આજે ગુજરાત સહિત દેશભરની મેડિકલોમાં નહી મળે દવા, દર્દીઓના સગા જરૂર વાંચે આ સમાચાર

ગુજરાત રાજ્યના દવાના તમામ વેપારીઓ આ દિવસે પોતાની દુકાન તથા ઓફિસ સંપૂર્ણ બંધ રાખી આ બંધના એલાનમાં જોડાશે.

આજે ગુજરાત સહિત દેશભરની મેડિકલોમાં નહી મળે દવા, દર્દીઓના સગા જરૂર વાંચે આ સમાચાર

અમદાવાદ: ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (એઆઈઓસીડી) દેશની સૌથી મોટી કેમીસ્ટ અને ડીસ્ટ્રીબ્યુટર્સના સંગઠને દવાઓના ઓનલાઈન વેચાણનો વિરોધ કરવાનો સ્પષ્ટ નિર્ણય લીધો છે. ઓલ ઇન્ડિયા કેમીસ્ટ સંગઠને શુક્રવાર તા.28 સપ્ટેમ્બર, 2018ના રોજ એકદિવસીય બંધની જાહેરાત કરી છે. જે કેન્દ્ર સરકાર દ્વારા દવાના ઓન લાઈન વેચાણને છૂટ આપવાના સંબંધિત કોઈપણ પ્રકારના પગલાનો વિરોધ પ્રગટ કરવા માટે છે.

ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (એઆઈઓસીડી)ના ઉપરોક્ત નિર્ણયને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન આવકારે છે અને તેને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે જેથી ગુજરાત રાજ્યના દવાના તમામ વેપારીઓ આ દિવસે પોતાની દુકાન તથા ઓફિસ સંપૂર્ણ બંધ રાખી આ બંધના એલાનમાં જોડાશે.

જો દવાઓની ઓનલાઈન વેચાણની છૂટ આપવામાં આવશે તો ઘણા ચિંતાજનક પરિણામો અંગે FGSCDA એ ચોખવટ કરી છે જેમાં ધંધાકિય નુકશાન તો છે જ, પણ સામાન્ય જનતાનું સ્વાસ્થ્યને જોખમ છે અને ખાસ કરીને આજની ટેક્નો-સેવી યુવા પેઢીને ઘણું નુકસાન થશે જેની કોઈપણ રીતે ભરપાઈ નહીં કરી શકાય. 

ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશીએશનના પ્રમુખ અલ્પેશ પટેલ એ જણાવ્યું છે કે અમારી માતૃ સંસ્થા ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (એઆઈઓસીડી) એ કેન્દ્ર સરકાર સંબંધિત પ્રધાનો, ડિપાર્ટમેન્ટ તથા સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન ને મેમોરેન્ડમ દ્વારા ઘણી વખત અપીલ કરી છે જેમાં ઈ-ફાર્મસી, ઈન્ટરનેટ પોર્ટલ્સ દ્વારા કરવામાં આવતા અનૈતિક અને બિનકાયદેસર વેચાણ અંગે ધ્યાન દોર્યું છે. આના વિરોધમાં બે વખત એક દિવસીય બંધ અને 8 કલાકના વર્ક ટુ રૂલ દ્વારા વિરોધ કરવામાં આવી છે. જેથી આ વિષયની ગંભીરતાથી નોંધ લઇ સરકાર કાયદામાં જરૂરી સંશોધન કરીને યોગ્ય પગલાં ભરે.
gujarat-chemist

અમારા આ પ્રયાસો છતાં પરિસ્થિતિ એ છે કે ઈન્ટરનેટ ઓનલાઈનના વેપારીઓ ખુલ્લેઆમ ડ્રગ્સના કાયદાઓનું ઉલ્લંઘન કરીને દવાઓનું વેચાણ કરી રહ્યા છે અને સત્તાધીશોએ કોઈ જાતના સ્પષ્ટ પગલાં લીધા નથી આ વિશે કેટલાંક મુદ્દા આ પ્રમાણે છેઃ

  • ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓ કાયદા અનુસાર જવાબદારી વિના પ્રિસ્ક્રિપ્શનની ખરાઇ કર્યા વગર દવાઓનું વિતરણ કરી રહ્યા છે.
  • ચોકસાઈ માંગતી દવાઓ જેવી કે MTP કીટ્સ, સીલ્ડેનાફ્રીન, ટેડાલાફ્રીન, કોડીન જેવા આદત પડી જાય એવી દવાઓ વગેરે રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશ્નરના પ્રિસ્કિપ્શન વગર વેચાઇ રહી છે.
  • શીડ્યુલ ડ્રગ્સ જે નિષ્ણાત ડૉક્ટરો-ગાયનેકોલોજીસ્ટ, સાઈકીયાટ્રીસ્ટ વગેરેના પ્રિસ્ક્રિપ્શન સામે જ વેચવાની હોય છે, તે દવાઓ બિનલાયકાત ધરાવતા ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન પર વેચાય છે અથવા વપરાશકારને સીધી રીતે વેચવામાં આવે છે.
  • પાછળની તારીખના જૂના અથવા બનાવટી પ્રિસ્ક્રિપ્શન સામે દવાઓનું વેચાણ થઇ રહ્યું છે.
  • દર્દીને તપાસ્યા વિના ઇ-પ્રિસ્ક્રિપ્શન જારી કરવામાં આવે છે જે ફક્ત કમીશન કમાવવા માટે થતું હોય છે.
  • ડ્રગ્સ એક્ટના સેક્શન 18(C) પ્રમાણે યોગ્ય લાઇસન્સ વગર દવાનું વેચાણ કે વિતરણ, સંગ્રહ અને જાહેરાત કરવી એ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, છતાં ઓનલાઈન વેચાણ કરતાં વેપારીઓ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ખુલ્લેઆમ જાહેરાતો કરી રહ્યા છે. 

