દૂધ ઉત્પાદક મંડળીમાં ભ્રષ્ટાચાર આચરી 48 કરોડનું નુકસાન કરાવાયાનો અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ
અમુલની મંજુરી બાદ પોરબંદર દુધ સંઘે જાતે પ્લાન્ટ ઊભો કરવાને બદલે કામધેનુ એન્ટરપ્રાઈઝ નામની કંપનીને બેન્ક લોન સહિત 36 કરોડ મફતમાં આપીને પ્લાન્ટ ઊભો કરાવાયાનો મોઢવાડિયાનો આક્ષેપ
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ અમુલ દ્વારા પોરબંદર દૂધ સંઘ દ્વારા બે લાખ લીટરની ક્ષમતાનો પ્લાન્ટ બનાવવાની મંજુરી અપાયા બાદ સંઘે જાતે પ્લાન્ટ ઊભો કરવાને બદલે કામધેનું એન્ટરપ્રાઈઝ કંપની પાસે આ પ્લાન્ટ ઉભો કરાવીને તેને પ્રોસેસિંગનો કરાર પણ કરી આપ્યાનો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ રીતે પોરબંદર દુધ સંઘને રૂ.48 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અમુલ દ્વારા પોરબંદર દૂધ સંઘને પોરબંદરમાં દૂધના પ્રોસેસિંગ અને પેકેજિંગ માટે બે લાખ લીટરની ક્ષમતાનો પ્લાન્ટ બનાવવાની મજુરી આપવામાં આવી હતી. પરંતુ દૂધ મંડળીમાં રહેલા નેતાઓએ પશુપાલકોની માલિકીના પોરબંદર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદ સંઘના ખર્ચે અને જોખમે કામધેનુ એન્ટરપ્રાઈઝ કંપનીને એકપણ રૂપિયાના રોકાણ વગર રૂ.36કરોડનો પ્લાન્ટ ઊભો કરી આપવામાં આવ્યો.
આટલું જ નહીં, પોરબંદરના નિયામક મંડળે રાજ્ય સરકાર, રાજ્ય રજિસ્ટ્રાર કે અમુલની મંજુરી લીધા વગર કામધેનુ કંપની સાથે 20 વર્ષ સુધીનો કરાર કરીને કામધેનુના માલિકોને 20 વર્ષ સુધી દૂધના વ્યવસાયમાંથી કમાણી કરવાની વ્યવસ્થા કરી આપી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો છે.
મોઢવાડિયાએ જણાવ્યું કે, ભારત સરકારની "રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના" અંતર્ગત પોરબંદર દૂધ સંઘને દૂધનો પેકેજિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.12 કરોડની સહાય મળવાપાત્ર હતી. આ સહાય દ્વારા જ અમરેલી, જુનાગઢ સહિતના સંઘોએ પોતાના પ્લાન્ટની સ્થાપના કરી છે. પરંતુ પોરબંદરના નિયામક મંડળે પોતાના રૂ.12 કરોડની સહાય કામધેનુ કંપનીને આપી. આટલું જ નહીં પ્લાન્ટ ઊભો કરવા માટે ગેરન્ટર બનીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રૂ.24 કરોડની લોન પણ મજુર કરાવી આપી.
વધુમાં રૂ.2.44 પ્રતિ લીટર પ્રોસેસિંગ પેકેજિંગના ઠરાવીને કામધેનુ કંપનીને રોજના રૂ.5 લાખની કમાણી કરી આપવાનો કરાર પણ કરી દેવામાં આવ્યો. અમુલ દ્વારા પશુપાલકોને ભાવફેરના જે નાણા આપવામાં આવ્યા હતા તે રૂ.10.91 કરોડ પણ પોરબંદર દૂધ સંઘે કામધેનુ કંપનીને આપી દીધા.
તેમણે વધુમાં આક્ષેપ લગાવ્યો છે કે, પોરબંદર દૂધ સંઘના નિયામક મંડળ સામે કાર્યવાહી કરવાને બદલે અમુલ ઉપર દબાણ લાવવા તત્કાલિન સહકાર મંત્રીએ કામધેનુના પ્રતિનિધી બાબુભાઈ બોખિરીયાની હાજરીમાં બે મિટિંગ પણ બોલાવી હતી.
અર્જુન મોઢવાડીયાએ પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો વર્ષ 2017-18નો ઓડિટેડ અહેવાલ રજૂ કરીને પોરબંદર સંઘના નિયામક મંડલ, જે-તે સમયના મંત્રી બાબુભાઈ બોખિરીયા, રાજ્ય રજિસ્ટ્રાર, જીલ્લા રજિસ્ટ્રાર, ઓડિટર અને કામધેનુ એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ગુજરાત સહકારી કાયદા-1961ની કલમ-81 મુજબ નિયામક મંડળને તાત્કાલિક બરતરફ કરીને વહીવટદાર નિમાવા અને નિયામક મંડળ પાસેથી રૂ.48 કરોડ વસુલવા માટે ભ્રષ્ટાચાર અને ઉચાપતનો કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે