ભાવનગર યુનિવર્સિટીએ ક્રિકેટ સ્ટેડિયમ માટે મુખ્યમંત્રી પાસે કરાવ્યું ખાતમુહૂર્ત, 11 મહિના થયાં હજુ કામ શરૂ ન થયું
ભાવનગર યુનિવર્સિટી દ્વારા શહેરમાં એક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી. 11 મહિના પહેલાં મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાવી દેવામાં આવ્યું. પરંતુ હજુ સુધી એક ઈંટ મૂકવામાં આવી નથી.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગરઃ આજથી 11 મહિના પહેલાં ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ન માત્ર જાહેરાત પરંતુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્ટેડિયમ બનાવવાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, વાસ્તવિકતા એ છેકે, 11 માસ વીત્યા હોવા છતાં પણ સ્ટેડિયમની એક ઈંટ પણ મૂકવામાં નથી આવી.. ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છેકે, આખરે ક્યારે અહીં ક્રિકેટનું સ્ટેડિયમ બને અને ક્યારેક ક્રિકેટમાં કૌશલ્ય મેળવાનારા યુવાનોને તક મળે.. જુઓ આ રિપોર્ટ..
ભાવનગરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ક્રિકેટરોની ભેટ આપી છે, આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ રમનાર અશોક પટેલ ભાવનગરનો ખેલાડી હતો, જ્યારે શેલ્ડન જેક્શન, હાર્વિક દેસાઈ, ચેતન સાકરીયા સહિતના અનેક ખેલાડીઓ પણ ભાવનગરમાંથી રાષ્ટ્રીય ક્રિકેટમાં પહોંચ્યા છે.. તેમજ સારો દેખાવ કરી રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે.. બાળકો અને યુવાનોનો ક્રિકેટ તરફ લગાવ વધ્યો છે તેમજ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ક્રિકેટ ક્લબ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે.. ભાવનગર ડિસ્ટ્રિક ક્રિકેટ ક્લબ ભરૂચા ખાતે વર્ષે 1000 જેટલા ખેલાડીઓ ક્રિકેટની ટ્રેનિંગ લેવા આવે છે, પરંતુ ટ્રેનિંગ લીધા બાદ અહીં ભાવનગરમાં તૈયાર ખેલાડીઓ માટે પૂરતું પ્લેટફોર્મના હોવાના કારણે ખેલાડીઓને આગળ વધવા પૂરતો અવકાશ નથી મળતો.
ભાવનગર શહેરમાં યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડને આધુનિક સ્ટેડિયમમાં ફેરવવા એક વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, અને ત્યાર બાદ 21 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ક્રિકેટ સ્ટેડિયમનું ઇ-ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.. પ્રારંભિક કક્ષાએ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, પરંતુ જે પણ હોય ભાવનગરનું દુર્ભાગ્ય કે જેમ અન્ય યોજનાઓની મોટી મોટી જાહેરાત થયા બાદ વિકાસના કાર્યો રોકાય જાય છે, એ જ રીતે સ્ટેડિયમનું પણ એવું જ થયું છે, આજે સ્ટેડિયમના ખાતમુહૂર્ત થયાને 11 માસ જેટલો સમય વીતી જવા આવ્યો તેમ છતાં સ્ટેડિયમ બનાવવાની કોઈ જ કામગીરી શરૂ કરવામાં નથી આવી તેમજ કામગીરીના નામે એક ઇંટ સુદ્ધાં મુકાઈ નથી..
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ખૂબ મોટું મેદાન આવેલું છે, જેમાં ભાવનગરના મહારાજાએ રમતગમત પ્રત્યેની રુચિને લઈને 1932 માં ક્રિકેટ ક્લબ માટે બાંધકામ કરાવેલું જે આજે પણ હયાત છે, આ મેદાનનો અનેકવિધ રમતગમતની પ્રવૃતિઓ માટે ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, તેમજ એથલેટિક્સ માટે આયોજનો કરવામાં આવતા હતા.. હાલ મેદાનમાં ફૂટબોલ અને ક્રિકેટ માટે બે મેદાન અલગ કરવામાં આવ્યા છે, જેમાં ક્રિકેટના મેદાનને સ્ટેડિયમમાં ફેરવવા એક વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી..
યુનિવર્સિટીએ પૂર્વ મંજૂરી વગર જ જાહેરાત કરાવી મુખ્યમંત્રી પાસે ખાતમુહૂર્ત કરાવી નાખ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.. જો સ્ટેડિયમ બનાવવાનું હતું જ નહીં તો લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? સરકાર કરોડોના આંકડા દેખાડી વિકાસને રૂંધી રહી છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે