીષણ પૂરનો સામનો કરી રહ્યાં છે. એનડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. હવે સમાચાર મળ્યા છે કે, સાંગલીના પલૂસ તાલુકામાં બચાવ કામગીરીમાં જોડાયેલા બોટ પલટી જવાથી 11 લોકોના મોત થયા છે. જેમાંથી 9 લોકોના મૃતદેહ મળી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાંગલીના પલૂસમાં બ્રહ્મનાલ વિસ્તારમાં બચાવ કામગીરીના સમયે બોટ પલટી જવાથી આ ઘટના બની હતી. બોટમાં 30 લોકો સવાર હતા. જેમાંથી 19 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ 11 લોકોના ડૂબવાથી મોત થયા છે. હાલ, 9 લોકોના મૃતદેહ મળ્યા છે. જેમાં 4 મહિલાઓ, 3 પુરુષ અને 2 બાળકો સામેલ છે. બાકીના બે લોકોની શોધખોળ ચાલી રહી છે.
બીજી તરફ, પૂરના પાણી સાંગલી જેલમાં પણ ઘૂસી ગયા છે. પૂરના પાણીથી જેલમાં બંધ કુલ 360 કેદીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. જેલમાં લગભગ ચારથી પાંચ ફીટ સુધી પાણી ભરાઈ ગયા છે. આવામાં કેદીઓને બચાવવા માટે જેલ પ્રશાસને ટીમ બોલાવી હતી અને તેમને સલામત સ્થળ પર લઈ જવાની કવાયત શરૂ કરાઈ હતી.
સાંગલી જેલ અને તેની આસપાસ લગભગ 4થી 5 ફીટ સુધી પાણી ભરાયેલું છે. અહીં કુલ 360 કેદીઓ બંધ છે. તેમને સુરક્ષિત સ્થાન પર લઈ જવા માટે જિલ્લા પ્રશાસન પાસેથી બોટ મંગાવાઈ હતી. તેથી તકનો લાભ લઈને બે કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થળ પર હાજર પોલીસ અને જેલ પ્રશાસને કમર સુધીના પાણી વચ્ચે પણ કેદીઓને શોધી કાઢ્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે