સુરતના પાંડેસરમાં 2001માં કરેલા ગુનામાં 23 વર્ષે ધરપકડ! પોલીસે આરોપી સાથે સાધુ વેશમાં રહીને પકડ્યો
પી.સી.બી.ના એ.એસ.આઇ જનાર્દન હરિચરણ, અ.હેકો અશોકભાઇ લુણી, શહદેવ દેસાઈએ ઉધનામાં 2001માં હત્યાના બનાવમાં મોસ્ટ વોન્ટેડ આરોપી જેની પર 45 હજારનું ઈનામ હતું તેની માહિતી મેળવી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરમાં 23 વર્ષ પહેલાં હત્યાના ગુનાનો ફરાર આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસે જાહેર કરેલા ટોપ મોસ્ટ વોન્ટેડ આરોપી પૈકી એકને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મથુરામાં સાધુ બનીને રહેતો હતો. જયાં પોલીસ પણ સાધુ બનીને રહી અને આરોપીને ઝડપી પડ્યો હતો. આરોપીએ 2001માં પ્રેમિકાના ઘરે અવાર નવાર આવતા યુવકે મોતને ઘાટ ઉતારી ફેંકી દીધો હતો.
મોસ્ટ વોન્ટેડ આરોપી પર 45 હજારનું ઈનામ હતું
પી.સી.બી.ના એ.એસ.આઇ જનાર્દન હરિચરણ, અ.હેકો અશોકભાઇ લુણી, શહદેવ દેસાઈએ ઉધનામાં 2001માં હત્યાના બનાવમાં મોસ્ટ વોન્ટેડ આરોપી જેની પર 45 હજારનું ઈનામ હતું તેની માહિતી મેળવી હતી. જેમાં જણાયું હતું કે, આરોપી સાધુ બની નામ બદલી ઉત્તરપ્રદેશ, મથુરા, નંદગામ ખાતે આવેલ કોઈ આશ્રમમાં રહેતો હોવાની હકીકત મળી હતી. જે અંગે PI આર.એસ.સુવેરાએ આરોપી બાબતે ખાત્રી તપાસ કરાવવા આરોપીને પકડવા તાત્કાલીક સહદેવભાઇ વરવાભાઇ, જનાર્દન હરિચરણ અને HC અશોકભાઈ લાભુભાઈની ટીમ બનાવી ઉત્તરપ્રદેશ, મથુરા ખાતે રવાના કરવામા આવી હતી.
સાધુનો વેશ ધારણ કરી અલગ-અલગ આશ્રમોમાં તપાસ કરી
પોલીસની ટીમ દ્વારા મથુરા ખાતે જઈ તપાસ કરતા ત્યાં આશરે 100થી વધુ ધાર્મિક સ્થળો અને આશ્રમો આવેલા હોય અને ક્યા આશ્રમામાં આરોપી રહેતો હશે તે સ્પષ્ટ ન હતી. જેથી અલગ-અલગ આશ્રમ ખાતે ફરી આરોપીના વર્ણનવાળો ઇસમ શોધવાનો હોય મોકલેલ ટીમના સભ્યો PI આર.એસ.સુવેરાની સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. આ સાથે જરૂરી માર્ગદર્શન અને સુચનો મેળવી સતત બે દિવસ સુધી સાધુનો વેશ ધારણ કરી અલગ-અલગ આશ્રમોમાં ફરી આરોપી બાબતે ખરાઈ કરતા હતા.
