બ્રેકિંગ ન્યૂઝ : AAP થી નારાજ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાયા
Gujarat Elections 2022 : આમ આદમી પાર્ટીએ જે દિવસે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી તે જ દિવસે પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે.... ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજભા ઝાલાને મોવડી મંડળે મહત્વ ન આપતાં નારાજ થયા હતા... ટિકિટને પગલે નારાજ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આખરે સાંજ સુધીમાં કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે
Trending Photos
હિતેન વિઠ્ઠલાણી/ગાંધીનગર : રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP ગુજરાત અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળયો છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP ને મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો છે. તેઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓની હાજરીમાં આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 7 મહિનામાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.
ટિકિટ મુદ્દે પાર્ટીથી હતા નારાજ
આજે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી છે. ત્યારે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈન્દ્રનીલ રાજગુરુ અને રાજભા ઝાલા ભારે નારાજ દેખાયા હતા. દિલ્હી અને મોવડી મંડળ મહત્વ ન આપતા હોવાની કાર્યકરોમાં જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ હતી. તેમજ ટિકિટને લઈને પણ ઇન્દ્રનીલ રાજગુરુ આપ પાર્ટીથી નારાજ હતા. ત્યારે આખરે તેમણે મોટો બોમ્બ ફોડ્યો છે.
આ વર્ષે એપ્રિલ મહિનામાં આપમા જોડાયા હતા
આ વર્ષે 14 એપ્રિલના રોજ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કોર્પોરેટર વસરામ સાગઠિયા પણ AAPમાં જોડાયા હતા. આપમાં જોડાનાર ઇન્દ્રનીલ રાજગુરુએ તે સમયે કહ્યું હતું કે, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આમ આદમી પાર્ટી કરી શકે છે. કટ્ટર ઇન્સાનિયત, કટ્ટર નિયત, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી એવું પંજાબ અને દિલ્હીનું રાજ્યની જીતે પુરવાર કરી દીધું છે. ત્યાં અધિકારીઓ પૈસા લેતા બીવે છે, જે આપણે ગુજરાતમાં નથી જોઈ શકતા. તે પંજાબમાં થોડા જ દિવસોએ કરી બતાવ્યું છે. ભાજપની નીતિ જ ખોટી છે. આજે હું સૌ ભાજપ કોંગ્રેસના કાર્યકરોને, ગુજરાતના આમ લોકોને, જે કોઈ મારામાં વિશ્વાસ રાખતા હોય તેમને હું વિનંતી કરું છું કે સૌ આમ આદમી પાર્ટીમાં જોડાય. સૌ કોઈ ગુજરાતની શિકલ બદલવાનું નક્કી કરી દે. ખુબ સમય લાગી શકે તે વિચાર ખોટો છે. આમ આદમી પાર્ટીની સરકાર 2022 માં આવી રહી છે. સૌ ગુજરાતીને પોતાની સરકાર લાગે તેવી પાર્ટી છે. મને ટિકિટ મળે કે ન મળે પણ અગત્યનો પ્રશ્ન એ છે કે ભાજપની સરકાર ન જોઈએ, એ માટે કોંગ્રેસ કંઈ કરશે કે નહીં તે જોઈને હું આપમાં જોડાયો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે