પરપ્રાંતીયો મામલે આમને-સામને થયું ભાજપ-કોંગ્રેસ, સામસામે આક્ષેપબાજી શરૂ...

આ ઘટના પર હવે કોંગ્રેસ-ભાજપ દ્વારા રાજનીતિ ખેલાઈ રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સામસામે આકરા પ્રહારો કર્યા હતા. અનેક મોટા નેતાઓ આ મામલે પોતાના નિવેદન આપી ચૂક્યા છે. 

પરપ્રાંતીયો મામલે આમને-સામને થયું ભાજપ-કોંગ્રેસ, સામસામે આક્ષેપબાજી શરૂ...

હાલ સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાનો માહોલ ગરમાયો છે. જેના પડઘા દિલ્હીમાં પડ્યા છે. હાલ નેશનલ સ્તરે આ મુદ્દો ઝળક્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે રેપની ઘટના બાદ રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને નિશાન પર લેવામાં આવી રહ્યું છે. જેના બાદ અનેક વિસ્તારોમાઁથી યુપી-બિહારના લોકોએ ભાગવાનું શરૂ કર્યું છે. આ ઘટના પર હવે કોંગ્રેસ-ભાજપ દ્વારા રાજનીતિ ખેલાઈ રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સામસામે આકરા પ્રહારો કર્યા હતા. અનેક મોટા નેતાઓ આ મામલે પોતાના નિવેદન આપી ચૂક્યા છે. 

બિન-ગુજરાતીઓ પર હુમલો કરવાના આરોપમાં સામેલ અંદાજે 300થી વધુ લોકોને ગુજરાત પોલીસે પકડ્યા છે. ત્યારે હવે આ મામલે રાજનીતિક નિવેદનબાજીઓ તેજ થઈ છે. ભાજપના નેતા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે આ મામલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, પહેલા મહારાષ્ટ્રમાં જ્યારે બિહારના લોકોને મારવામાં આવતા હતા, ત્યારે ભલે રાજ ઠાકરે હતા, પરંતુ તેની પાછળ કોંગ્રેસ હતી. ગુજરાતમાં જે પણ થઈ રહ્યું છે, તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. રાહુલ ગાંધી પાસે કોઈ મુદ્દો નથી. તેથી તેઓ જાતિના નામે લોકોને ભડકાવી રહ્યાં છે. 

ગિરીરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસ સંપૂર્ણ દેશને ખંડિત કરવા માંગે છે. આ બધુ અલ્પેશની સેના કરી રહી છે. તો બીજી તરફ, અલ્પેશ ઠાકોરે ટ્વિટ કરીને કહ્યું છે કે, અમે નથી ઈચ્છતા કે, રાજ્યામાં વિપદા ઉભી થાય. અમે આવી કોઈ હરકતને પ્રોત્સાહન આપી નથી રહ્યાં. આવતીકાલે ગુજરાત બંધ જેમણે પણ જાહેર કર્યો છે, તેમને હું અપીલ કરું છું કે, રાજ્યની મુશ્કેલીઓમાં વધારો ન કરે, અને બંધ મોકૂફ રાખે. 

તો બીજી તરફ, કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, તેમણે યાદ રાખવું જોઈએ કે, તેમણે પણ વારાણસી જવાનું છે. કોંગ્રેસ આ સમગ્ર ઘટના પર વડાપ્રધાન પાસેથી જવાબ માંગ્યો છે. જેડીયુ પ્રવક્તા નીરજ કુમારે કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે, અલ્પેશ સતત ઉત્તર ભારતીયો વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. રેલીઓ કરી રહ્યો છે. પંરતુ તેના વિરુદ્ધ કોંગ્રેસ અનુશાસનાત્મક કાર્યવાહી કરી શકે નહિ. ઠાકુર જેવા સંકીર્ણ માનસિકતાવાળી વ્યક્તિને બિહાર કોંગ્રેસ પક્ષમાં સહપ્રભારી બનાવીને બિહારીઓ પ્રતિ નફરત ફેલાવી રહ્યાં છે. 

બિહારમાં સત્તારૂઢ જનતાદળે કોંગ્રેસના અધ્‍યક્ષ રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર લખીને વિધાયક અલ્‍પેશ ઠાકોરને આ સંપૂર્ણ ઘટનાક્રમ માટે જવાબદાર ગણાવ્‍યું છે. જેડીયુએ પૂછયું કે કોંગ્રેસીઓને બિહારના લોકોથી આટલી નફરત કેમ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે, ગત 48 કલાકમાં આ ઘટનાઓ ઓછી થઈ છે. 

— Alpesh Thakor (@AlpeshThakor_) October 7, 2018

ગૃહ રાજ્યમંત્રીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો
આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ હુમલા નિંદનીય છે અને તેના પર સખત પગલા લેવામાં આવશે. કોંગ્રેસના નેતા દ્વારા ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ વિભાગને આ જાણકારી આપી દીધી છે.

અહેમદ પટેલની પ્રતિક્રિયા
ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર થઈ રહેલા હુમલા અંગે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પ્રતિક્રિયા આપી હુમલાની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો આ અટકશે નહીં તો બીજા પ્રાંતમાં પણ હિંસા થઈ શકે છે. સાથે રાજ્યનાં કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. પ્રદિપસિંહ જાડેજાના આક્ષેપોનો જવાબ આપતા સાંસદ અહેમદ પટેલે જણાવ્યું કે, આવું કરવામાં કોંગ્રેસને કોઈ ફાયદો નથી. જે આક્ષેપો કરી રહ્યા છે તેમને ફાયદો થતો હોય એવું અમને લાગી રહ્યું છે. સાથો સાથ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો બચાવ કરતા કહ્યું કે, તેમણે તો દોષિતો વિરુધ કડક કાર્યવાહીની વાત કરી છે. પણ તમામ લોકો પર હુમલા અંગે કોઈ વાત નથી કરી. બીજા રાજ્યોમાં ચુંટણીને લઇને કોંગ્રેસ આશાવાદી છે જેમાં કોઈ સંદેહ નથી. કોંગ્રેસ ચોક્કસ જીતશે. વધુમાં તેમણે સ્થાનિક રોજગારી સંદર્ભે પ્રવર્તિ રહેલા પ્રશ્નોને લઈને જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ. જે અમારી લડત તેમના માટે ચાલુ જ રેહશે.

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, પોલીસ તથા એસઆપી હોવા છતા પણ આ જે બનાવો બની રહ્યાં છે, તેમાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે આમાં ક્યાંકને ક્યાંક સરકારનો છુપો આર્શીવાદ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બીજા રાજ્યોમાં જે ચૂંટણી આવી રહ્યાં છે, તેમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતના પોલીસના છુપા આર્શીવાદથી આ હુમલા થઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news