ZEE 24 કલાક પર ડમી કાંડ કરતા પણ મોટો ધડાકો : કોલેજે વિદ્યાર્થીઓને અલગ બેસાડીને ચોરી કરાવી
Operation Pariksha : આવતી કાલે તલાટીની પરીક્ષા લેવાય એ પહેલાં ZEE 24 કલાક પર જુઓ મોટો ધડાકો... વધુ એક પરીક્ષામાં ગેરરીતિ આચરનારાઓને અમે ખુલ્લા પાડ્યા
Trending Photos
Big Exam Scam : આવતી કાલે રાજ્યભરમાં તલાટી ભરતીની પરીક્ષા યોજાવાની છે અને સાડા આઠ લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે ત્યારે ગુજરાતની સર્વાધિક લોકપ્રિય ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક એક એવો ખુલાસો કરવા જઈ રહી છે જેને જોઈને કૌભાંડીઓના પગ નીચેથી જમીન સરકી જશે. કેમ કે, પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો આવે ત્યારે હંમેશાં લાખો લોકોનું ધ્યાન તેના પર જાય છે. તો આજે ZEE 24 કલાક કરવા જઈ રહ્યું છે એક મોટો ખુલાસો. ભાવનગર ડમીકાંડ બાદ દરેક પ્રકારની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો વિચારતા થઈ ગયા હતા કે આ કેવી રીતે શક્ય બને? એના પછી સામે આવ્યો લાખો રૂપિયાનો તોડકાંડ. અને હવે આવો જ એક ખુલાસો કરવા જઈ રહ્યું છે ZEE 24 કલાક. આ ગેરરીતિ કાંડના તાર જામનગર અને રાજકોટ સાથે જોડાઈ રહ્યા છે. હવે પેપર ફોડવાની ઝંઝટમાંથી પણ રૂપિયાવાળા ઉમેદવારોએ મેળવી લીધી છે મુક્તિ. આજે અમે બતાવીશું કે રૂપિયા ફેંકનારાઓ માટે દરેક પડકાર કેવી રીતે બની જાય છે પોતાની કારકિર્દી ચમકાવવાનો મોટો અવસર.
જામનગરમાં નાઘેડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કોલેજની પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરીની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર 2 ની બીકોમ ની પરીક્ષામાં કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બિન્દાસ ચોરી કરાવવામાં આવતી હતી. એકાઉન્ટ 2 ના પેપરમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ અપેક્ષિત અને ગ્રામર લઇ હોમિયોપેથીના એક ખાનગી રૂમમાં ચોરી કરી રહ્યા હતા. જ્યારે રેગ્યુલર રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સીસીટીવી કેમેરા હેઠળ આપવામાં આવતી હતી. Zee 24 કલાકની ટીમ દ્વારા ચોરીની સમગ્ર ઘટના અંગેનો સ્ટિંગ ઓપરેશન કરી અને રૂબરૂ કોલેજે પહોંચી પર્દાફાશ કર્યો. ત્યારે સવાલ એ છે કે, શુ આર્થિક લાલચના પગલે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી હતી ચોરી....? આવા શિક્ષણના દલાલો કોલેજ સંચાલકો વિરુદ્ધ શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ...? કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે.
પરીક્ષામાં ગેરરીતિની વાત આવે એટલે સૌથી પહેલાં તમામ લોકોના મનમાં સરકારી ભરતીનો ખ્યાલ ઉપસે છે. એનું કારણ છે ભૂતકાળમાં અનેક વખત ફૂટેલાં પેપર અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ. પરંતુ સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સિવાય પણ એવા કાંડ થાય છે જેના પર ગંભીર રીતે લોકોનું ધ્યાન જતું નથી. તો આજે ZEE 24 કલાક આવા જ એક ગેરરીતિ કાંડનો પર્દાફાશ કર્યો છે.
આ પ્રકારની સ્કૂલ-કોલેજોમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લેવાતી હોય છે જેના કારણે સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ થાય છે. કેમ કે, ગેરરીતિ આચરનારાઓને પહેલેથી જ ચોરીકાંડ માટેનું તૈયાર પ્લેટફોર્મ મળે છે. ચોરી કરતા આ વિદ્યાર્થીઓ કોણ છે તેમને આજે અમે ખુલ્લા પાડવાના છીએ. આ કોલેજ કોની છે તેમને પણ ZEE 24 કલાક ખુલ્લા પાડવાનું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ આવી કોલેજોને છાવરે છે તેનો આજે અમે પર્દાફાશ કરીએ છીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભલે લાખ દાવા કરતી હોય પરંતુ તેની સાથે સંકળાયેલી કોલેજમાં કેવી રીતે પરીક્ષા લેવાઈ રહી છે તેનો ZEE 24 કલાકે લાઈવ પર્દાફાશ કર્યો છે. સમગ્ર શિક્ષણ જગત માટે આ VIP ચોરીકાંડ કાળી ટીલી સમાન છે. ZEE 24 કલાકની ટીમે લાઈવ રેડ કરીને ગેરરીતિ આચરનારાઓને તો ખુલ્લા પાડી દીધા. પરંતુ આ ચોરીકાંડથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. અને આ સવાલ ZEE 24 કલાક તો પૂછશે જ. કેમ, સવાલ પૂછીશું તો જ ભ્રષ્ટાચારીઓનો આત્મા કાંપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે