ગુજરાતમાં પહેલીવાર નાગરિકો પાસેથી પર્યાવરણ માટે યુઝર ચાર્જ વસૂલાશે, આ શહેરોને ચૂકવવો પડશે

Budget 2023 : ગુજરાતના 4 મહાનગરોમાં વેરા વધ્યા.... મોંઘવારીના વધુ એક ડોઝ માટે રહો તૈયાર!... અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર મનપાએ બજેટમાં વેરા વધાર્યાં... વેરામાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો.... મિલકત, પાણી અને સફાઈ વેરામાં વધારો ઝિંકાયો... શહેરીજનો પર મોંઘવારીનો માર વધ્યો
 

ગુજરાતમાં પહેલીવાર નાગરિકો પાસેથી પર્યાવરણ માટે યુઝર ચાર્જ વસૂલાશે, આ શહેરોને ચૂકવવો પડશે

Gujarat Budget 2023 : ગુજરાતના મહાનગરોમાં લોકો પર મોંઘવારીનો માર વધ્યો છે. ચાર મનપાએ પોતાનાં ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં વધારો ઝીંક્યો છે. મનપા પાસે આમ કરવા પાછળનાં કારણો પણ છે. જો કે કરવેરામાં વધારાથી મહાનગરોમાં રહેતા લોકોનાં ખિસ્સા પર વધારાનો બોજ પડ્યો છે. મોંઘવારીમાં મહાનગરોમાં રહેવું વધુ મોંઘુ બનશે. અન્ય મનપાઓ પણ વેરામાં વધારો કરી શકે છે. ગુજરાતનાં મહાનગરોમાં લોકોએ મોંઘવારીના વધુ એક ડોઝનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. રાજ્ય સરકારનાં બજેટ પહેલાં એક બાદ એક મહાનગરપાલિકાઓ પોતાના વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરી રહી છે, જેમાં જુદા જુદા વેરામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગર મનપાએ પોતાનાં વેરામાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો કર્યો છે. પંરતું પહેલીવાર મહાનગરપાલિકાઓએ નાગરિકો પાસેથઈ એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવા નક્કી કરાયું છે. અમદાવાદી અને રાજકોટીયન્સના માથે પર્યાવરણ માટે યુઝર ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. ત્યારે શું છે આ પર્યાવરણ યુઝર ચાર્જ અને નાગરિકોએ કેમ આ ચાર્જ ચૂકવવો પડશે તે જાણીએ.

પર્યાવરણના રક્ષણ મામલે પ્રથમ વાર અમદાવાદ મહાનગરપાલિકા અને રાજકોટ મહાનગરપાલિકાા દ્વારા યુઝર ચાર્જ લેવાની દરખાસ્ત કરાઈ છે. આ વખતે પાલિકાના બજેટમાં નાગરિકોના માથે એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ પણ નાખવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવાયો છે. ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ સેવાના ચાર્જમાં પણ કરાયો તોતિંગ વધારો છે. 

અમદાવાદની વાત કરીએ તો શહેરમાં 10 વર્ષ બાદ મિલ્કત વેરામાં વધારો કરાયો છે. મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસનને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલા વર્ષ 2023-24નાં ડ્રાફ્ટ બજેટનું કદ 8400 કરોડ રૂપિયાનું છે, જે ગત વર્ષની સરખામણીમાં 289 કરોડ રૂપિયા વધુ છે. બજેટની જોગવાઈમાં વેરામાં કરાયેલો 475 કરોડ રૂપિયાનો વધારો ઉડીને આંખે વળગે તેવો છે. રહેણાંક મિલ્કતો માટેનો વેરો ચોરસ મીટર દીઠ 7 રૂપિયા વધારીને 23 રૂપિયા કરાયો છે. જ્યારે કોમર્શિયલ મિલ્કતોનાં વેરાને ચોરસ મીટર દીઠ 9 રૂપિયા વધારીને 37 રૂપિયા કરાયો છે. જો કે, પાણી અને કન્ઝર્વન્સી વેરામાં હાલ કોઈ વધારો ન કરાયો નથી. 

અમદાવાદ બજેટ
અમદાવાદનાં બજેટમાં આઠ નવા ફ્લાય ઓવર અને 5 આઈકોનિક રોડ બનાવવાની દરખાસ્ત કરાઈ છે. સત્તાધાર ચાર રસ્તા, નરોડા પાટીયા, વાડજ જંકશન, ચાંદલોડિયા ખોડિયારનગર રેલવેલાઈન, પંચવટી જંકશન, માનસી જંકશન, વિસત જંકશન અને પાંજરાપોળ જંકશન પર ફ્લાય ઓવર બનાવવાની દરખાસ્ત છે. ઓવર બ્રિજ માટે 578 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ખારીકટ કેનાલનાં વિકાસ માટે 1338 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સુરત બજેટ
સુરત મહાનગરપાલિકાએ રજૂ કરેલા 7707 કરોડ રૂપિયાનાં ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો માટેનાં વેરામાં વધારો કર્યો છે. 12 વર્ષ બાદ 307 કરોડ રૂપિયા જેટલા નવા વેરો શહેરીજનો પર ઝીંકવામાં આવ્યા છે. રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર 4 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજે 152.18 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂપિયા 148.66 કરોડનો છે.. પાણીના મીટરના ચાર્જમાં પણ 6 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. સુરત શહેરમાં ત્રણ નવા ઓવરબ્રિજ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે. 

રાજકોટ બજેટ 
રાજકોટ મનપાએ વર્ષ 2023-24 માટે રૂપિયા 2586 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. બજેટમાં પાણી અને સફાઈ સહિતનાં તમામ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. રહેણાંક ઈમારતો માટેનો મિલકત વેરો ચોરસ મીટર દીઠ 11 રૂપિયાથી વધારી 13 રૂપિયા કરવાની દરખાસ્ત કરાઈ છે. જ્યારે બિન રહેણાંક પ્રોપર્ટીનો વેરો 22 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરવાની દરખાસ્ત છે. વાર્ષિક પાણીવેરો 840 રૂપિયાથી વધારી 2400 રૂપિયા કરવાની દરખાસ્ત છે...બિન રહેણાંક વિસ્તારોમાં પાણી વેરો 1680 રૂપિયાથી વધારીને 4800 રૂપિયા કરવાની દરખાસ્ત છે. રહેણાંક વિસ્તારોમાં કચરો ઉપાડવાના દૈનિક ચાર્જને એક રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાની અને કોમર્શિયલ વિસ્તારો માટે કચરો ઉપાડવાનાં દૈનિક ચાર્જને 2 રૂપિયાથી વધારીને 4 રૂપિયા કરવાની બજેટમાં દરખાસ્ત છે. 

જામનગર બજેટ
જામનગર મનપાએ પણ પોતાનાં ડ્રાફ્ટ બજેટમાં કરવેરા વધાર્યા છે. વર્ષ 2023-24 માટે 1079 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. 141 કરોડ રૂપિયાની પુરાંત સાથેનાં ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો પર વધારાનો 53 કરોડનો બોજ ઝીંકાયો છે. પાણી અને મિલકત વેરામાં વધારો કરવાની બજેટમાં દરખાસ્ત છે. 

વેરામાં વધારા માટે મનપાનાં સત્તાધીશો મોંઘવારીને જવાબદાર ગણાવે છે. જો કે સામાન્ય નાગરિકો માટે તો વેરામાં વધારો પણ મોંઘવારીમાં વધારો છે. વેરામાં વધારાથી ગુજરાતનાં મહાનગરોમાં રહેવું વધુ મોંઘુ બનશે. સંપત્તિના માલિકો અને ભાડુઆતો પર વેરાનો બોજ આવશે. જો કે હવે મનપા સમક્ષ લોકોની અપેક્ષાઓ પણ વધશે. સ્વચ્છતા, સારા રસ્તા અને સ્વચ્છ પાણી આપવાની જવાબદારીને મનપાએ યોગ્ય રીતે નિભાવવી પડશે. તો જ વેરામાં વધારાનો હેતુ સિદ્ધ થઈ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news