તારક મહેતાના ડો.હાથી જેવુ મહાકાય શરીર ધરાવતા ચેતન પરમારની સિવિલમાં સફળ સર્જરી, 210 કિલો હતું વજન 

Weight Loss Surgery : 200 કિલો કરતા વધુ વજન ધરાવતા દર્દીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું

તારક મહેતાના ડો.હાથી જેવુ મહાકાય શરીર ધરાવતા ચેતન પરમારની સિવિલમાં સફળ સર્જરી, 210 કિલો હતું વજન 

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 210 કિલો વજન ધરાવતા વ્યક્તિની બેરિયાટ્રિક સર્જરી કરાઈ. સિવિલ હોસ્પિટલમાં 200 કિલો કરતા વધુ વજન ધરાવતા દર્દીની સર્જરી કરાયાનો પ્રથમ કિસ્સો નોંધાયો. બોટાદના ચેતન પરમારની લેપ્રોસ્કોપી કરી સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી. 

40 વર્ષીય ચેતન પરમાર હીરા ઘસવાનું કામ કરે છે. ચેતન પરમારનું વજન 210 કિલો હોવાને કારણે રોજિંદી ક્રિયાઓ તેમજ કામકાજમાં સમસ્યા થતી હતી. 210 કિલો વજનને કારણે થતી સમસ્યાઓથી રાહત મેળવવા ચેતન પરમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક સર્જરી કરવા પહોંચ્યા હતા. ચેતન પરમારે કહ્યું કે 210 કિલો વજનનાં કારણે હીરા ધસવાનું કામ કરતો ત્યાં બેસવા અલગથી વ્યવસ્થા કરવી પડતી, ક્યાંય આવવા જવા માટે વિચારવું પડતું હતું, પોતાની અલગથી ખુરશી મેં બનાવડાવી હતી, ચાલવામાં સમસ્યા થતી હતી, ઘૂંટણમાં દુખાવો રહેતો હતો. 

60 કિલો વજન ઘટવાની શક્યતા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર પ્રશાંત મહેતાએ કહ્યું કે, 200 કિલો કરતા વધુ વજન ધરાવતા દર્દીનુ આ અમારું પ્રથમવાર ઓપરેશન હતું, જેમાં જુદી જુદી સમસ્યાઓની સાથે ખૂબ જ જોખમ પણ હતું. દર્દીનુ વજન ઘટે એ માટે લેપ્રોસ્કોપી કરી છે, હોજરી કાપીને નાની કરી છે, 210 કિલોમાંથી 150 કિલો વજન થશે એવી આશા છે. બેરિયાટ્રિક સર્જરી કરીએ એટલે એક વર્ષમાં 20 થી 30 ટકા જેટલું વજન ઘટતું હોય છે. આ ઓપરેશન 2 કલાક સુધી ચાલ્યું, 10 દિવસની સારવાર બાદ દર્દી સ્વસ્થ છે અને હવે રજા આપી છે. 

ઓપરેશન કેટલુ ચેલેન્જિંગ...
તબીબે કહ્યુ કે, આ ઓપરેશન માટે દર્દી આવ્યો ત્યારે શરૂઆતમાં દર્દીને વોર્ડમાં ક્યાં રાખવો એ સમસ્યા હતી, જેના માટે અમારે અલગથી તૈયારીઓ કરવી પડી. દર્દીનાં શિફ્ટિંગમાં તેમજ જુદા જુદા રિપોર્ટ કરાવવા માટે ટ્રોલી મંગાવવી પડી હતી. એક્સ રેની પ્લેટ પણ અમારી પાસે આટલી મોટી નહતી એટલે બે ભાગમાં અમે રિપોર્ટ કઢાવ્યો હતો. અમારી પાસે ઓપરેશન માટે 250 કિલો સુધીના વજન માટેનું ટેબલ છે. દર્દીને બે કલાક સુધી ટેબલ પર રાખી અમે ટેબલની ચકાસણી કરી હતી. ઓપરેશન માટે શરૂઆતમાં બે ટેબલનો ઉપયોગ કર્યો હતો. 

દર્દીને ટેબલ પરથી શિફ્ટ કરવા 10 લોકોની જરૂર પડી
ઓપરેશન થિયેટરમાં 210 કિલો વજનના દર્દીને એક ટેબલથી બીજા ટેબલ પર શિફ્ટ કરવા 10 લોકોની જરૂર પડી હતી. ઓપરેશન બાદ બે દિવસ સુધી દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. દર્દીનાં પેટની દીવાલ 10 ઈંચ જેટલી હતી, એટલે દર્દીની સર્જરી માટે GIDC માંથી કેટલાક જરૂરી સાધનો અલગથી બનવડાવવા પડ્યા હતા. દર્દીના એક થાઈનું વજન 50 કિલો હતું, એટલે એમને કસરત કરાવવી, એમની નસ શોધવી ખૂબ મુશ્કેલ હતું. કસરત કરાવવા માટે 3 ફિઝિયોથેરાપિસ્ટની મદદ લેવી પડતી હતી. 

210 કિલો વજન ધરાવતા વ્યક્તિની બેરિયાટ્રિક સર્જરી અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ કહ્યુ કે, વર્ષ 2017 થી સિવિલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક સર્જરી થઈ રહી છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, સિવિલમાં માત્ર 30 હજાર રૂપિયામાં દર્દી સારવાર લઈ સ્વસ્થ થઈ પરત ફર્યા છે. જીનેટિક સમસ્યાને કારણે દર્દીનુ વજન 210 કિલો પહોંચ્યું હોય એવું અનુમાન છે. દર્દીનુ વજન 20 વર્ષની ઉંમરે 85 કિલો જેટલું હતું જે ધીરે ધીરે વધતાં વધતાં 41 વર્ષની વયે 210 કિલો થયું હતું. અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં 120 કિલોનાં મહિલા પર બેરિયાટ્રિક સર્જરી કરાઈ હતી, જેમનું ઘટીને હાલ 75 કિલો જેટલું થયું છે. જે લોકોને બેરિયાટ્રિક સર્જરીની જરૂર હોય એવા લોકોએ ડોક્ટરની સલાહ લઈ સર્જરી કરાવવી જોઇએ. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 500 ગ્રામના બાળકથી લઈ હવે અને સફળતાપૂર્વક 210 કિલોના દર્દીની સર્જરી કરી છે. અનેક કિસ્સામાં વધારે પડતાં વજનને કારણે સાંધા ખલાસ થવા, ઊંઘમાં શ્વાસોશ્વાસમાં તકલીફ થાય અને વ્યક્તિનું મૃત્યુ થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. મેદસ્વીપણાને કારણે અનેકવાર હ્રદયની સમસ્યા, હાયપરટેન્શન, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થતી હોય છે, એકવાર મેદસ્વિતાનો વ્યક્તિ શિકાર બને એટલે બેરિયાટ્રિક સર્જરી એમાંય સિવિલમાં લેપ્રોસ્કોપી કરવામાં આવે છે. WHO મુજબ વર્ષ 2030 સુધીમાં 20 ટકા લોકો મેદસ્વીપણાથી પીડિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news