Ahmedabad: પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનની માંગી મંજૂરી, અરવિંદ વેગડા સહિતના કલાકારોએ કરી રજૂઆત
નવરાત્રિમાં 400 લોકોની મર્યાદા સાથે પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજન માટે પરવાનગી માગવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કલાકારો, પાર્ટી પ્લોટ ધારકો, ટેક્નિકલ અને ડેકોરેશનના કામ સાથે સંકળાયેલા લોકોએ રજૂઆત કરી છે
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: નવરાત્રિમાં 400 લોકોની મર્યાદા સાથે પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજન માટે પરવાનગી માગવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કલાકારો, પાર્ટી પ્લોટ ધારકો, ટેક્નિકલ અને ડેકોરેશનના કામ સાથે સંકળાયેલા લોકોએ રજૂઆત કરી છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રજૂઆત કરાઈ છે. ભાજપ પ્રદેશના સાંસ્કૃતિક સેલના કન્વીનર તેમજ સહ કન્વીનર જનક ઠક્કર, અરવિંદ વેગડા સહિત અન્ય કલાકારોએ રજૂઆત કરી છે.
આગામી ટૂંક સમયમાં છૂટછાટમાં રાહત મળે તેવો વિશ્વાસ અરવિંદ વેગડાએ વ્યક્ત કર્યો હતો. અરવિંદ વેગડાએ ZEE 24 Kalak સાથેની વાતચીતમાં જણાવ્યું કે 400 લોકોની મર્યાદા સાથે અમે પાર્ટી પ્લોટ અને ક્લબમાં પણ ગરબાના આયોજન માટે રજુઆત કરી છે. વેકસીનના બે ડોઝ લીધા હશે એમને જ પ્રવેશ મળે એ શરત સાથે અમે પણ તૈયાર છીએ. જો અમારી રજૂઆત મુજબ મંજૂરી નથી મળતી તો અનેક કલાકારોને આર્થિક નુકસાન ઉઠાવવાનો વારો આવશે.
છેલ્લા દોઢ વર્ષથી કલાકારોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. શેરી ગરબા સોસાયટીઓમાં થાય છે, જેમાં એક લિમિટ કરતા વધુનો ખર્ચ શક્ય હોતો નથી. પાર્ટી પ્લોટ અને ક્લબોમાં જો છૂટ મળશે તો ખુલ્લામાં ગરબાનું આયોજન થશે અને તમામ ખેલૈયાઓ માટે વેકસીન સર્ટિફિકેટ સાથે રાખવું ફરજીયાત કરીશું. પરંતુ સરકાર જો પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાની પરવાનગી એકાદ દિવસમાં આપે તો જ આયોજન શક્ય બની શકશે.
અરવિંદ વેગડાએ કહ્યું કે, અમારી રજૂઆત હકારાત્મક રીતે સાંભળવામાં આવી છે, હજારો કલાકારોના હિતમાં સરકાર નિર્ણય લેશે એવો પૂરો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રિમાં ગરબાના આયોજન માટે 400 લોકોની મર્યાદા સાથે માત્ર શેરી ગરબાને જ અપાઈ છે પરવાનગી, ત્યારે શેરી ગરબા બાદ હવે પાર્ટી પ્લોટમાં પણ 400 લોકોની મર્યાદા સાથે ગરબાના આયોજનની માગણી કરાઈ છે. ગતવર્ષે કોરોનાની લહેર વખતે ગરબાની પરવાનગી મામલે કલાકારો અને ડોક્ટરો વચ્ચે સર્જાયો હતો વિવાદ, અંતે કલાકારોએ ડોકટરોની માફી માગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે