ગુજરાતમાં હવે કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ, જાણો કેવી રીતે

Big Decision For Farmers : કમલમ (ડ્રેગન ફ્રૂટ) ફળની ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, જાણો શું છે સમાચાર

ગુજરાતમાં હવે કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ, જાણો કેવી રીતે

ગાંધીનગર :ગુજરાત સરકારે ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) નું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂપિયા 1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂપિયા 650  લાખની આર્થિક સહાય કરાશે

કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિશે કહ્યુ કે, કમલમ ફળનું વાવેતર કરતા સામાન્યજાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3 લાખની સહાય અપાશે. અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય અપાશે. ત્યારે ગુજરાતના ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળવાથી અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ છે. ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂપિયા 1000 લાખની આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ રૂપિયા 3 લાખ તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને હેકટરદીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય માટે કુલ રૂપિયા 1000 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભા કરવા, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમા આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ રૂપિયા 50 લાખની સહાય માટે કુલ રૂપિયા 650 લાખનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. આ પ્રોત્સાહન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા બંને કાર્યક્રમો માટે કુલ રૂપિયા 1650 લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે.

કૃષિ મંત્રીએ વધુમાં માહિતી આપતા કહ્યું કે, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) માં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે. તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે.  ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે.  કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBT થી ચૂકવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news