બે વર્ષ બાદ સૌરાષ્ટ્રવાસીઓ મલકાશે, જન્માષ્ટમીના લોકમેળાને મળી મંજૂરી
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :કોરોના બે વર્ષ બાદ આખરે આ વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે. આ વર્ષે જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રના લોકમેળા યોજાવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામા આવી છે. 17 થઈ 21 ઓગસ્ટ સુધી 5 દિવસ લોકમેળો યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની તૈયારીઓ શરૂ દેવાઈ છે. આ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 12 સમિતિની રચના કરાઈ છે. જોકે, આગામી સમયમાં હજુ બે બેઠક બોલાવી લોકમેળાની રૂપરેખા જાહેર કરવામાં આવશે. તેમજ તેના બાદ સ્ટોલ વિતરણ માટે ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આજે મળેલી પ્રાથમિક બેઠકમાં લોકમેળો યોજાશે તેવી જાહેરાત કરી દેવાઈ છે. જોકે, આ વર્ષે લોકમેળાને ફરીથી કોરોનાનુ ગ્રહણ ન લાગે તેવી સૌરાષ્ટ્રવાસીઓ પ્રાર્થના કરી રહ્યાં છે. કારણ કે, ગુજરાતમાં ફરી કોરોનાના કેસોએ માથુ ઉંચક્યુ છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. તે જોતા કોરોનાનુ વિધ્ન આડે ન આવે તો આ વર્ષે સૌરાષ્ટ્રવાસીઓ બે વર્ષ બાદ લોકોમેળો માણી શકશે.
આ પણ વાંચો : સુરતના ડ્રાયફ્રુટ ચોર દાદા મળી ગયા... તેમની ટીમની કૌભાંડ કરવાની સ્ટાઈલ જાણીને છક થઈ જશો
દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે.
બે વર્ષથી લોકમેળાની રોજી અટકી હતી
દર વર્ષે રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડાં અને રાઇડ્સ મળી 300 થી વધુ પ્લોટ્સની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં ખાણીપીણીના 15 થી વધુ સ્ટોલ, આઈસ્ક્રીમના 15 થી વધુ સ્ટોલ, રમકડાના 200 થી વધુ સ્ટોલ તેમજ નાની મોટી 50 જેટલી યાંત્રિક રાઈડ્સ અને 40 થી વધુ ચકરડી સહિત 300 થી વધુ પ્લોટ્સ ફાળવવામાં આવે છે. . ઉલ્લેખનીય છે કે, લોકમેળાની સાથે સાથે ખાનગી મેળાનું પણ આયોજન થતું હોય છે, જે પણ 20 દિવસ સુધી ચાલુ હોય છે. કોરોનાના બે વર્ષ લોકમેળા ન યોજાતા આ તમામની રોજીરોટી પર અસર પડી હતી.
જો કોરોનાના કેસ વધે તો મેળો કેન્સલ થાય તેવી પણ શક્યતા છે. અત્યારથી કેસ વધી રહ્યા છે, જન્માષ્ટમી સુધી કેસ વધે તો તંત્ર તેને સ્થગિત કરવાનો નિર્ણય લઈ શકે છે. કારણ કે, લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન દોઢથી ત્રણ લાખ સુધીની પબ્લિક આવતી હોય છે. જેથી સંક્રમણ વધી શકે છે. રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં થાઈલેન્ડથી પરત ફરેલ યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં 7 દિવસમાં 15 કેસ નોંધાયા છે. તો ગઈકાલે બે યુવાન અને 1 વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ, રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ એક્ટિવ કેસનો આંક 15 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : હજી તો ચોમાસું બેઠુ નથી, ને ગુજરાતમાં વીજળી પડવાથી 3 ના મોત... ખેતરમાં કરતા રિમુબેન પર વીજળી ત્રાટકી
રાજકોટ મ્યુ. કમિશનર અમિત અરોરાએ કહ્યુ કે, કોરોનાના કેસ વધતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ દૈનિક 900 ટેસ્ટ કરવામાં આવતા તે વધારી 1500 કરવા આદેશ આપ્યો છે. આગામી બે દિવસોમાં 1500 ટેસ્ટ સુધીની સંખ્યા પર પહોંચાડવામાં આવશે. આવામાં લોકોને માસ્ક પહેરવા પર રાજકોટ મનપા દ્વારા અપીલ કરાઈ છે. છેલ્લા એક સપ્તાહમાં 15 જેટલા કેસ નોંધાયા છે. પ્રિકોશનરી ડોઝ લીધેલા વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જો વધુ પોઝિટિવ કેસ જણાશે તો ભીડભાડવાળી જગ્યાએ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે