'અમે આત્મહત્યા કરીએ છીએ, વ્યાજ ભરી ભરીને કંટાળી ગયા છીએ', વ્યાજખોરોના વિષચક્રમાં હોમાયું નિર્દોષ દંપતી

જોકે પરિવારના સભ્યોએ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સોલા પોલીસે મૃતક પત્નીનો મોબાઇલ અને પરિવારને કરેલા મેસેજને આધારે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ દુષ્પ્રેરણા, શારીરિક માનસિક ત્રાસ હેઠળની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

'અમે આત્મહત્યા કરીએ છીએ, વ્યાજ ભરી ભરીને કંટાળી ગયા છીએ', વ્યાજખોરોના વિષચક્રમાં હોમાયું નિર્દોષ દંપતી

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસનો કરુણ અંજામ સામે આવ્યો છે. જોકે આ વખતે વ્યાજખોરોના ત્રાસથી કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ દંપતીએ એક સાથે આત્મહત્યા કરીનેં દામ્પત્ય જીવનનો અંત લાવ્યો છે. સોલા પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા હિતેશ પંચાલ અને એકતા પંચાલ ભવાન પૂરા સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી રહેતા હતાં. બે વર્ષ પહેલા મૃતક હિતેશ પંચાલે 12 ટકાના વ્યાજે ₹4 લાખ લીધા હતા. અને અન્ય જીતુ વાઘેલાના વ્યાજે આપનાર વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે મૃતક હિતેશ ભાઈએ આત્મહત્યા કરતા પહેલા પરિવારને મેસેજ કર્યા હતા કે તે વ્યાજના પૈસા ભરી ભરીને થાકી ગયો છું, મે મૂડી કરતા વ્યાજ વધુ ભરી દીધું છે. તેમ છતાં વ્યાજખોરો જલાંભાઈ દેસાઈ, જગદીશ દેસાઈ અને અને જીતુ વાઘેલા મને વ્યાજના પૈસાને લઇને ધમકીઓ આપી રહ્યા છે.

તેઓ મને ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તમે વ્યાજના પૈસા નહિ ભરો તો ઘરને લોક  કરી દેવામાં આવશે, અને તે જ કારણથી અમે બંને આત્મહત્યા કરી રહ્યા છીએ. પરિવારમાં સભ્યોએ મેસેજ અને લોકેશનના આધારે તપાસ કરતા કડી પાસે આવેલ શિયાપુરા કેનાલ પાસેથી મૃતક હિતેશનું બાઈક અને પત્નીનો મોબાઈલ મળી આવ્યો હતો. મૃતક હિતેશ પંચાલનો મૃતદેહ 27 તારીખે વિરમગામ માંથી મળી આવ્યો હતો અને પત્નીનો મૃતદેહ લીલાપુર લખતર પાસે મળ્યો હતો.

જોકે પરિવારના સભ્યોએ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સોલા પોલીસે મૃતક પત્નીનો મોબાઇલ અને પરિવારને કરેલા મેસેજને આધારે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ દુષ્પ્રેરણા, શારીરિક માનસિક ત્રાસ હેઠળની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

હાલ તો સોલા પોલીસે ત્રણ વ્યાજખોર સામે ગુનો નોંધીને આરોપીઓ પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે કે વ્યાજખોરીનો વ્યવસાય કેવી રીતે અને કેટલા સમયથી આવી રીતે લોકોને લૂંટીને ચલાવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news