રેલીમાં ઉગ્ર ભાષણો કરવાના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત : નિર્દોષ જાહેર

Hardik Patel : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટે આપી મોટી રાહત... સુરત કોર્ટે 2017ના કેસમાં નિર્દોષ જાહેર કર્યા... સરથાણા વિસ્તારમાં ઉગ્ર ભાષણ કેસમાં નોંધાયો હતો ગુનો..
 

રેલીમાં ઉગ્ર ભાષણો કરવાના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત : નિર્દોષ જાહેર

Surat News ચેતન પટેલ/સુરત : વર્ષ 2017 માં સરથાણા વિસ્તારમાં પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી અને જાહેરનામાંના ભંગ કેસમાં સુરત નામદાર કોર્ટ દ્વારા આજ રોજ પૂર્વ પાસ નેતા અને ભાજપ ના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સત્યનો હંમેશા વિજય થાય છે. ન્યાયિક પ્રક્રિયા પ્રમોને પહેલાંથી સંપૂર્ણ ભરોસો હતો. સાથે જ વડોદરાની ઘટના અંગે પણ હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કરી પરિવારજનોને પરમકૃપાળુ પરમાત્મા આવી કપરી પરિસ્થિતિમાં શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી. તો કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાં અંગે પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ પાર્ટીમાં સતત ગૂંગળામણ અનુભવી રહ્યાં છે.

પૂર્વ પાસ નેતા અને ભાજપના હાલના ધારાસભ્ય હાર્દિક પટેલનો જાહેરનામાં ભંગ બદલના કેસમાં નિર્દોષ છુટકારો થયો છે. વર્ષ 2017 માં સરથાણા પોલીસ મથકની હદમાં રેલી કાઢવામાં આવી હતી. ધારાસભ્ય હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો થયો છે. 2017 માં સરથાણા પોલીસ સ્ટેશનમાં તારીખ 3 ડિસેમ્બર 2017 ના રોજ સાંજે 7 થી 10 વાગ્યા દરમ્યાન આ રેલી કાઢવામાં હતી. 

જે બાદ સરથાણા પોલીસે જી.પી. એક્ટ ની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 24 જાન્યુઆરી 2019 ના રોજ હાર્દિક પટેલની પોલીસ દ્વારા આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં સરથાણા પોલીસે કેસમાં 26 જાન્યુઆરી 2019 ના રોજ સુરત કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસ કોર્ટ સમક્ષ ચાલી જતાં કોર્ટમાં ફરિયાદ પક્ષે પુરાવા લેવામાં આવ્યા હતા. જેમાં વાહન રેલી અને જાહેર સભા અંગેની પરમીટ ની શરત નંબર 14, કાર્યક્રમનો ઉપયોગ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર અથવા સમર્થન કે વિરોધ માટે કરવો નહીં તેમજ કોઈ પણ ઉમેદવાર કે પક્ષ દ્વારા રેલી કે જાહેર સભામાં ચુંટણી લક્ષી ઉપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી જેવા મુદ્દા ટાંકવામાં આવ્યા હતા.

કેસ મુદ્દે બચાવપક્ષના વકીલ યશવંતસિંહવાળાએ દલીલ કરી હતી. જેમાં નામદાર કોર્ટ સમક્ષ પુરાવો આપવામાં આવ્યો હતો. જેમાં સાહેદોએ પરમીટની શરત નંબર 14 બાબતે હાર્દિક પટેલ દ્વારા શબ્દશઃ ભંગ થયેલ હોય તેવું જુબાનીમાં આવેલ નથી. હાર્દિક પટેલ દ્વારા કોઈ પણ પક્ષની તરફેણમાં કે વિરોધમાં ભાષણ આપેલાનું જણાવ્યું નથી અથવા કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં ભાષણ આપ્યું હોય તેવો પુરાવો રેકર્ડ પર આવેલ નથી. નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હાર્દિક પટેલ સહિત જીગ્નેશ નામના વ્યક્તિને પણ આજે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. કોર્ટના ચુકાદા સમયે નામદાર કોર્ટ સમક્ષ હાર્દિક પટેલ જાતે હાજર રહ્યા હતા. નામદાર કોર્ટ દ્વારા અપાયેલ હુકમનો સાદર સ્વીકાર કર્યો હતો અને કોર્ટને પુરા માન સમ્માન સાથે હુકમને વધાવી લીધો હતો. કોર્ટ દ્વારા હાર્દિક પટેલને 15000 હજાર અપીલ જામીન રજૂ કરવા માટે પણ જણાવ્યું હતું.

હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.

ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્યના રાજીનામાં બાદ મોટું ભંગાણ થયું છે. વીજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. જે અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે,કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છુટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. 550 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ નું મંદિર બની રહ્યું છે. તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા ત્યાં કોઈપણ વિકાસના કામો થયા નથી. વિકાસના કામોમાં મદદ પણ કરી નથી. એટલા માટે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news