આને લીધે સમગ્ર ભારતના કેમિસ્ટોમાં અજંપો અને વ્યગ્રતાની મનસ્થિતિ ઉત્પન્ન થઇ છે. જેના લીધે ના છૂટકે સરકાર અને રાજ્યના અધિકારીઓ સામે વ્યાપક આંદોલન કરવા તેઓ મજબૂર થયા છે. સાથે સાથે અમો સામાન્ય જનતાને ઉદભવ થયેલ અસુવિધા માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. 

અમે ફરીથી અમારી સમસ્યાઓ વ્યક્ત કરીએ છીએ જેની જાણ અમે કેન્દ્ર સરકાર અને સંબંધિત અધિકારીઓને કરેલી છે. અમારા પ્રશ્નો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઇપણ યોગ્ય જવાબ હજુ સુધી અમને મળ્યો નથી. અલ્પેશ પટેલે કહ્યું છે કે, આખરે ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (એઆઈઓસીડી) એ બે વખત સંપૂર્ણ ભારત બંધનું એલાન આપીને બંધ પાળ્યું છે જેનો આશય માત્ર સત્તાધિશોનું ધ્યાન આકર્ષિત કરવાનું હતું.

રાજેન્દ્ર પટેલ, મંત્રી, ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન એ કહ્યું છે કે સંપૂર્ણ લોકતાંત્રિક પગલાં લેવા છતાં અમારા પ્રશ્નો અને ખાસ કરીને સામાન્ય નાગરીક અને દેશની યુવા પેઢીના સ્વાસ્થ્ય જોખમને અવગણીને સરકાર પોતાના એજન્ડા મુજબ આગળ વધી રહી છે.

આના સંદર્ભમાં એ કહેવું અયોગ્ય નથી કે એક પૈસાદાર વર્ગ (લોબી) દવાઓને ઓનલાઈન વેચાણના હિતમાં કામ કરી રહ્યો છે. અમને ડર છે કે નજીકના ભવિષ્યમાં એકહથ્થુ સત્તાની સ્થિતિ આવી રહી છે. અમે પારદર્શક મુક્તવિચારની પોલીસીઓ આવકારીએ છીએ નહી કે કેટલાક મોટા માથાઓના ફાયદા માટેની મૂડીવાદી પોલીસીઓ.

ઉપરની બાબતોને પુષ્ટ કરતી હકીકત એ છે કે દવાઓની કિંમતો કેન્દ્ર સરકાર DPCO દ્વારા નિયમીત કરે છે. રીટેલર્સને 16% અને હોલસેલર્સને 8%નું ટ્રેડ માર્જીન ફિક્સ છે. જ્યારે જાણવામાં આવ્યું છે કે ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓ 50% થી 70%ના ડીસ્કાઉન્ટની જાહેરાત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કરી રહ્યા છે. આવી અયોગ્ય અને અનૈતિક ગળાકાપ હરીફાઈ કરીને નાની દુકાન ધરાવતા રીટલર્સને હાંકી કાઢવાનો આશય સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. એક નાનો રીટઇલર આ મોટા નાણાં અને મૂડી ધરાવતાં ખેલાડીઓ સામે કેવી રીતે ટકી શકશે ?

વિશ્વના કોઈપણ દેશો, ખાસ કરીને જ્યાં કાયદાઓનું સખ્તાઇથી પાલન થાય છે એવાં કોઇ દેશમાં ઓનલાઈન દવા વેચાણને સંપૂર્ણ છૂટ અપાઇ નથી. અમુક દેશોમાં અમુક અંશે ઓનલાઈન દવાનું વેચાણ છે પણ તેઓ વધુ ગંભીરતાથી નિયંત્રણ લાદવાનું વિચારી રહ્યા છે. કારણ સ્પષ્ટ છે કે ઓનલાઈન દવા વેચાણ કરતા વેબપોર્ટલ્સ અનઅધિકૃત અને અનૈતિક રીતે આ વ્યવસ્થાનો દુરુપયોગ 
કરી રહ્યા છે. અપૂરતા કાયદાકીય માળખાવાળા ભારત દેશમાં ઓનલાઈન દવા વેચાણને છૂટ આપવી તે એક ખૂબ અપરિપક્વ પગલું છે.

અમારી સંસ્થાનો દરેક સભ્ય તેના ભવિષ્ય અંગે ખૂબ ચિંતિત છે. આ દેશના 8.5 લાખથી વધુ સભ્યો અને એક કરોડ આશ્રિત કુટુંબીજનો, સ્ટાફ તથા સંલગ્ન સેવા પૂરી પાડતા સહાયકોના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થયો છે તેના પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકારના પક્ષપાતી વલણ સામે તેઓના મનમાં ગુસ્સો અને વ્યગ્રતા છે.

જો સરકાર અમારા પ્રશ્નોને સમજવામાં અસફળ રહેશે અને અમારી અપીલને હકારાત્મક રીતે ધ્યાનમાં નહીં લે તો, અમારી પાસે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં અનિશ્ચિત મુદ્દતનું રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news