જો ગુજરાતમાં 30 હજાર પણ કમાતા હોવ તો વિદેશ જવાનો મોહ ન રાખતા, એક પરિવાર જાપાનને બદલે ઈન્ડોનેશિયા પહોંચી ગયો
illegal migrants : વિદેશ જવાની લ્હાયમાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરાયો, જાપાન મોકલવાના નામે અમદાવાદના પરિવારને ઇન્ડોનેશિયાના જંગલમાં ગોંધી રાખ્યો
Trending Photos
Ahmedabad News : અમેરિકા, બ્રિટન, કેનેડા જવા માટે ગુજરાતીઓ પડાપડી કરી રહ્યાં છે. આ વચ્ચે હવે તેઓ વિદેશમાં જવાના ગેરકાયદેસર રસ્તા અપનાવી રહ્યા છે. આ જ રસ્તા તેમના માટે જીવનુ જોખમ બની રહ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદના એક દંપતીને અમેરિકા જવાને બદલે ઈરાનમા અપહરણ કરાયુ હતું. જેઓને ગુજરાત સરકારે ભારે પ્રયાસો બાદ છોડાવ્યા હતા અને અમદાવાદ લાવવામાં આવ્યા. ત્યારે વિદેશ જવાના મોહમાં વધુ એક પરિવાર સાથે અનહોની થઈ ગઈ. અમદાવાદનું એક દંપતી પોતાના બાળકને લઈને જાપાન જવા નીકળ્યુ હતું, પરંતુ એજન્ટની માયાજાળને કારણે ઈન્ડોનેશિયા પહોંચી ગયું. બે મહિના પહેલા ઘટેલી આ ઘટનાનો હાલ ખુલાસો થયો છે.
અમદાવાદના એક યુવકને એજન્ટે છાતી ઠોકીને કહ્યુ હતું કે, 'અરે ભાઈ તમે દુનિયાનો નકશો ખોલીને આંગળી તો મૂકો, આપણે તમે કહો એ દેશમાં તમને મોકલી દઈશું. બહુ મોટા સેટિંગ છે આપણા. મોટા દાવા કરતા એજન્ટની માયાજાળમા આ યુવક એવો ફસાયો કે, ઈન્ડોનેશિયાના જંગલોમાં પહોંચી ગયો. આ યુવકનું નામ છે નેપાલસિંહ.
મૂળ રાજસ્થાનના બાડમેરમાં રહેતા નેપાલસિંહનો પરિવાર વર્ષોથી અમદાવાદમા સ્થાયી થયો છે. જેમનો અમદાવાદમા એક્સપોર્ટનો વ્યવસાય છે. ટુર-ટ્રાવેલ્સના બિઝનેસ સમયે યુવક એક એજન્ટના સંપર્કમા આવ્યો હતો, જેણે નેપાલસિંહને વિદેશ જવાના ખ્વાબ બતાવ્યા હતા. સીજી રોડ પર ઓફિસ ધરાવતા એજન્ટે યુવકને દાવો કર્યો હતો કે, તે યુવકને સરળતાથી અમેરિકા, લંડન, કેનેડા મોકલી શકે છે.
પરંતુ નેપાલસિંહે જાપાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કારણ કે, તેના સંબંધી જાપાનમાં રહે છે. નેપાલસિંહે એજન્ટ સાથે વાત ડન કરી હતી. જેમાં એજન્ટે નેપાલસિંહને કહ્યુ હતું કે, તમને જાપાન મોકલી આપીશ. તમારો મહિનાનો પગાર 2 થી 3 લાખ રૂપિયા હશે. નેપાલસિંહ, તેમની પત્ની અને એક બાળક એમ કુલ ત્રણ લોકોને જાપાન મોકલવા માટે છેલ્લે 25 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ ગઈ. રાજેન્દ્રસિંહે કહ્યું કે, 15 લાખ રૂપિયા તમારે ભારત છોડતા પહેલાં આપવાના રહેશે. જ્યારે બાકીને 10 લાખ રૂપિયા જાપાન પહોંચ્યા પછી આપવાના થશે. નેપાલસિંહે કહ્યું, 'અમે રાજેન્દ્રસિંહને 15 લાખ રૂપિયા આપ્યા હતા. અને મારા મિત્ર જે પણ અમારી સાથે આવવાના હતા તેમણે 7 લાખ રૂપિયા આપ્યા હતા.
અહીથી યુવક અને તેના પરિવારના દુખના દિવસો શરૂ થયા હતા. છેલ્લી ઘડીએ એજન્ટે પ્લાન બદલ્યો હતો. એજન્ટે કહ્યું કે, તમારે જાપાન નહિ પણ ઈન્ડોનેશિયા જવુ પડશે. ત્યાંથી તમને જાપાન મળવા મળશે. દોઢેક મહિના પહેલાં નેપાલસિંહ, તેમની પત્ની, બાળક તેમજ એક મિત્ર એમ કુલ ચાર લોકો અમદાવાદથી દિલ્હી પહોંચ્યા. ત્યાથી તેઓ થાઈલેન્ડ પહોંચ્યા. જ્યાં તેમને નવો એજન્ટ મળ્યો હતો. જ્યાં યુવક સાથે દાવ થઈ ગયો.
થાઈલેન્ડના એજન્ટે તેમને કહ્યું કે, તમારી પાસે ડોલર અને થાઈ કરન્સી છે, તે તમારે હવે કામ નહીં આવે. કારણ કે હવે તમે ઇન્ડોનેશિયા જવાનો છો. એટલા આ કરન્સી મને આપી દો. આમ, યુવક અને તેના પરિવાર પાસેથી કરન્સી લઈને પહેલો એજન્ટ ભારત આવી ગયો હતો. અને બીજો એજન્ટ પરિવારને ઈન્ડોનેશિયા લઈ ગયો.
અહીથી યુવકના દુખના દહાડા શરૂ થઈ ગયા. ઈન્ડોનેશિયામા જંગલ વિસ્તારમાં રહેવાની યુવકના પરિવારજનોને ફરજ પાડવામાં આવી. એક મહિનો ત્યા રાખવામાં આવ્યા. એજન્ટ અમને જાપાન લઈ જવા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ત્યા રહીને અમને ખબર પડી ગઈ કે, આ એક ષડયંત્ર છે. હવે અમને જાપાન લઈ જવામાં નહિ આવે. અમને અહી જ રાખવાના છે. અમારી પાસેથી વધુ રૂપિયાની ડિમાન્ડ કરાવવામા આવી.
યુવકે કહ્યું કે, ઇન્ડોનેશિયામાં અમને ઘરની અંદર પૂરીને બહારથી બંધ કરી દેવામાં આવતું, ઘણા સમય સુધી અમને ઘરમાં પૂરી રાખતા, બહાર નહોતા નીકળવા દેતા. ઘરની લાઈટ બંધ કરી દેતા. હું અમદાવાદ મારા ભાઈને વાઇ-ફાઇથી મોબાઈલ કનેક્ટ કરીને ફોન કરતો હતો. એટલે તેમણે વાઇ-ફાઇ પણ બંધ કરી દીધું હતું. ભોજન બાબતે પણ અમને ત્રાસ આપવાનું શરૂ કર્યું. અમને ફક્ત ભાત ખાવા આપતા હતા. મારું ત્રણ વર્ષનું બાળક છે, તેને પણ ખાવા નહોતા આપતા. અમને નાહવા માટે પાણી નહોતા આપતા. માનસિક રીતે પણ તેમણે અમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આમ, ત્યાંથી ભાગીને તેઓ નીકળી ગયા હતા અને એમ્બેસીમાં પહોંચ્યા હતા. આમ, હજી પણ યુવક અને તેનો પરિવાર ઈન્ડોનેશિયા છે. આ બાબતે નેપાલસિંહના ભાઈએ અમદાવાદ પોલીસમાં અરજી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે