Amul Vs Nandini: અમૂલથી રૂ.11 સસ્તું દૂધ અને રૂ.17 સસ્તું દહીં વેચે છે આ ડેરી, ગ્રાહકોને કેમ મળી રહ્યું છે સસ્તું

Nandini vs Amul Controversy : છેલ્લા ઘણા દિવસોથી, #GoBackAmul અને #SaveNandini સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. સાથે જ રાજકીય રેલીઓમાં અમૂલ પર 'ગુજરાતી દૂધ'નો ટેગ લગાવવામાં આવ્યો છે

Amul Vs Nandini: અમૂલથી રૂ.11 સસ્તું દૂધ અને રૂ.17 સસ્તું દહીં વેચે છે આ ડેરી, ગ્રાહકોને કેમ મળી રહ્યું છે સસ્તું

Amul Vs Nandini: કર્ણાટકમાં ચૂંટણી (Karnataka election) પહેલાં પ્રાઈસ વોર ચાલુ થાય તો નવાઈ નહીં. કર્ણાટક ચૂંટણી (Karnataka election) વચ્ચે બે દૂધ કંપનીઓની લડાઈ હવે નવો વળાંક લઈ રહી છે. 'નંદિની' બ્રાન્ડનું દૂધ 'અમૂલ' (Amul) કરતાં 11 રૂપિયા સસ્તું છે, તો દેશની સૌથી મોટી કંપની હોવા છતાં, શું અમૂલ તેનો સામનો કરી શકશે? હવે સવાલ એ છે કે અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી અને ગુજરાતના ખેડૂતો અને સહકારી સંસ્થા ગણાતી અમૂલ (Amul) ગુજરાતમાં (Gujarat) કેમ મોંઘા ભાવે દૂધ વેચે છે. વધતા જતા દૂધના ભાવ વચ્ચે ગુજરાતના ખેડૂતોનું દૂધ ગુજરાતીઓને જ કેમ મોંઘુ પડી રહ્યું છે એ ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે. જોકે, આના કારણો પણ છે કારણ કે નંદીનીને સરકારમાંથી મસમોટી સબસિડી મળી રહી છે. આ મામલે અમૂલના એમડી જયેનભાઈ મહેતાએ પણ ગઈકાલે મોટા ખુલાસા કર્યા છે. 

તમને યાદ છે ફિલ્મ 'નાયક'... હા, અનિલ કપૂર સાથેની ફિલ્મ. તેમાં પોતાના નેતાને દૂધથી નવડાવાનો એક સીન છે, પરંતુ આ દિવસોમાં કર્ણાટક ચૂંટણીમાં આ દૂધ એક મોટો મુદ્દો બની ગયો છે. આનું કારણ ચૂંટણીના માહોલ વચ્ચે બેંગલુરુના માર્કેટમાં અમૂલ બ્રાન્ડની એન્ટ્રી છે, જ્યારે કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન (KMF)ની 'નંદિની' (Nandini) બ્રાન્ડ ત્યાં સારો દેખાવ કરી રહી છે. શું અમૂલ ખરેખર નંદિની સાથે સ્પર્ધા કરી શકે છે, કારણ કે બે કંપનીઓ વચ્ચે મજબૂત 'પ્રાઈસ વોર' થવાની સંભાવના પૂરી છે.

તમને જણાવી દઈએ કે, અમૂલની આ એન્ટ્રીને ન તો જનતાએ અને ન તો રાજ્યની વિપક્ષી રાજકીય પાર્ટીઓએ આવકારી છે. છેલ્લા ઘણા દિવસોથી, #GoBackAmul અને #SaveNandini સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. સાથે જ રાજકીય રેલીઓમાં અમૂલ પર 'ગુજરાતી દૂધ' નો ટેગ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને છે.

અમૂલ (Amul) બહુ મોટું નામ તો નંદિની કંઈ ઓછી નથી

અમૂલ (Amul)ભલે દેશની સૌથી મોટી દૂધની બ્રાન્ડ હોય, પરંતુ તેમ છતાં તેનું દૂધ આખા દેશમાં વેચાતું નથી. તેને વિવિધ રાજ્યોની દૂધ સહકારી મંડળીઓ તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડે છે. તાજેતરનો કેસ કર્ણાટકના KMF અને તેની દૂધ બ્રાન્ડ નંદિનીનો છે. અમૂલ કરતાં નાની હોવા છતાં, કર્ણાટક સહિત આસપાસના રાજ્યો અને ખાસ કરીને બેંગલુરુમાં 'નંદિની' (Nandini) ઘણી બાબતોમાં ઉપર છે.

KMF નંદિની (Nandini)બ્રાન્ડ માટે દરરોજ 24 લાખ પશુપાલકો પાસેથી 81.3 લાખ લિટર દૂધ એકત્ર કરે છે. જ્યારે અમૂલ (Amul)દરરોજ 36.4 લાખ ખેડૂતો પાસેથી લગભગ 2.63 કરોડ લિટર દૂધ એકત્ર કરે છે. જ્યારે 'નંદિની' (Nandini)દરરોજ 10 લાખ લિટર દૂધ પ્રોસેસ કરે છે, જ્યારે અમૂલ (Amul)52 લાખ લિટર દૂધ પ્રોસેસ કરે છે. અમૂલ (Amul)દેશના ઘણા મોટા બજારોમાં અને ઘણા એશિયન દેશોમાં દૂધનું વેચાણ કરે છે. જ્યારે નંદિની (Nandini)બ્રાન્ડનું દૂધ બેંગલુરુ અને કર્ણાટક ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા પડોશી રાજ્યોમાં પણ સપ્લાય થાય છે.

નંદિનીનું દૂધ રૂ.11 સસ્તું 

જો આપણે અમૂલ (Amul)અને નંદિનીના (Nandini)ભાવ પર નજર કરીએ તો અહીં નંદિનીની આગેવાની છે. બંને બ્રાન્ડ્સ ટોન્ડ મિલ્ક, ફુલ ક્રીમ મિલ્ક અને દહીં જેવી લગભગ તમામ લોકપ્રિય શ્રેણીઓનું વેચાણ કરે છે. પરંતુ તેમની કિંમતમાં ઘણો તફાવત છે. અમૂલના ટોન્ડ દૂધના એક લિટરની કિંમત 54 રૂપિયા પ્રતિ લિટર અને ફુલ ક્રીમ દૂધની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે નંદિનીનું (Nandini) ટોન્ડ દૂધ 43 રૂપિયા પ્રતિ લિટર અને ફુલ ક્રીમ દૂધ 55 રૂપિયા પ્રતિ લિટર છે. મતલબ સીધો 11 રૂપિયા પ્રતિ લીટર સસ્તો. એટલું જ નહીં, અમૂલનું દહીં લગભગ રૂ. 66 પ્રતિ લીટરમાં ઉપલબ્ધ છે, જ્યારે નંદિનીનું દહીં રૂ. 19 સસ્તું એટલે કે રૂ. 47 પ્રતિ લીટર છે.

છેવટે, નંદિની સસ્તામાં કેવી રીતે વેચી શકે?

'નંદિની' (Nandini) બ્રાન્ડની શરૂઆત 1974માં વર્લ્ડ બેંકની મદદથી કરવામાં આવી હતી. KMF સીધા જ કર્ણાટક રાજ્ય સરકારના સહકારી મંત્રાલય હેઠળ આવે છે. વર્ષ 2008માં કર્ણાટક સરકારે દૂધ ઉત્પાદક ખેડૂતોને 2 રૂપિયા પ્રતિ લિટરના દરે પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી હતી. હાલમાં તે 6 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે.

nandini_zee.png

તેથી જ KMF દેશની અન્ય દૂધ સહકારી સંસ્થાઓ કરતાં સસ્તું દૂધ વેચવામાં સક્ષમ છે. નંદિની બેંગ્લોરમાં 70 ટકા મિલ્ક માર્કેટ પર કબજો કરે છે. 33 લાખ લિટર દૂધની માંગ છે, જેમાંથી નંદિની દરરોજ 23 લાખ લિટર દૂધ સપ્લાય કરે છે.

કેમ નંદીનીનું દૂધ સૌથી સસ્તું

કેમ નંદીની સસ્તું દૂધનું વેચાણ કરે છે એનો જવાબ પણ અહીં છે. સપ્ટેમ્બર 2008 માં ભાજપ સરકારે KMF સાથે સંકળાયેલા જિલ્લા યુનિયનોને દૂધ સપ્લાય કરતા ખેડૂતોને ખરીદ કિંમત કરતાં વધુ 2 રૂપિયા પ્રતિ લિટર પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. પાંચ વર્ષ પછી મે 2013માં, સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે પ્રોત્સાહન બમણું કર્યું અને નવેમ્બર 2016માં તેને વધારીને 5 ટકા કર્યું. નવેમ્બર 2019 માં, જ્યારે યેદિયુરપ્પા સીએમ તરીકે પાછા ફર્યા, ત્યારે તેને ફરીથી વધારીને 6 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો હતો. આમ વાર્ષિક ધોરણે કર્ણાટક સરકાર દૂધ ઉત્પાદકોને આશરે રૂ. 1,200 કરોડનું પ્રોત્સાહન આપે છે. જેનો સીધો લાભ નંદીનીને થાય છે. નંદિની દૂધ ભારતમાં સૌથી સસ્તું છે. જેને પગલે બેંગલૂરુમાં ગ્રાહકોને હાલમાં 3 ટકા ફેટ અને 8.5 ટકા SNF (Solid Not Fat) દૂધ સાથે નંદિની ટોન્ડ દૂધ માટે માત્ર રૂપિયા 39 ચૂકવે છે. તેની સરખામણીએ દિલ્હીમાં લોકો અમૂલ દૂધના પ્રતિ લિટર રૂપિયા 54 અને ગુજરાતમાં રૂપિયા 52 પ્રતિ લિટર ચૂકવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news