પોલીસે આરોપી સાથે સાધુ વેશમાં રહી ને પકડ્યો
આરોપી કુંજકુટી નામના આશ્રમમાં રહેતો હોવાની જાણકારી મળી હતી. જેથી આશ્રમમાં પોલીસની ટીમના સભ્યો સેવાર્થી તરીકેની આરોપીને ઓળખ આપી તેની સાથે પરીચય કેળવી તેની સાથે રહેતા હતા. આ સાથે જ આરોપીને વિશ્વાસમા લઈ તેના પર્સનલ ડેટા બાબતે જાણતા તેજ આરોપી હોવાનુ જણાઈ આવ્યું હતું. જેથી તેના પરીવારની સંપુર્ણ માહિતીની ખરાઈ કરી અને આ ગુનામાં વોન્ટેડ આરોપી જ હોવાની પુષ્ટી મળતા આરોપી પદમ ઉર્ફે રાકેશ ઉર્ફે પદમ ચરણ ગૌરવહરી પાંડા (ઉં.વ.53) ને દબોચી લેવામા પી.સી.બી.ને સફળતા મળી હતી. આ બાબતે સ્થાનીક પોલીસને જાણ થતા તેઓ પણ ચોંકી ઉઠી હતી.
યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો
આરોપીને સુરત લાવી તેની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે વર્ષ 2001માં ઉધનાના શાંતીનગર વિસ્તારમા રૂમ ભાડે રાખી રહેતો હતો. ત્યારે તેની પાડોસમાં એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અને તે મહીલાના ઘરે વિજય સાંચીદાસ પણ અવર જવર કરતો હતો. જેની જાણ આરોપીને થઇ જતા તેણે વિજય સાંચીદાસ સાથે મારામારી કરી મહિલાના ઘરે નહિ જવા સમજાવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ મહિલાના ઘરે જતો હોય જેની અદાવત રાખી 3 સપ્ટેમ્બર 2001ના રોજ પદમે તેના બે મિત્રો સાથે મળી વિજયનું અપહરણ કરી ઉધનામાં ખાડી કિનારે વિજયને ગળે ટુંપો આપી હત્યા કરી નાખી હતી.
દાઢી અને વાળ વધારી મથુરાના આશ્રમમાં રહેવા લાગ્યો
વિજયની હત્યા બાદ તેની લાશને સગેવગે કરવા ખાડીમાં ફેંકી દઇ ફરાર થઈ ગયા હતા. આરોપી પોતે તેના વતન ગામ નાશી ગયો હતો. પરંતુ ત્યા પોલીસ તપાસમાં આવતા પોતે ત્યાથી નાશી ગયેલ અને પોલીસ તેને પકડી ન શકે તે માટે તે ભાગીને મથુરા ચાલ્યો ગયો હતો. ત્યા કુંજકુટી આશ્રમમા સાધુ બની કોઈ ઓળખી ન જાય તે માટે નામ બદલી દાઢી તેમજ વાળ વધારી રહેવા લાગ્યો હતો. પોલીસ તેના સુધી ન પહોંચે તે માટે તે મોબાઇલ ફોન રાખતો ન હતો અને તેના પરીવાર સાથે પણ સંપર્ક કરતો ન હતો. હાલ તો આરોપીને ઉધના પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
15 મોસ્ટ વોન્ટેડ આરોપી પૈકી એકને ઝડપી પાડયો
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અલગ અલગ શહેર-જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખુન,ધાડ,લુંટ, બળાત્કાર, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં ઘણા દસકાઓથી નાસતા ફરતા આરોપીની માહિતી આપનાર પકડનારને રોકડ ઇનામ આપવાની સુચના આપવન આવી હતી. જેથી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓ નાસતા ફરતા આરોપી પૈકી મોસ્ટ વોન્ટેડ ટોપ-15 આરોપીઓની યાદી બનાવી તેઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી.
વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી
પોલીસે સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ-15 આરોપીઓની માહીતી જે તે પોલીસ સ્ટેશનોમાંથી મેળવી તેનો ડેટા એકત્રીત કરી દરેક આરોપીઓના મુળ વતનના સરનામે, તેમજ તેઓના સંગા સંબધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપુર્ણ માહીતી એકત્ર કરવામાં આવી હતી. જે માહીતીનુ એનાલીસીસ કરી આ આરોપીઓને ઝડપી પાડવા પી.સી.બીના માણસોની અલગ-અલગ ટીમો બનાવામા આવી હતી. જે ટીમો દ્વારા આ મોસ્ટ વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ હાથ ધરી કામગીરી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે