લીલી પેનથી સહી કરવાના સપના રગદોળાયા, રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો આપ્યો
કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે.
Trending Photos
અમદાવાદ :કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને રાધનપુરથી સીટ મેળવીને લડનાર અલ્પેશ ઠાકોર 3800 વોટથી હાર્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈ 3800 મતથી 24 રાઉન્ડના અંતે જીત્યા છે. અલ્પેશ ઠાકોર પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાજપને પક્ષપલટોની નીતિ ભારે પડી હતી. તો બીજી તરફ, લીલી પેનથી સહી કરવાના અને બેફાન વાણીવિલાસ કરનારા અલ્પેશ ઠાકોરને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાધનપુર સીટ ગુમાવીને ભાજપને મોટી લપડાક પડી છે. ત્યારે આ સમાચાર સાથે જ કોંગ્રેસના કાર્યાલય ખાતે ફટાકડા ફૂટવા લાગ્યા હતા. કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા હતા.
હાર બાદ અલ્પેશે શું કહ્યું...
પોતાની હાર બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી હારનું કારણ જાતિવાદી પરિબળ છે. પ્રજાને ડરાવવાનું અને લલચાવવાનું કારણ આ હાર માટે જવાબદાર છે. પરંતુ સત્યનો વિજય થશે. હું છાતી ઠોકીને કહું છું કે ઠાકોર સમાજ માટે લડ્યો છું અને લડતો રહીશ. આવનારા સમયમાં સમય ઘણુ બધુ કહેશે. અલ્પેશ ઠાકોર જંપીને બેસે તેવો મ્હોરો નથી. પૈસાના અને ડરના જોરે જે રાજનીતિ થઈ તેનો જવાબ આવનારા સમયમાં આપીશ.
એક પણ રાઉન્ડમાં અલ્પેશે લીડ ન મેળવી
રાધનપુરમાં શરૂઆતના રાઉન્ડથી જ અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા હતા. ત્યારે અંતિમ રાઉન્ડ સુધી કોંગ્રેસના રઘુ દેસાઈએ લીડ જાળવી રાખી હતી. રસાકસીભર્યા જંગ બાદ આખરે રઘુ દેસાઈ 3000ની લીડ સાથે જીત્યા હતા. રઘુ દેસાઈ 3041 મતથી ત્રીજા રાઉન્ડમાં આગળ નીકળતા કોંગ્રેસી કાર્યકરોએ ગેટ બહાર ‘કોંગ્રેસ જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે