કાયદાના રક્ષકો કે વ્યાજખોરો! અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસે વેપારીને લૂંટ્યો: 50 લાખ પડાવ્યા

અમદાવાદમાં થયેલા તોડકાંડની શાહી હજું સુકાઈ નથી, તેવામાં સુરતમાં રૂપિયા વ્યાજે ફરેવતા પોલીસકર્મીએ કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજ પર વેપારીને 8 લાખ ઉછીના આપ્યા હતા. જ્યારે વેપારીએ રૂપિયા પાછા આપી દસ્તાવેજ પરત માગ્યો ત્યારે પોલીસકર્મીએ તેની પાસેથી રૂપિયા 50 લાખ પડાવી લીધા હતા.

કાયદાના રક્ષકો કે વ્યાજખોરો! અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસે વેપારીને લૂંટ્યો: 50 લાખ પડાવ્યા

ઝી બ્યુરો/સુરત: અમદાવાદમાં પોલીસકર્મીએ એક પરિવારનું અપહરણ કરી રૂપિયા પડાવ્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી, ત્યાં સુરતમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કમલેશ ઔસુરા વિરુદ્ધ ચિટિંગનો ગુનો નોંધાયો છે. હીરા વેપારીને આઠ લાખ રૂપિયા આપનાર આ કોન્સટેબલે તેમની પાસેથી કરોડો કિંમતની 8 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. એટલું જ નહીં વેપારીની આ જમીનનો અન્યને સાટાખત કરી આપી 35 લાખ રૂપિયા ઉસેડી લીધા હતાં. 

આ ઘટનાની વિગતે વાત કરીએ તો વેસુ વિસ્તારમાં રહેતા કરશનભાઇ અંબારામભાઇ ખોખાણી પ્રોપર્ટી લે-વેચ તથા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2015ના અરસામાં તેઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં ઇન્સપેક્ટર કુલદીપ ગઢવીને મળવા ગયા હતા, ત્યારે ત્યાં કોન્સ્ટેબલ કમલેશ ભાઈ ચંદુભાઇ ઔસુરા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ લાલભાઇ સ્ટેડીયમમાં લેડીઝ મેચ ચાલતી હોવાથી ત્યાં હાજર રહેલા ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીને મળવા કરશનભાઇ ગયા પણ કમલેશ ઔસુરા મળ્યો હતો. આ રીતે તેઓ વચ્ચે મિત્રતા થઈ હતી. 

8 લાખની સામે કરોડોની જમીનનો દસ્તાવેજ
ગઢવી વેપારી ઘરે પણ આવતા જતો અને તેઓને જણાવ્યું હતું કે પોતે વ્યાજે પણ રૂપિયા ધીરે છે. જો જરૂર પડે તો કહેજો. 2020 ના વર્ષમાં કોરોના દરમિયાન કરશનભાઇને રૂપિયાની જરૂર પડતા કમલેશ ચંદુભાઇ ઔસુરા પાસેથી 8,00,000 રૂપિયા હાથ ઉછીના માંગ્યા હતાં. કોન્સ્ટેબલ કમલેશે આઠ લાખ હાથ ઉછીના આપ્યા તો ખરી પરંતુ તેની સામે સિક્યુરીટી પેટે વેપારીના દિકરા અંકિતના નામે આવેલ મોજે ગામ સીસોદ્રા ના બ્લોક/સરવે નં-39/2 ખાત નં-790 વાળી આશરે આઠ વિધા જમીનનો દસ્તાવેજ તા.14/12/2020 ના રોજ કરાવી લીધો હતો. 

મિત્ર પાસેથી 50 લાખ અપાવ્યા
જો કે, વેપારીએ ફક્ત સિક્યુરીટી પેટે ઉપરોક્ત જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હોવાથી અસલ દસ્તાવેજ કોન્સ્ટેબલને આપ્યો ન હતો. ત્યારબાદ 2021ના વર્ષમાં વેપારીએ કમલેશને તેઓ પાસેથી લીધેલ હાથ ઉછીના રૂપિયા પરત કરવાની અને અમારી જમીનનો સિક્યુરીટી પેટે કરી આપેલ દસ્તાવેજ પરત કરી આપવા જણાવ્યું હતું. જો કે તેણે એવું જણાવ્યું કે 'તમે અન્ય કોઇને આ જમીન જેટલા રૂપિયામાં વેચાણ આપશો તેટલામાં હું જ ખરીદી લઉ. જો કે વેપારીએ ના પાડી હતી. ત્યારબાદ કમલેશે વેપારીને જણાવ્યું હતું કે તમારી જમીન ઉપર મે 35,00,000 રૂપિયા લઇ તેની સામે સાટાખત કરી આપ્યો છે. મારે હાલ 50,00,000 રૂપિયાની જરૂર છે. તમે ક્યાંકથી મને 50, 00,000 રૂપિયા 15 દિવસ પુરતી સગવડ કરી આપો. ત્યારબાદ તમારી જમીન ઉપર લીધેલા રૂપિયા ચૂકવી આપી જમીન ચોખ્ખી કરી તમોને દસ્તાવેજ કરી આપીશ. 

ત્યારબાદ કોન્સ્ટેબલે મામાના દિકરા પાસે 3,15,00,000 ની એફ.ડી છે. જે એફ.ડી તોડી તે મને રૂપિયા આપવાનો છે. તેમાંથી 50,00,000 તમેને ચુકવી આપીશ. ઉપરાંત તમને સવા કરોડ રૂપિયા ઓછા વ્યાજે આપીશ. આપણે જે કોપરનો ધંધો કરવાના છે તેમાં રૂપિયા સવા કરોડ રોકીશું તેવી લાલચ આપી હતી. આ વાતમાં આવી ગયેલા કરશનભાઇએ તેમના ઓળખીતા ભરતભાઇ સાપોલીયા પાસેથી પંદર દિવસ માટે 50,00,000 રૂપિયા કમલેશના ખાતામાં તા.30/07/2022 ના રોજ નંખાવ્યા હતાં. ત્યારબાદ પણ કમલેશે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. 

પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
તા.21/08/2022 ના રોજ કમલેશે જો જમીનનો દસ્તાવેજ પરત કરાવવો હોય તો મને મારા 8 લાખ સામે 32.88 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. આ વાત વેપારીએ કબૂલ રાખી તો કોન્સટેબલે કહ્યું કે, તમારા મિત્ર વિનોદભાઇને મે રૂપિયા વ્યાજે આપેલા જેમાં 17,00,000 લેવાના બાકી નીકળે છે એ પણ તમારે આપવાના રહેશે. આ રીતે 8 લાખ સામે કુલ રૂ.49,88,000ની માંગણી કરી કોન્સટેબલ જમીનનો દસ્તાવેજ કરી આપતો ન હોવાથી તેમણે ફરિયાદ નોંધાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news