આને કહેવાય દીકરી! પિતા માટે તેણે જે કર્યું તે વાંચીને સો ટકા તમારી આંખમાં આવી જશે આંસુ!

લાચાર બની ગયેલા વૃદ્ધએ ભારે હૈયે મોડાસા માં રહેતી દીકરીના ઘરે રહેવા સંમતિ આપતાં મિત્રો દીકરીના ઘરે લઇ આવ્યા હતા. દીકરીએ પણ પિતાને માનભેર આશરો આપી પિતાને હૂંફ અને આશરો પૂરો પાડ્યો હતો.

આને કહેવાય દીકરી! પિતા માટે તેણે જે કર્યું તે વાંચીને સો ટકા તમારી આંખમાં આવી જશે આંસુ!

ઝી બ્યુરો/અરવલ્લી: ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં આ પંક્તિ ને લાંછન લગાળતી એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે, જેમાં 73 વર્ષીય એક વૃદ્ધની મરણ મૂડી યેનકેન પ્રકારે લઈ લીધા બાદ શિક્ષક તરીકે નોકરી કરતા પુત્ર અને પુત્રવધુ એ વૃદ્ધ પર ત્રાસ ગુજારી ઘર છોડવા મજબુર કરી દેતા વૃદ્ધને દીકરીના ઘરે આશરો લેવા મજબુર બનવું પડ્યું હતું. 

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહી પેટે પાટા બાંધી ખેતી તેમજ દરજી કામનો વ્યવસાય કરીને પુત્રને ભણાવી ગણાવી શિક્ષક તરીકે સરકારી નોકરીમા લગાવી વૃદ્ધ થયેલા પિતાએ પોતાની પાછલી જિંદગી સુખરૂપ વીતવાની આશા સેવી હતી. પરંતુ આ આશા ચાર વર્ષ પહેલા પત્નીના મરણ થયા બાદ ઠગારી નીવડી હતી. શિક્ષક પુત્ર મોડાસાના મેઘરજ રોડ પર આવેલી દ્વારકા પુરી વિસ્તારમાં રહેતા પુત્ર નરેશભાઈ દરજીના ઘરે રહેતા પિતા છગનભાઇ દરજીને પુત્ર અને પુત્રવધુ સહીતે થોડાક અરસા બાદ પરેશાન કરવા માંડ્યું હતું. 

અવારનવાર પરેશાન કરતા પુત્ર-પુત્રવધુનો ત્રાસ મૂંગે મોઢે સહન કરતા વૃદ્ધ રાતના અંધારામાં ઓશિકામાં મોઢું નાખી રડી લઈ કોઈને કહેવાય નહીં તેવું પોતાનું દુઃખ હળવું કરી લેતા હતા. ઘર છોડવું પડે તેવો અસહનીય બની ગયેલા ત્રાસથી એકાદ માસ અગાઉ વૃદ્ધ ઘર છોડીને ક્યાં જવુ અને ક્યાં જવુ તેવી વિમાશણ વચ્ચે મેઘરજના ખાડીવાવ ગામે મિત્રના ઘરે ગયા હતા. મિત્રએ વૃદ્ધના પુત્રને બોલાવી પિતાને સન્માન પૂર્વક ઘરે લઇ જવા સમજાવતા કળીયુગી શિક્ષક પુત્ર એ પિતાને કોઈપણ સંજોગોમાં ઘરે લઇ જવાની ના પાડી દીધી હતી. 

છગનભાઇ દરજી નામના વૃદ્ધને છેવટે તેમના મિત્રોએ દીકરીના ઘરે આશરો લેવાનું કહેતા લાચાર બની ગયેલા વૃદ્ધએ ભારે હૈયે મોડાસામાં રહેતી દીકરીના ઘરે રહેવા સંમતિ આપતાં મિત્રો દીકરીના ઘરે લઇ આવ્યા હતા. દીકરીએ પણ પિતાને માનભેર આશરો આપી પિતાને હૂંફ અને આશરો પૂરો પાડ્યો હતો. પોતાનાથી જ્યાં સુધી પિતાને સચવાશે ત્યાં સુધી પિતાને સાચવવા મક્કમ દીકરીએ પુત્રી ધર્મ નિભાવ્યો હતો. પોતાના જ પુત્ર અને પુત્રવધુએ પાછલી ઉંમરમાં આશરો ન આપતાં વૃદ્ધ પિતાએ પોતાને ન્યાય અપાવવા પુત્ર, પુત્રવધુ અને રામગઢી ગામના એક સબંધી વિરુદ્ધ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત ફરિયાદ આપી હતી.

સમગ્ર અરવલ્લી જિલ્લાને હચમચાવી નાખતી આ ઘટના બાબતે જિલ્લા પોલીસવડાને વૃદ્વ પિતાએ લેખિત રજુઆત કરતા જિલ્લા પોલીસ વડાએ મોડાસા ટાઉન પોલીસને તાકીદ કરી વૃદ્ધને ઝડપી ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news