ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાત

CR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું

ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાત

Gujarat Lok Sabha Election Result 2024  પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો. જેમાં સીઆર પાટીલે મતદાતાઓના આભાર માન્યો હતો. લોકસભાની 26 બેઠકમાંથી એક લોકસભા બેઠક ભાજપ હારી જતા તેના જવાબદાર સી આર પાટીલે પોતાને ગણાવ્યા છે. 

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 પૈકી 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સુરતની એક બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. સુરત સુરત શહેરમાં ડુમસ રોડ ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સુરત અને બારડોલી લોકસભાના સાંસદો સહિત ધારાસભ્ય અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યકર્તાઓને સંબોધિત કરતા સી આર પાટીલે જણાવ્યું હતું, ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ મત મળ્યા છે. 

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 156 થી વધીને 161 થઈ છે. પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદથી જીત મળી છે. અમિત શાહની મહેનત રંગ લાવી છે, અને અમે જીત મેળવી છે. અન્ય રાજ્યોના કાર્યકર્તા ગુજરાત આવે છે. ગુજરાતના કાર્યકર્તા કઈ રીતે જીત મેળવે છે તે જાણે છે. આ વખતે લોકસભામાં કચાશ રહી ગઈ એ જવાબદારી પણ મારી છે. 26 માંથી 25 બેઠક જીત્યા છે. એક બેઠક હાર્યા તેની જવાબદારી પણ મારી જ છે. સુરત બેઠક બિનહરીફ કરી રેકોર્ડ સર્જ્યો છે. ગુજરાતમાં ૧૫૬ નો રેકોર્ડ કર્યો, પણ તે કાર્યકર્તાઓના કારણે કરી શક્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, ત્રીજીવાર મોદી પીએમ બન્યા છે. મને જળ શક્તિની જવાબદારી આપી છે. આ જવાબદારી તમામ કાર્યકર્તાની છે. કાર્યકર્તા સાથે મળીને કામ કરીશું. જળ સંચય માટે વરસાદી પાણીને સીધું બોરમાં ઉતારો. ટેરેસ પર પાણી આવતું હોય તેને પાઈપ મારફત બોર સુધી પહોંચાડો. પાણીને જમીનમાં ઉતરવાનું ભગીરથ કામ કરવું છે. આના માટે ગુજરાત સરકારની યોજના છે. આના માટે ૧૦ હજાર ખર્ચ થશે. જેમાંથી ૭ હજાર ગુજરાત સરકાર આપશે. ૨ હજાર કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદના ગ્રાન્ટમાંથી મળી જશે. જ્યારે એક હજાર કોર્પોરેશન આપશે. એટલે કામ થઈ જશે. સુરતમાં તમામ સોસાયટીમાં આ કામ કરવાનું છે. એકપણ સોસાયટી બાકી રહેવી જોઈએ નહીં. પાણી બચાવવાની સાથે વૃક્ષારોપણ પણ કરવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news