અનોખી ભક્તિ! છેલ્લાં 18 વર્ષથી પાછા પગે ચાલીને આ માઈભક્ત કરે છે પદયાત્રા, સવા 11 કિલોની બાંધે છે સાકળ
જામનગરનાં ક્ષત્રિય યુવાનની પાછા પગે ચાલીને અનોખી પદયાત્રા કરે છે. છેલ્લાં 18 વર્ષથી પદયાત્રા કરે છે. બે વર્ષથી શરીરે સાંકળ બાંધીને માતાના મઢે જાય છે. તેનું કહેવું છે કે કોઈ માનતા નહીં, અન્ય પદયાત્રીઓનો મનોબળ વધારવા અનોખી પદયાત્રા કરું છું.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છના માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ માથું ટેકવા ઉમટે છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો જુદાં જુદાં સ્થળેથી પદયાત્રા પણ કરતા હોય છે. માતાજીના ભક્ત એવા જામનગરના દિવ્યરાજસિંહ જાડેજા શરીર પર સવા 11 કિલોની સાકળ બાંધી પાછા પગે જામનગરના જોગવડથી માતાના મઢ જવા નીકળ્યા છે.
કચ્છના કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે શીશ નમાવવા માટે અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે દર વર્ષે ગુજરાતનાં જુદાં જુદાં જિલ્લાઓ ઉપરાંત દેશભરમાંથી પદયાત્રીઓએ પદયાત્રા શરૂ કરી છે. લોકો પોતાની માતાજી પ્રત્યેની શ્રધ્ધા મુજબ પદયાત્રા, સાયકલયાત્રા કરતા હોય છે અને સેવાકેમ્પ પણ યોજતા હોય છે. જામનગરના જોગવડના દિવ્યરાજસિંહ જાડેજા પણ માતાજી પ્રત્યે વિશેષ આસ્થા ધરાવે છે. તેમને 5મી તારીખે માતાના મઢ તરફ પદયાત્રાનું પ્રયાણ કર્યું છે.
શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી આ વાતને જામનગરના દિવ્યરાજ સિંહ જાડેજાએ સાર્થક કરી બતાવી છે. દિવ્યરાજસિંહ પોતાના શરીર પર સવા અગિયાર કિલોની સાંકળ બાંધી પાછા પગે ચાલતા માતાનામઢ જઈ રહ્યા છે. દિવ્યરાજ સિંહ જાડેજાએ સૌ કોઈ પદયાત્રીનું ધ્યાન ખેંચ્યું છે. દિવ્યરાજ સિંહ જાડેજા છેલ્લા 18 વર્ષથી પદયાત્રા કરીને માતાનામઢ દર્શન કરવા માટે આવે છે. છેલ્લા બે વર્ષ તેવો શરીર પર સાંકળ બાંધી પાછા પગે ચાલીને માતાનામઢ દર્શન કરવા જાય છે.
દિવ્યરાજસિંહે Zee media સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમણે 5 ઓક્ટોબરે જામનગર જીલ્લાના જોગવડ ગામથી 45 લોકોના ગ્રુપ સાથે પદયાત્રા શરુ કરી હતી અને આજે તેવો ભુજ પહોચ્યા હતા અને 14મી તારીખે તેઓ માતાના મઢ પહોંચશે.કુલ 435 કિલોમીટરનું અંતર તેઓ પદયાત્રામાં પૂર્ણ કરશે. ગત વર્ષે સવા 5 કિલોની સાંકળ શરીરે બાંધીને પદયાત્રા કરી હતી. આ વર્ષે સવા 11 કિલોની પદયાત્રા કરી રહ્યા છે. બે વર્ષ પહેલા એક પદયાત્રીને સાંકળ બાંધીને ચાલતા જોયું હતું. તેમનામાંથી પ્રેરણા મેળવીને મે પણ સાંકળ બાંધીને ઊંધા પગે ચાલવાનું શરૂ કર્યું હતું.
માતાજી પ્રત્યેની શ્રધ્ધા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે નવરાત્રીમાં માતાનામઢ લાખો પદયાત્રી દર્શન કરવા માટે આવે છે અને આશાપુરા માતાજી જાડેજા વંશના કુળદેવી છે તો તેમના પ્રત્યે આસ્થા છે જ. માતાજી પાસેની માનતા અંગે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તેમની કોઈ માનતા નથી પરંતુ આશાપુરા માતાજી દર્શન માટે જતા પદયાત્રીઓનું મનોબળ વધે અને જેમને માનતા માની હોય છતાં પણ ન જઈ શકતા હોય તો તેમને પ્રેરણા મળે તે માટે તે આવી રીતે અનોખી રીતે પદયાત્રા કરી રહ્યા છે. શરીર પર સવા અગિયાર કિલોના વજન ધરાવતી સાંકળ અને પાછા પગે ચાલતા પદયાત્રી જોઇને અન્ય ચાલતા જતા પદયાત્રીઓનું પણ મનોબળ વધી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે