શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની મોટી જાહેરાત; દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં તેમણે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળવાની વાત કરી છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ વિભાગ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં તેમણે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળવાની વાત કરી છે. શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણૂક કરી શિક્ષણનું સ્તર સુધારવાની દીશામાં કાર્યવાહી ચાલી રહી છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિડોરે જણાવ્યું હતું કે, રાજનીતિ મારો વિષય નહોતો. ભૂપેન્દ્રસિંહ અને અમિત ઠાકરને કારણે રાજનીતિમાં આવ્યો છું. તમામ સંઘોને 25 વર્ષથી ઓળખું છું. દિવાળી પછી તમામ જિલ્લામાં કાયમી DEO-DPO મુકાશે. હું મંત્રી તરીકે નહિ પરંતુ એક શિક્ષક તરીકે અહીં આવ્યો છું. શિક્ષણને વ્યવસાય તરફ લઈ ગયા પણ આ ન થવું જોઈએ. વિદ્યા દાન છે, એ આપણા ઉપનિષદોમાં લખ્યું છે. આપણે આપીને લેવાનું છે. પહેલા લઈને આપવાનું નથી. આપણું ઘડતર જે જગ્યાએ થયું એ સમયની સ્થિતિ અને આજની સ્થિતિનું મુલ્યાંકન કરો. હું એવી સ્થિતિમાંથી આવું છું, જ્યાં બધાનો અભાવ હતો બે ટાઇમ રોટલો પણ ન હતો. આજે બાળકો માટે પેન પાટી પુસ્તક સહિતની સુવિધાઓ છે. કોઇએ નાસીપાસ થવાની જરૂર નથી.
તેમણે ઉમેર્યું હતું કે, જાપાન પર ફેકાયેલા અણુ બોમ્બ બાદ શિક્ષકોએ પહેલ કરી. શિક્ષકોએ એક કલાક વધારે કામ કરવાનો નિર્ણય લઇ જાપાનને બેઠું કર્યું. શિક્ષક એ કર્મચારી નહી નિર્માણ કારી છે. શિક્ષકોના છ પ્રશ્નો ઉકેલ્યા બાકીના પ્રશ્નોનું સમય આવે નિકાલ થશે.
તેમણે જણાવ્યું હતું કે, ઇઝરાયેલમાં વિશ્વભરમાં રહેલા નાગરિકો યુધ્ધના પગલે દેશમાં પરત ફર્યા છે. એ રાષ્ટ્ર ભાવના જગાડવાનુ કામ શિક્ષકોને કરવાનું છે. ભુતકાળમાં 64 દિવસમાં 64 કળાએ શીખવાડવમાં આવતી. ગુરકૂળમાં દાખલ થતો, વિદ્યાર્થી 25 વર્ષે બહાર આવતો તો તે આત્મનિર્ભર બનતો. પહેલાં સ્નાતક વિદ્યાર્થીઓને પ્રવાસી શિક્ષક તરીકે રાખવામાં આવતા હતા. અત્યારે તાલીમ પામેલા વિદ્યાર્થીને જ્ઞાન સહાયક તરીકે લેવામાં આવે છે. જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી નહી. કાયમી ભરતી થશે જ શિક્ષક વિના સ્કુલ ન ચાલે.
નોંધનિય છે કે રાજ્યમાં 39 DEO-DPEOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જે વ્યવસ્થા હવે સુધરશે. ચાર્જને કારણે અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. જેને લઈને હવે આ વ્યવસ્થા સુધરે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેની જવાબદારી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવાની અને નિરીક્ષણ કરવાની હોય છે, તે ડીઇઓ અને ડીપીઇઓના હવાલાથી વહીવટી કામગીરી સાથે જોડાયેલા હોવાથી શાળાઓની ગુણવત્તા સુધારવાની કામગીરીમાં હાલ અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે