વિવાદઃ રાષ્ટ્રવાદની વાત કરતા ભાજપના ફોર્મમાં જાતિવાદ

ગાંધીનગર ભાજપ દ્વારા ભાજપના લોકસભા સૈનિક બનાવવા જે ફોર્મ છાપવામાં આવ્યું છે, તેમાં જાતિની કોલમ રાખવામાં આવી હોવાથી આ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મોટો વિવાદ સર્જાયો છે 

વિવાદઃ રાષ્ટ્રવાદની વાત કરતા ભાજપના ફોર્મમાં જાતિવાદ

હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાષ્ટ્રવાદની વાત કરતા ભાજપના ફોર્મમાં જાતિવાદ જોવા મળતાં મોટો વિવાદ સર્જાયો છે. ગાંધીનગર ભાજપ દ્વારા ભાજપના લોકસભા સૈનિક બનાવવા જે ફોર્મ છાપવામાં આવ્યું છે, તેમાં જાતિની કોલમ રાખવામાં આવી હોવાથી આ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મોટો વિવાદ સર્જાયો છે. વિવાદ થયા બાદ શહેર પ્રમુખ તેમાંથી પોતાનો ફોટો દૂર કર્યો હતો. 

ગાંધીનગર ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા માટે 'ભાજપ સૈનિક' તરીકે જોડાવા માગતા વ્યક્તિ માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્મમાં સૌથી ઉપર જ લખ્યું છે કે, 'ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ, અમારો તો રાષ્ટ્રવાદ'. ત્યાર બાદ ફોર્મમાં નામની બાજુમાં જ જાતિ દર્શાવતી કોલમ મુકવામાં આવી છે. જેમાં 'SC/ST/OBC/ Others' એવો વિકલ્પ પણ લખવામાં આવ્યો છે.

આમ, રાષ્ટ્રવાદની વાતો કરતી અને જ્ઞાતિવાદનો ઈનકાર કરતી ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ કોલમમાં જ જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનું પુછવામાં આવતાં મોટો વિવાદ સર્જાય છે. આ ફોર્મ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને લોકો આ ફોર્મમાં જે જાતિની કોલમ મુકવામાં આવી છે તેના ઉપર રાઉન્ડ દોરીને ભાજપને સવાલ પુછી રહ્યા છે કે, 'ભાજપનો આ કેવો રાષ્ટ્રવાદ છે?'

ગાંધીનગર મહાનગરના કાર્યકર્તાઓના કાર્ડ બનાવવાના વાયરલ થયેલા વિવાદાસ્પદ ફોર્મ બાબતે જ્યારે શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, "કૉંગ્રેસ ખોટો વિવાદ ઉભો કરી રહી છે. જ્ઞાતિવાદ નું ઝેર કૉંગ્રેસ ફેલાવી રહી છે. ભાજપે કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકોનો ડેટાબેઝ તૈયાર કરવા આ ફોર્મ તૈયાર કર્યા હતા."

મહેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, સમાજની દરેક જ્ઞાતિને ન્યાય મળે, સમાજના ઘડતરમાં વિવિધ જ્ઞાતિના સિંહફાળાને યોગ્ય ન્યાય મળે અને દરેક સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડી શકાય તેના માટે ડેટાબેઝ તૈયાર કરવા આ ફોર્મ છાપવામાં આવ્યા છે. 

જોકે, રાષ્ટ્રવાદના નામે ચૂંટણી લડવા નિકળેલી ભાજપને આ ફોર્મે મુશ્કેલીમાં મુકી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે અને લોકોના મુખે ભાજપના રાષ્ટ્રવાદની ચર્ચા જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news