બનાસકાંઠા માનવ કંકાલની મર્ડર મિસ્ટ્રીનો માસ્ટરમાઈન્ડ પકડાયો, હવે બીજા ભેદ પણ ખૂલશે

Banaskantha Murder Mystery : બનાસકાંઠાની મગજ ચકરાવે ચઢાવે તેવી મર્ડર મિસ્ટ્રીનો આરોપી ભગવાનસિંહ રાજપૂત પકડાઈ ગયો છે... તેની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યાં છે 

બનાસકાંઠા માનવ કંકાલની મર્ડર મિસ્ટ્રીનો માસ્ટરમાઈન્ડ પકડાયો, હવે બીજા ભેદ પણ ખૂલશે

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાની ચકચારી સળગેલી કાર અને કારમાંથી મળેલા માનવ કંકાલના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. પોતે લીધેલી લોનનો ક્લેમ પાસ કરાવવા આખુ તરખત રચનાર અને છેલ્લા 10 દિવસથી આગ્રા, મથુરા અને અયોધ્યા નાસતા ભાગતા ફરતા મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂત પોલીસને હાથે લાગી ગયો છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ભગવાનસિંહને દબોચી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે મુખ્ય સૂત્રોધ્ધર ભગવાનસિંહ હવે પોલીસને હાથે લાગતા કેસમાં મસ મોટા ખુલાસા પણ થયા છે. ત્યારે અત્યારે તો પોલીસે ભગવાનસિંહ અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામની સીમમાંથી 10 દિવસ અગાઉ એટલે કે 27મી ડિસેમ્બરે વહેલી સવારે સળગી ગયેલી હાલતમાં એક કાર મળી આવી હતી. અને આ કારની અંદરથી એક માનવ કંકાલ પણ મળી આવ્યું હતું. જોકે સળગી ગયેલી કાર અને તેની અંદરથી મળેલા આ માનવ કંકાલે બનાસકાંઠા પોલીસ સામે તપાસની એક મોટી ચેલેન્જ ઉભી કરી દીધી હતી. કારણકે સળગી ગયેલી કાર કોની એ તો પોલીસ તપાસમાં જાણવા મળી ગયું પરંતુ તેની સાથે પોલીસને જે કડીઓ જાણવા મળી તે કડીઓથી તો પોલીસ જ હચમચી ગઈ હતી. 

પોલીસે ઘટનાને લઇ તપાસ કરી તો સળગી ગયેલી કાર ઢેલાણાના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપુતની હોવાનું ખુલ્યું. જેથી પોલીસને એક સમયે એવું લાગી ગયું કે ભગવાનસિંહ જ આ કારની અંદર બળીને ખાખ થઈ ગયો હશે.પરંતુ તે બાદ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે આ માનવ કંકાલ ભગવાનસિંહ નથી પરંતુ ભગવાન સિંહએ પોતે લીધેલી લોનનો ક્લેમ પાસ કરાવવા આખું તરકટ રચ્યું છે. તો હવે હવે આ માનવ કંકાલ કોનું તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયું. પરંતુ પોલીસની આ તપાસ માટે જરૂર હતી ભગવાનસિંહની. પરંતુ ભગવાનસિંહ આ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જેને લઈ પોલીસે ટેકનીકલ સર્વલેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી તો પોલીસને હાથે લાગી ગયા ભગવાનસિંહ સાથે આ કાવતરામાં સંડોવાયેલા તેના 3 સાગરીતો.

પોલીસે સાગરીતોની પૂછપરછને આધારે તપાસ હાથ ધરી તો ભગવાનસિંહએ વીમાનો ક્લેમ પાસ કરાવવા ઢેલાણા ગામના સ્મશાનમાંથી દાટેલો એક મૃતદેહ બહાર કાઢી આ કારની અંદર સળગાવી દીધો હોવાનું પોલીસને જાણવા મળ્યું. જો કે પોલીસે સ્મશાનમાં જઈ તપાસ કરી તો તે ખાડામાં રહેલો મૃતદેહ પણ ગાયબ હતો. જોકે તે સમયે પોલીસને એવુ થઈ ગયું કે ભગવાનસિંહ આ મૃતદેહને આ કારમાં સળગાવી દીધો છે. પરંતુ તે બાદ પોલીસને આ માનવ કંકાલના પ્રાથમિક ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે આ માનવ કંકાલ જૂનું નથી. કારણ કે માનવ કંકાલમાંથી યુરીન મળી આવ્યું છે. જોકે તે બાદ પોલીસે પોતાની તપાસ વધુ તેજ કરી અને ઘટનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને દબોચી લીધા અને તેમની પૂછપરછ કરી. જોકે પોલીસ તપાસમાં જ હતી અને તે દરમિયાન જ અમીરગઢ પોલીસ મથકે એક ગુમસુદા વ્યક્તિની અરજી દાખલ થઈ જેમાં ભગવાનસિંહનું નામ જોવા મળ્યું. 

અમીરગઢડા વિરમપુર ગામના રેવાભાઇ ગામીતી (ઠાકોર)કે જેમને 26 ડિસેમ્બરે ભગવાનસિંહ પોતાની સાથે પોતાની હોટલમાં કામ કરવાનું કહી લઈ ગયો હતો અને તે બાદ રેવાભાઇ ગામીતી ઘરે નહોતા પહોંચ્યા અને તેને જ કારણે તેમના પરિવાર એ ગુમ થઈ ગયા હોવાની અમીરગઢ પોલીસ મથકે અરજી આપી હતી. જો કે પોલીસને જાણ થતાં જ પોલીસે ઝડપાયેલા પાંચે આરોપીઓના રિમાન્ડ લીધા અને રિમાન્ડમાં આરોપીઓએ આ આખા વીમો પાસ કરાવવાના ભગવાનસિંહના આ તરખટમાં રેવાભાઇ ગામીતીની હત્યા કરી તેના મૃતદેહને કાર સાથે સળગાવી દીધા હોવાનો ઘટસ્ફોટ કરી દીધો. જોકે પોલીસે તે બાદ અન્ય 2 આરોપીઓની અટકાયત કરી તો પોલીસને એક બાદ એક કડીઓ તો મળી પરંતુ ભગવાનસિંહ પોલીસને નહોતો મળી રહ્યો અને ભગવાનસિંહને જ શોધવો પોલીસ માટે એક ચેલેન્જ હતી. 

પરંતુ કહેવાય છે ‘પાપ છાપરે ચડીને પોકારે છે’ આખરે ઘટનાને અંજામ આપ્યાના દસ દિવસ સુધી યુપીના મથુરા, આગ્રા, અયોધ્યા અને જોધપુર નાસતો ભાગતો ફરતો ભગવાનસિંહને આખરે 10 દિવસ બાદ બનાસકાંઠા એલસીબીએ બનાસકાંઠાની એક ચેકપોસ્ટ પરથી દબોચી લીધો અને તે બાદ તેની પ્રાથમિક પૂછપરછ કરી તો ભગવાન સિંહએ રેવા ગામીતીની માત્ર હત્યા જ ન હતી કરી, પરંતુ તેની હત્યા કર્યા બાદ તેને કારની અંદર સળગાવવાનો હતો અને તે પહેલા ભગવાનસિંહએ હોટલની પાછળ આવેલી ઓરડીમાં રેવાભાઇ ગામીતના મૃતદેહને લઈ જઈ એક સ્ટવ ચાલુ કરી તેની પર રેવાભાઇ ગામીતીના મૃતદેહનું મોઢું બાળી નાખ્યું. જેથી જો કારમાં રેવાભાઇ ગામીતનો મૃતદેહ અડધો સળગે તો પણ કોઈ ઓળખી ન શકે અને લોકો એવું જ માને કે ભગવાનસિંહ બળીને મરી ગયો છે અને ભગવાન સિંહનો ક્લેમ પાસ થઈ જાય.

જોકે પોલીસે ભગવાન સિંહની મોડસ ઓપરન્ડી જાણી લીધી. પરંતુ ભગવાનસિંહ ને આવો વિચાર આવ્યો ક્યાંથી તે જાણવા પોલીસએ તપાસ કરી તો ભગવાનસિંહએ ક્રાઈમની સિરિયલો જોઈ હતી અને તેમાંથી જ વિચાર કરી આ તરખટ રચ્યું હતું. પોલીસ તો ભગવાનસિંહની પ્રાથમિક પૂછપરછ કરી છે હજુ પોલીસની કડક તપાસમાં આ ભગવાનસિંહ અનેક ખુલાસા કરી શકે છે. પરંતુ પોલીસ હવે આ ભગવાનસિંહ ની કડક પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે રિમાન્ડ બાદ ભગવાનસિંહના આ આખા તરખટમાં અનેક નવા ખુલાસા થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news