ગુજરાત શું નકલી વસ્તુઓનું બની ગયું હબ? સિરપકાંડ બાદ હવે નકલી તેલની ફેક્ટરી ઝડપાતાં ખળભળાટ

ખેડાની કપડવંજ પોલીસને બાતમી મળી હતી કે હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં શંકાસ્પદ તેલ બની રહ્યુ છે. ત્યારે કપડવંજ પોલીસે FSL સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને તપાસ કરતા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

ગુજરાત શું નકલી વસ્તુઓનું બની ગયું હબ? સિરપકાંડ બાદ હવે નકલી તેલની ફેક્ટરી ઝડપાતાં ખળભળાટ

ઝી બ્યુરો/ખેડા: ખેડા જિલ્લો હવે અસલની નકલ બનાવવા માટે જાણે બદનામ થઈ ગયુ છે. કારણ કે ખેડા જિલ્લામાંથી એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. મોરબીના નકલી ટોલનાકાની ઘટના હજુ સામે આવી જ છે ત્યાં ખેડામાંથી નકલી તેલ પકડાયુ છે. 

ખેડાની કપડવંજ પોલીસને બાતમી મળી હતી કે હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં શંકાસ્પદ તેલ બની રહ્યુ છે. ત્યારે કપડવંજ પોલીસે FSL સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને તપાસ કરતા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. કારણ કે હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં માત્ર શંકાસ્પદ તેલ જ નહીં અનેક બ્રાન્ડેડ કંપનીના નામના સ્ટીકરો પણ મળી આવ્યા છે. 

આ ફેક્ટરીમાં કઈ કઈ કંપનીના ભળતા નામથી નકલી તેલ બનતુ હતુ. તેના પર એક નજર કરી લઈએ રાણી, એક્કા, જાનકી, મંગલદીપ, કુમકુમ, જાગૃતિ, કિશન, માતૃધારા, સ્વસ્તિક, અમૃત, અનમોલ, મહારાણી અને શિવકૈલાસ. આ એ તમામ નામ છે, જેના ભળતા નામથી નકલી ઘીના ડબ્બા ભરીને નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હતા. હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં સોયાબિન સહિત અલગ અલગ 8 પ્રકારનું નકલી ઓઈલ તૈયાર કરાતુ હતુ. ત્યારે હાલ તો પોલીસે તમામ અલગ અલગ બ્રાન્ડના ડબ્બામાંથી તેલના નમુના લીધા છે અને તપાસમાં મોકલ્યા છે.

ખેડા જાણે તો ચાઈનાની હરિફાઈ કરી રહ્યુ છે. કારણ કે ખેડા જિલ્લામાંથી એક બાદ એક નકલ કરવાના સોદાગરો પકડાઈ રહ્યા છે. આ પહેલાં ખેડામાંથી નકલી ઘી પણ પકડાઈ ચુક્યુ છે. ખેડાના વરસોલામાં પોલીસે દરોડા પાડીને નકલી ઘી બનાવતી આખે આખી ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરીમાં તો મોતના સોદાગરો પામતેલમાં કેમિકલ મિક્સ કરીને નકલી ઘી બનાવતા હતા અને લોકોને પધરાવી દેતા હતા.

તેલ અને ઘી જ નહીં ખેડામાંથી તો નકલી ઈનો બનાવવાનું કારખાનું પણ પકડાઈ ચુક્યુ છે. નકલી ઈનો બનાવવાનું આ કારખાનું માતર GIDCમાં ધમધમતું હતું. આ નકલી ઈનો એવો છે જે તમારી તબિયત સુધારવાના બદલે બગાડી શકે છે.. આ ભેજાબાજોએ  અસલી ઈનોના પેકેટ જેવા જ નકલી પેકેટ બનાવ્યા હતા અને તેમાં ઈનોના બદલે તેના જેવો દેખાતો પાવડર પેક કરી દેતા અને બજારમાં વેચાણ માટે મોકલી દેતા. આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે માતર પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની ફરિયાદ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા નકલી ઈનોના 2 લાખ 22 હજાર પેકેટ જપ્ત કરવામાં આવ્યા.

વીઓ. ખેડામાંથી એક બાદ એક નકલી વસ્તુ પકડાતા લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે. સાથે જ લોકોમાં ચર્ચા એવી પણ ચાલી છે કે આવા ગોરખધંધા તો અધિકારીઓના આશીર્વાદથી જ ચાલતા હોય છે. ત્યારે પોલીસ સહિત તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માગ લોકોમાં ઉઠી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news