PM મોદી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવે તે પહેલા કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.

PM મોદી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવે તે પહેલા કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરાયા

ગૌરવ પટેલ, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.  ભારતની આઝાદીના 75માં વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. તેઓ અહીંથી દાંડી યાત્રાનો પ્રારંભ પણ કરાવશે. જો કે તે પહેલા જ એક મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે. દાંડીયાત્રામાં જોડાનાર નેતાઓના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

અમિત ચાવડાને કરાયા નજરકેદ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી.યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. 

રાજ્યપાલને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.

પીએમ મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી શુક્રવારે સવારે 8.30 કલાકે દિલ્હીથી નિકળશે અને 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ પીએમ 10.30 કલાકે સાબરમતિ આશ્રમ પહોંચશે. અહીં બપોરે 12.15 કલાક સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાલ વેશે. પીએમ નરેન્દ્ર મોદી આશરે બે કલાક અમદાવાદમાં રહેવાના  છે. પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 

દાંડી પુલ સુધી પીએમ મોદી ચાલતા જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ગાંધી આશ્રમમાં 12 માર્ચે આવવાના છે. તેમની સાથે કેન્દ્રના અન્ય નેતા તથા ગુજરાતના મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહેશે. દાંડી યાત્રાના 91 વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમ મોદી દાંડી યાત્રા (Dandi March) નો પ્રારંભ કરાવશે. પીએમ મોદી દાંડી પુલ પર ચાલતા જશે. આજે એસપીજી અને ગુજરાત પોલીસની ટીમે આ સ્થળોનું નિરીક્ષણ કર્યુ હતું. પીએમ મોદી ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે ત્યારબાદ હ્યદય કુંજ જશે. 

દાંડી યાત્રાને આપશે લીલી ઝંડી
‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news