અમદાવાદમાં અમિત શાહ ગર્જ્યા, કહ્યું; 'દેશના વિકાસ માટે PM મોદીએ 20-20 બેટિંગ કરીને...'
ગાંધીનગરના ત્રાગડ ખાતે સભાના સંબોધનમાં અમિત શાહે કહ્યુ- દેશના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20-20 બેટિંગ કરી... છેલ્લા 2 મહિનામાં જ મહિલા અનામત બિલ, G20 સહિતના અઘરા કામો પૂરા કર્યા...
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે AMC અને ઔડાના કુલ 1651 કરોડના અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શહે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે.
સર્વસમાવેશી વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં 17,544 કરોડના ખર્ચે 11,000 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેના બદલ ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે રાજ્ય સરકારનો આભાર માનીને સ્થાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં
અમિત શાહે જણાવ્યું કે, એક કામ કરતા 50 વર્ષ લાગે એવા ચાર કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં માત્ર ત્રણ મહિનામાં થયા. તેમણે કહ્યું કે વડાપ્રધાનની આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી નરેન્દ્ર મોદીએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. G20નું આવું સફળ આયોજન અન્ય દેશો માટે એક ચેલેન્જ બની જશે.
મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય નરેન્દ્ર મોદીએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય વડાપ્રધાનને આપ્યો. અમિત શાહે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે.
પીએમ વિશ્વકર્મા યોજનાની પ્રશંસા કરી અમિત શાહે કહ્યું કે, ૨૦થી વધુ પ્રકારનું કામ કરતા કારીગરોને એક તાંતણે બાંધવાનું કામ આ યોજનાથી થયું. તેમણે કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર પરંપરાગત કામ કરતા કારીગરોને યોજનામાં સામેલ કરાયા છે. જેનાથી છેવાડાના માનવીઓને સમાનતાનો અહેસાસ થયો છે. એમ તેમણે ઉમેર્યું હતું. અમિત શાહે સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષઆચ્છાદન વધારી હરિયાળો બનાવવા માટે આહવાન કરી, યુવાનો અને મહિલાઓને વૃક્ષારોપણ અને જતન માટે પ્રેરિત કર્યા હતા.
આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં AMC ની ટીમને માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં નગરો - મહાનગરોમાં નાગરિકોની 'ક્વોલિટી ઓફ લાઇફ' અને 'ઇઝ ઓફ લિવિંગ' વધે તેવા અનેકવિધ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં સતત થઈ રહેલા વિકાસકાર્યોની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદર્શ સાંસદની પરિપાટી સાકાર કરતા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિશાસૂચક માર્ગદર્શન થકી ગાંધીનગર લોકસભા સહિત સમગ્ર રાજ્યમાં લગભગ દર અઠવાડિયે અનેકવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થતું રહે છે. રોડ-રસ્તા, બ્રીજ, ગાર્ડન, તળાવો સહિત અનેકવિધ માળખાગત સુવિધાઓ થકી રાજ્યમાં આજે શહેરી વિકાસને નવી દિશા મળી છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના વિવિધ વિકાસકાર્યો વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહે 'કહેવું તે કરવું' નો ધ્યેય મંત્ર આપ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તાર દેશનો શ્રેષ્ઠ અને હરિયાળો મતવિસ્તાર બને તે માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી પાયાની સુવિધાઓ ખૂબ જ ઝડપથી પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને માર્ગદર્શન થકી આધુનિકતા સાથે સર્વાંગી વિકાસ દ્વારા 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત' નું સ્વપ્ન સાકાર થશે.
દેશ અને રાજ્યમાં માળખાગત સુવિધાઓના વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસ માં માં આ વર્ષે સૌથી મોટું 3 લાખ કરોડનું બજેટ આપ્યું છે. આ બજેટમાં માળખાગત સુવિધા ના વિકાસ કામો ને અગ્રતા આપી છે અને આવનાર પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં મેટ્રો રેલને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. મેટ્રો રેલ આધુનિક નગર વિકાસ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનનું ઉત્તમ ઉદાહરણ છે. ભૂતકાળમાં એવો સમય હતો જ્યારે અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે માત્ર એ.એમ.ટી.એસ બસો જ ઉપલબ્ધ હતી. આજે અમદાવાદમાં બી.આર.ટી.એસ અને મેટ્રો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ આધુનિક ટ્રાન્સપોર્ટેશન થકી પ્રજાજનોનો સમય અને પૈસા બંને બચે છે. અમદાવાદમાં એક વર્ષમાં એક કરોડ 86 લાખ જેટલા લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતાની સાબિતી છે.
સ્વચ્છાગ્રહ અને સ્વચ્છતા અભિયાન વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિકાસમાં સ્વચ્છતાનું જનઆંદોલન ભળે ત્યારે ખરું અર્બન ડેવલપમેન્ટ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં જન અભિયાન બનાવ્યું છે. આ વર્ષે ગાંધીજયંતીની ઉજવણી 'એક તારીખ, એક કલાક, એક સાથે'ના સ્વચ્છતા મંત્ર સાથે દેશભરમાં મહાશ્રમદાન થકી થશે. 'સ્વચ્છતા હી સેવા' માસ અંતર્ગત આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, કચેરીઓ સહિત જાહેર સ્થળોએ સામુહિક શ્રમદાન થકી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' ના મંત્ર સાથે ગુજરાત અને ભારત સર્વાંગી વિકાસ સાધશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં મેયર પ્રતિભા જૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો આઝાદીના અમૃતકાળમાં સંસદમાં નારી શક્તિ વંદન વિધેયક પસાર કરવા બદલ આભાર વ્યક્ત કરીને સૌને આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, ઓવરહેડ ટાંકી, ત્રાગડ ખાતે લલિતા ગોવિંદ ઉદ્યાન, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન સહિતના AMC અને ઔડાના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે