ગુજરાતનું મોર્ડન ગામ : 6 પેઢી જુનો જન્મ મરણનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ બનાવાયો
Gujarat Hightech Village : ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયતની હાઈટેક કામગીરી, 6 પેઢી જુનો જન્મ મરણનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ બનાવાયો
Trending Photos
Bhavngar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની ઉમરાળા ગ્રામ પંચાયતે સમગ્ર ગુજરાતના ગામડાઓને નવો રાહ ચીંધ્યો છે, ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ એ આગવી સુજબુજથી ગ્રામ પંચાયતના 125 વર્ષ જૂના જર્જરિત બનેલા રેકોર્ડ ને સ્કેન કરી તમામ રેકોર્ડની PDF બનાવી સુરક્ષિત કરી દિધો છે, જેના કારણે જન્મ મરણના દાખલા સહિતની કામગીરી ચપટી વગાડતા થઈ જાય છે, એ ઉપરાંત સરપંચ દ્વારા લોકભાગીદારીથી દીકરી જન્મે તુલસી ક્યારો, ફ્રી વાયફાય, રમતગમત કીટ વિતરણ જેવી 15 થી વધુ યોજનાઓ કાર્યરત કરી છે, ગ્રામ પંચાયતની હાઇટેક કામગીરીની લોકો પણ સરાહના કરી રહ્યા છે.
''મન હોય તો માળવે જવાય'' એ કહેવતને ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચે સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે, ગામની પંચાયત ઓફિસને લોકભાગીદારીથી હાઇટેક બનાવી દેવામાં આવી છે, કચેરીને હરિયાળો ઓપ આપવામાં આવ્યો છે, સાથે ઓફિસને પણ આધુનિક ટચ અપાયો છે, ઓફિસમાં પ્રવેશ કરો એટલે એવું લાગે જાણે કોઈ મોટા અધિકારીની ઓફિસમાં પહોંચી ગયા હોય. કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ થી તમામ કામગીરી આંગળીના ટેરવે થઈ રહી છે. ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે છ પેઢી એટલે કે 125 વર્ષ કરતા પણ વધુ જૂના ગામના ઇતિહાસને કમ્પ્યુટરાઈઝ બનાવ્યો છે, તેમણે ગામના તલાટીમંત્રી નીલમબેન અને આઇટી નિષ્ણાંત યુવાનોની ટીમની સેવાનો લાભ લઈ 125 વર્ષ જૂના 18મી સદીથી અત્યાર સુધીના જર્જરિત બનેલા જન્મ, મરણ અને અન્ય રેકર્ડ ના એક એક પેજને સંભાળ પૂર્વક સ્કેન કરાવી બધી જ માહિતી માત્ર છ માસ જેટલા સમયગાળામાં પીડીએફમાં કન્વર્ટ કરી કમ્પ્યુટરમાં સ્ટોર કરાવી લીધી છે, તેમજ વર્ષ પ્રમાણે અલગ અલગ ફાઈલ બનાવી તમામ રેકર્ડ અપડેટ કરી દિધો છે, જેના કારણે 1899 થી અત્યાર સુધીના કોઈપણ દસ્તાવેજ, સર્ટિફિકેટ વગેરે ગણતરીની મિનિટોમાં ઉપલબ્ધ થઈ જશે. જેના કારણે અરજદારોને માત્ર એક જ ધક્કે કામ પતી જશે. ગ્રામ પંચાયતના પ્રગતિશીલ સરપંચ દ્વારા લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી અનેક પ્રકારની યોજનાઓ સાકાર બની છે. જેના કારણે ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી કામગીરીની ચોમેર સરાહના થઈ રહી છે.
ઉમરાળા ગ્રામ પંચાયતમાં સૌથી વિશેષ કામગીરી થઈ રહી હોય તો એ છે, દીકરીના જન્મ પર ચાંદીની ગાય અને તુલસી ક્યારો અર્પણ, દીકરીનો જન્મદર વધારવા સરકાર પણ કટિબદ્ધ છે, ત્યારે ઉમરાળા ગામમાં ક્યાંય પણ દીકરીનો જન્મ થાય ત્યારે તેના માતાપિતાને બોલાવી સરપંચ અને પંચાયતના સભ્યો દ્વારા તેનું સન્માન કરી ચાંદીનો તુલસી ક્યારો અને ચાંદીની ગાય અર્પણ કરવામાં આવે છે. સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે અનેક પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તેમજ લોકોની સુખાકારી માટે યોજનાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે, જેનો ગામના વિકાસ અને લોકોની સુવિધા અને સુખાકારી માટે ઉપયોગ થતો હોય છે, જેમાં રોડ રસ્તાના કામો, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, અનાથ બાળકોને શિક્ષણ કીટ, દીકરીને ઉચ્ચ શિક્ષણ સહાય, તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ કાર્યરત છે. પરંતુ ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એનાથી પણ વિશેષ કામગીરી લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી સ્વખર્ચે કરવામાં આવી રહી છે.
આ ગામના સરપંચ ધ્વારા અનેક નવી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે, જેમાં યુવાઓ અને બાળકો માટે રમતગમતના સાધનો, ફ્રી વાયફાય, નોટબુક વિતરણ, સ્કૂલ ડ્રેસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગામને હરિયાળું બનાવવા દરવર્ષે ટ્રીગાર્ડ સાથેના 200 વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે. તેમજ તાજા શાકભાજી મળી રહે એ માટે લોકોને શાકભાજીના બીજનું પણ વિતરણ કરવામાં આવે છે, જ્યારે આરોગ્ય સુવિધા માટે વ્હીલચેર, વોકર તેમજ મેડિકલ ના સાધનો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે, સરપંચ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં ગામલોકો પણ ખભેખભા મિલાવી સહયોગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે