અમેરિકામાં બેઠા-બેઠા પાટીદારે બતાવ્યો વતન પ્રેમ, પીપળાના ઝાડને ઉભું કરવા તમામ ખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી
હિન્દુધર્મમાં પીપળાનાં વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પિપળનાં વૃક્ષ અને તેના પાંદડાની પુજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પીપળના મૂળમાં પરમપિતા બ્રહ્મા, દાંડીમાં ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં મહાદેવનો વાસ છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: ખાંધલી ગામમાં વાવાઝોડામાં ધરાશાઈ થયેલા પીપળાનાં ઝાડને ક્રેઈન વડે ફરી ઉભો કરીને તેને નવપલ્લવીત કરવામાં આવ્યો હતો અને પીપળાનાં ઝાડને કુંપણો ફુટતા ગ્રામજનો દ્વારા પીપળાનાં ઝાડ પાસે હવન કરી પુજા અર્ચના કરી પીપળાનાં વૃક્ષોનો ઉછેર કરી તેને બચાવવાનો અનોખો સંદેશ આપ્યો હતો.
હિન્દુધર્મમાં પીપળાનાં વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પિપળનાં વૃક્ષ અને તેના પાંદડાની પુજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પીપળના મૂળમાં પરમપિતા બ્રહ્મા, દાંડીમાં ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં મહાદેવનો વાસ છે. આણંદનાં ખાંધલી ગામમાં દાયકાઓ જુનું ધેધુર પીપળાનું ઝાડ આવેલું હતું અને ગ્રામજનો તેની પુજા અર્ચના કરતા હતા. ત્યારે આજથી એક માસ પૂર્વે ફુંકાયેલા વાવાઝોડામાં આ ધેધુર પીપળાનું ઝાડ ધરાશાઈ થતા ગ્રામજનોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.
ગામનું દાયકાઓ જુનું પીપળાનું વૃક્ષ ધરાશાઈ થતા અમેરિકામાં રહેતા ખાંધલીનાં મૂળ રહીશ ભરતભાઈ પટેલને જાણ થતા તેઓએ ગામનાં સરપંચ ભરતસિંહ સોલંકી અને ગ્રામજનોને સંપર્ક કર્યો હતો અને ધરાશાઈ થયેલા પીપળાનાં ઝાડનાં થડને ફરી ઉભુ કરવા અને તે માટે જે કાંઈ ખર્ચ થાય તે પોતે આપવાની તૈયારી બતાવતા ગામનાં સરપંચ અને ગ્રામજનો દ્વારા બે ક્રેઈન અને જેસીબી મશીનથી ધરાશાઈ થયેલા પીપળાનાં ઝાડનાં થડને તેનાં નિયત સ્થળે પુનઃ ઉભુ કરવામાં આવ્યું હતું અને થડની ચારે તરફ માટીનું પૂરાણ કરવામાં આવ્યું હતું.
ધરાશાઈ થયેલું પીપળાનું ઝાડ ઉભુ કર્યા બાદ તેને પણ કુંપણો ફુટતા પીપળાનું ઝાડ નવપલ્લવીત થતા ગ્રામજનોમાં ઉત્સાહ પ્રવર્તી ઉઠયો હતો અને ગામનાં સરપંચ ભરતસિંહ સોલંકી તેમજ ગ્રામજનો દ્વારા નવપલ્લવીત થયેલા પીપળાનાં ઝાડ પર પુષ્પાંજલી અર્પણ કરી હવન કરી પીપળાનાં વૃક્ષની પુજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ પર્યાવરણ બચાવવા માટે પીપળા સહીતનાં વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો.
ધરાશાઈ થયેલા પવિત્ર પિપળાનાં ઝાડને બચાવવા માટે ગ્રામજનો દ્વારા ભારે ઝહેમત ઉઠાવી તેમજ પીપળાનું ઝાડ નવપલ્લવીત થતા હવન કરી પીપળાની પુજા અર્ચના કરી અનોખું ઉદાહરણ પુરૂ પાડયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે