આ ખેડૂત આંબાનું વાવેતર કરી ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો, 100 વીઘા જમીનમાં વીધા દીઠ કરે છે એક લાખની કમાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેતી ને પ્રોત્સાહિત કરી રહ્યા છે, સાથે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ માટે આહવાન પણ કરી રહ્યા છે, તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેત પેદાશો ને વેચવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ થાય એ માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લાના ખેડૂતો હવે રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે, જેમાં ઘોઘા તાલુકાના તણસા ગામના ખેડૂત 100 વીઘા જમીનમાં જીવામૃત નો ઉપયોગ કરી પ્રાકૃતિક પદ્ધતિથી 1200 જેટલા આંબાનું વાવેતર કરી વીઘા દીઠ એક લાખની કમાણી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેતી ને પ્રોત્સાહિત કરી રહ્યા છે, સાથે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ માટે આહવાન પણ કરી રહ્યા છે, તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેત પેદાશો ને વેચવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ થાય એ માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, હાલ ભાવનગર જિલ્લામાં 2 હજાર કરતાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેતી તરફ વળ્યા છે તેમજ રાસાયણિક ખાતર ને તિલાંજલિ આપી જીવામૃત થકી ઓછા ખર્ચે વધુ આવક મેળવી સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામના તેમજ મુખ્ય વ્યવસાયે ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા બ્રીજરાજસિંહ ગોહિલ કે જેમણે 2018 થી પોતાના પશુપાલન ન વ્યવસાયમાં સુધારો કરી જ્યાં તબેલા હતો તેની જગ્યાએ હવે ગૌશાળા બનાવી છે. આ ગૌશાળામાં ગીર તેમજ દેશી ગાયોના સંવર્ધનનું કાર્ય શરૂ કર્યું છે. એટલું જ નહિ તેઓએ ખેતીને પણ પ્રાકૃતિક બનાવી છે, તેમણે આ ગાયના ગૌમૂત્ર, ગોબર તેમજ જંગલમાં ઉગતી વનસ્પતિઓનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવ્યો છે.
આ ખેડૂતે પ્રાકૃતિક વિધિ અપનાવી 4 વર્ષમાં સંપૂર્ણ ખેતીને રસાયણ મુક્ત કરી દીધી છે, તેમજ ઓછા ખર્ચે વધુ અને સારું ઉત્પાદન મેળવી મૂલ્યવર્ધન કરી સારી એવી ઉપજ મેળવતા થયા છે, તેમણે પોતાની 100 વીઘા વાડીમા અલગ અલગ વિભાગો બનાવી અલગ અલગ ફેઝમાં કેસર કેરીના આંબાનું વાવેતર કર્યું છે. પ્રથમ તેઓ નર્સરીમાં પ્રાકૃતિક પદ્ધતિથી આંબાના રોપા તૈયાર કરે છે અને તેને અલગ અલગ વર્ષે વિભાગ દીઠ વાવેતર કરે છે, જેમાં તેઓ ગાય આધારિત જીવામૃત તૈયાર કરી ડ્રિપ પદ્ધતિનો ઉપયોગ કરી જમીનમાં ઉતારે છે અને ત્યાર બાદ તબક્કાવાર છોડ અને ઝાડને જીવામૃતનો સ્પ્રે કરી માવજત કરે છે.
હાલમાં હવામાનમાં આવી રહેલા ફેરફાર ના કારણે કેસર કેરીના હબ ગણાતા અનેક વિસ્તારોમાં કેરીના પાક ને વ્યાપક નુકશાન થયું છે, જેના કારણે આ વર્ષે કેરીનો ફાલ પણ ઓછો આવ્યો છે, જેની સામે તણસાના આ ખેડૂતની વાડીના રોગ મુક્ત આંબાઓમાં કેસર કેરીનો ભરપૂર ફાલ લહેરાઈ રહ્યો છે. એક એક આંબા પર આશરે 4 થી 5 મણ કેરીનો ઉતારો જોવા મળી રહ્યો છે, જે હિસાબે તેઓ એક વીઘા વાવેતર દીઠ 1 લાખ સુધી ની કમાણી કરી રહ્યા છે.
પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલી કેરી વેચવા તેઓને બહાર નથી જવું પડતું, ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટનો તેઓ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે, જેમાં તેઓ કેરીનું ઓનલાઈન બુકિંગ સાથે સારા ભાવે વેચાણ કરી સારી આવક પણ મેળવી રહ્યા છે. તેઓ દ્વારા તૈયાર થયેલી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ જોવા અને સમજવા અનેક ખેડૂતો ફાર્મ ની મુલાકાત લઈ રહ્યા છે, તો સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા સેમિનાર કરી ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરણા પણ આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે