જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, ત્રણેય મંદિર માટે વહીવટદારની નિમણૂંક

જૂનાગઢમાં ગીરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરની ગાદીને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ગાદી માટે બે મહંતો આમને-સામને આવી ગયા હતા. આ વચ્ચે કલેક્ટરે ત્રણેય મંદિર માટે વહીવટદારની નિમણૂંક કરી છે.
 

  જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, ત્રણેય મંદિર માટે વહીવટદારની નિમણૂંક

જૂનાગઢઃ જૂનાગઢ ભવનાથમાં આવેલા અંબાજી મંદિરના મહંતના નિધન બાદ ગાદી માટે મોટો વિવાદ થયો હતો. ગાદી માટે મહંત મહેશગીરી અને મહંત હરિગીરીજી વચ્ચે આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. પરંતુ આ સમગ્ર વિવાદ બાદ હવે કલેક્ટરે ત્રણેય મંદિરમાં વહીવટદારની નિમણૂંક કરી છે. 

જૂનાગઢના ભવનાથમાં ગિરનાર પર્વત પર બિરાજમાન માતા અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના નિધન બાદ મંદિરના મહંત પદ માટે મહંત હરિગીરીજી અને મહંત મહેશગીરી તેમજ બ્રહ્મલીન મહંતના પરિવાર વચ્ચે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદના ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પડઘા પડતા સરકારે કલેકટરને પૂરતી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. હાલ ગિરનાર અંબાજી મંદિર, ભીડભંજન મંદિર અને ગુરુ દત્તાત્રેય મંદિરમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.

બીજીતરફ બ્રહ્મલીન મહંત તનસુખગીરીજીના પરિવારજનોએ પરંપરા અને વારસાગત રીતે ગાદી પરંપરા જળવાઈ રહે તેવી માંગ કરી છે.  તો બીજી તરફ મહંત હરિગીરીજી કે જેઓ જુના અખાડાના મહામંત્રી છે જેઓ પોતાના સાધુને અયોગ્ય રીતે મહંત પડે ચાદરવિધિ કરી નાખતા આ વિવાદનો મધપૂડો છેડાયો હતો. તેમાં મહંત મહેશગીરીએ હરિગીરી સામે અનેક આક્ષેપો કરી ભવનાથ મંદિરના મહંત પદેથી દૂર કરવાની વાત કરતા વાતનું વતેસર થતા મોટો વિવાદ સર્જાયો છે. 

મહંત હરિગીરીજીએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ બ્રહ્મલીન મહંત તનસુખ ગીરીજીના અંગૂઠાનું નિશાન લઈ જરૂરી કાગળો પર સહી સિક્કા કરવી લીધાનો આક્ષેપ કરાયો હતો. મહંત મહેશગીરીએ હરિગીરી સામે અખાડામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું અને ભવનાથ મંદિર કબજે કરવા કોને કેટલા રૂપિયા આપ્યા તેવી પત્ર રજૂ કરતા વિવાદ વધુ વકર્યો હતો. આ પત્રમા ઉલ્લેખ કરાયો છે કે જેમાં ભાજપને પાર્ટી ફંડમાં 5 કરોડ જેવી રકમ અપાઈ છે અને બાકીના રૂપિયા કેટલાક સાધુ સંતો અને મહંતોને આપ્યા હતા. જેમાં નામ સહિત ઉલ્લેખ કરાયો છે હાલ તો કલેકટરે વહીવટદારની નિમણૂંક કરી દીધી છે, ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ શાંત થાય જશે કે હજુ વકરસે તે જોવું રહ્યું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news