આણંદમાં બાળકની હત્યાનું પગેરું પોર્નોગ્રાફી સુધી કેવી રીતે પહોંચ્યું? આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા
ગુજરાતના આણંદમાં આઠ વર્ષના બાળકનું જોતીય શોષણ કર્યા બાદ તેમની હત્યા કરવાના આરોપીમાં પોલીસે એક વ્યક્તિની સાત માર્ચે ધરપકડ કરી હતી. કોર્ટે આ કેસમાં આરોપી કનુ ચાવડાને રૂપિયા 60 હજારનો દંડ અને આજીવન જેલની સજા ફટકારી હતી. જ્યારે પીડિત પરિવારને રૂપિયા 50 હજાર વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: તાલુકાનાં વડોદ ગામમાં દોઢ વર્ષ અગાઉ ભમરડો અને વેફર લઈ આપવાની લાલચ આપીને 8 વર્ષીય બાળકને બાઈક પર બેસાડી અપહરણ કરી વાસદ લઈ જઈ ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યા બાદ, પ્રતિકાર કરતા બાળકને મોતને ઘાટ ઉતારનારા 55 વર્ષીય આધેડને આણંદ જિલ્લા કોર્ટે તકશીરવાર ઠેરવી આજીવન જેલ અને રૂપિયા 60 હજારનો દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત પીડિત પરિવારને રૂપિયા 50 હજાર વળતર ચૂકવવા હૂક્મ કર્યો છે.
વડોદગામનાં ચાવડાવાળા ફળીયામાં રહેતા દિનેશભાઈ વિનુભાઈ રાઠોડના 1 માર્ચ, 2022ના રોજ ત્રણ બાળકો ફળીયામાં રમતા હતા. દરમિયાન, ત્રણ પૈકીનો 8 વર્ષીય બાળક નયન બપોરે દોઢ વાગ્યા બાદ અચાનક ગુમ થઈ ગયો હતો. જોકે, તેની જાણ પરિવારજનોને થતાં તેમણે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહોતો. સમગ્ર બનાવ અંગેની જાણ વાસદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર બાબતે તપાસ કરતા ગુમશુદા બાળકનો મૃતદેહ વાસદ મહીસાગર નદી પાસેના ઝાંડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બાળકનું નદીમાં ડુબાડીને હત્યા કરી નાંખી હોવાનું ખૂલ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વાસદ ટોલ નાકા પાસેના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં ફળીયામાં રહેતો 55 વર્ષીય કનુ જશ ચાવડા તેના બાઈક પર બેસાડીને બાળકને લઈને જતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો.
સમગ્ર ગુનાની કબુલાત કરતા જણાવ્યું હતું કે તે તેના મોબાઈલ ફોનમાં પોર્નોગ્રાફી જોવાનો શોખ ધરાવતો હતો. અને તેને બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવું હોય તે તેને ભમરડો અને વેફર લઈ આપવાની લાલચ આપીને બાળકને બાઈક પર બેસાડી વાસદ મહીસાગર નદી પાસે લઈ ગયો હતો. જ્યાં તે તેની સાથે કૃત્ય કરે તે પહેલાં જ તેણે બુમરાણ મચાવી હતી. જેને પગલે તે ભયભીત થઈ ગયો હતો. પોતાને ઓળખતો હોય અને સમગ્ર હકીકત તે ફળીયામાં બીજાને કહી દેશે તેમ લાગતાં જ તેણે તેને પાણીમાં ડૂબાડી હત્યા કરી નાંખી હતી.જેથી પોલીસે કનુભાઈ ચાવડાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જસીટ રજુ કરી હતી.
આ કેસ આણંદનાં ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એસ એ નકુમની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.એસ જાડેજાએ 22 સાક્ષી અને 58 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી કનુ ચાવડાને રૂપિયા 60 હજારનો દંડ અને આજીવન જેલની સજા ફટકારી હતી. જ્યારે પીડિત પરિવારને રૂપિયા 50 હજાર વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે