ગુજરાત સરકારે જાહેર કરી એક નવી યોજના; રોજગારીની નવી તકો ઉભી કરવા આ કાર્યક્રમ અમલમાં મૂકાયો
રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃદ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવી યોજના તરીકે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂકવામાં આવ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: પોતાના નવતર અભિગમો અને અનેકવિધ આગવી પહેલોના પરિણામે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની પ્રેરણા આપી છે. દરેક ક્ષેત્રે રહેલી વિપુલ તકોને લક્ષ્ય રાખીને કંઇક નવું કરવાની કાર્યપદ્ધતિ ગુજરાત સરકારે અપનાવી છે. ગુજરાત સરકારની લોકકલ્યાણકારી પહેલોના લીસ્ટમાં હવે એક વધુ નામ ઉમેરાયું છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃદ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવી યોજના તરીકે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ યોજના અંગે વિગતવાર માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના શહેરી વિસ્તારમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ એટલે કે શહેરોમાં બાગાયતના વિકાસ માટે ઘણો અવકાશ રહેલો છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં માળી કામના સ્કીલ મેનપાવરની પણ અછત છે. આ બંને જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્યના યુવાનોને શહેરી બાગાયત માટે માળી કામની કૌશલ્યવર્ધક તાલીમ આપી શહેરી સ્વરોજગારી તકોમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષના બજેટમાં પણ અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માટે રૂ. 324 લાખની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે માળી કામ માટેની કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવશે. આમ રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર,જુનાગઢ, જામનગર અને ગાંધીનગર સહિતના આઠ મહાનગરોમાં બાગાયત ખાતા દ્રારા કુલ 175 તાલીમોનું આયોજન કરવામાં આવશે. આ તાલીમમાં સહભાગી થતા તાલીમાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. 250 પ્રતિ દિનની મર્યાદામાં વૃતીકા તેમજ માળી કામ માટેની જરૂરી ગાર્ડન ટૂલ કીટ પણ આપવામાં આવશે. આ તાલીમ મેળવી રાજ્યના અનેક યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે અને માળી કામમાં કૌશલ્યવર્ધન થકી યુવાનો આત્મનિર્ભર બનશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના સમયગાળા દરમિયાન નાગરીકોમાં પોષણ અને તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવાઈ હતી. ફળો અને શાકભાજીમાંથી જરૂરી મીનરલ્સ, વિટામીન, કાર્બોહાઇડ્રેટ, એન્ટીઓકિસડન્ટ સહિતના મહત્વપૂર્ણ પોષકતત્વો મળે છે. શહેરી વિસ્તારમાં રહેતા નાગરીકોને ઘર આંગણે જ શુદ્ધ અને તાજા ફળ- શાકભાજી મળી રહે તે માટે બાગાયતી પેદાશોના જતન, સંવર્ધન અને મૂલ્યવર્ધન અંગે જરૂરી તાલીમો અપાય તે પણ જરૂરી છે. જેથી આ તાલીમ માળી કામ સુધી સીમિત ન રહેતા ઘરમાં જ નાનું-મોટી બાગાયત પેદાશો પકવવા માંગતો દરેક નાગરિક આ તાલીમ મેળવી શકશે. આ કૌશલ્યવર્ધન તાલીમથી શહેરી આર્થિક જીવન ધોરણ ઉંચુ આવશે, તેમજ સ્થાનિક કક્ષાએ જ રોજગારીની નવીન તકો ઉભી કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે મદદરૂપ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે