રખડતા ઢોર મુદ્દે કથાકાર રમેશ ઓઝા લાલાઘૂમ, કહ્યું; 'ગાયની સેવા કર્યા સિવાય દૂધ પીશો તો તે નહીં પચે'

જાણીતા કથાકાર રમેશ ઓઝાએ રખડતા ઢોર મામલે માલધારીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, ગાયનું દૂધ પીવો અને તેની સેવા નથી કરતા એ ન ચાલે. ગાયની સેવા કર્યા સિવાય દૂધ પીશો તો તે ક્યારેય પચશે નહીં.

રખડતા ઢોર મુદ્દે કથાકાર રમેશ ઓઝા લાલાઘૂમ, કહ્યું; 'ગાયની સેવા કર્યા સિવાય દૂધ પીશો તો તે નહીં પચે'

મોરબી: ભગવાન ભોળાનાથ વિશે બોલનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને કથાકાર રમેશભાઈ ઓઝાએ આડેહાથ લીધા બાદ હવે રખડતા ઢોર મામલે જાણીતા કથાકાર રમેશ ઓઝા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે વ્યાસપીઠ પરથી સમગ્ર રાજ્યમાં ઢોરને રખડતા મુકી દેનારા માલધારીઓને આડે હાથ લીધા હતા.

ગુજરાતના દરેક શહેર અને ગામમાં રખડતાં ઢોર અંગે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ ગાયોને છૂટી મૂકી દેતા પશુપાલકોને કડક શબ્દોમાં સંદેશો આપીને આડેહાથ લીધા છે. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, દરેક નગરના રસ્તાઓ ગૌશાળા બની ગયા છે અને હાઈકોર્ટે પણ હવે સરકારને કંઈક પગલાં લેવા માટે કહેવું પડ્યું છે. 

રમેશભાઈ ઓઝાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો. આ નમક હરામી છે..પાપ લાગશે. જી હા...આ શબ્દો છે જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાયનું દૂધ પીશો અને ગાયની સેવા નહીં કરો તો તમને પાપ લાગશે. પરિવારમાં બધા માણસો દુખી થશે. રમેશભાઈ ઓઝાએ હરામનું નહીં ખાવાનો સંદેશો આપ્યો છે. 

તેમણે કહ્યું કે, ગાયની સેવા કર્યા વગર ગાયનું દૂધ પીશો તો નહીં પચે. એક એક જણ પોતાની જવાબદારી સમજે. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર વ્યાસપીઠ પરથી કહ્યું કે- રખડતાં ઢોરના માલિકો શું કામ પોતાનાં પશુઓને છૂટાં મૂકી દે છે. 

તેમણે એમ પણ કહ્યું કે દરેક શહેરમાં જે રખડતાં ઢોર પકડવામાં આવે છે તે જેવાં પકડાય એટલે તરત તેના માલિકો હાજર થઈ જાય છે અને પોતાનું પશુ હોવાનો દાવો કરે છે. જે લોકો રખડતાં ઢોર પકડાયા પછી પોતાનાં હોવાનો દાવો કરે છે. તેમને ભાઈશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો રખડતાં ઢોર તમારાં છે તો પછી બાંધો તમારા ઘરે અને તેમને ખવડાવો. રસ્તા પર છૂટાં ના મૂકી દો. તો એવા માલધારીઓને ભાઈશ્રીએ સખત શબ્દોમાં સંદેશો આપ્યો છે અને કહ્યું છે તમે તમારાં રખડતાં ઢોરને છૂટાં મૂકો છો જેના કારણે દરેક નગરના રસ્તાઓ ગૌશાળા બની ગયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ક્લિન ઈન્ડિયા મુવમેન્ટનો એમ્બેસેડર એમ નેમ નથી બનાવ્યો. સાવરણા હાથમાં લઈને અનેક નગરનોની શેરીઓ વાળી છે. પોરબંદરમાં સાવરણા લઈને ઋષિકુમારો નિકળી પડે છે. અત્યારે પાલિકામાં મહિલા શક્તિ છે. માતૃશક્તિને ક્યારેય ઘરમાં કચરો સહન ન થાય. મોરબી આખે આખુ ઘર છે અને આખા ઘરમાં ક્યાય ગંદકી હોય તે જરા પણ બર્દાશ્ત ન થવી જોઈએ. હું આશા કરુ છું અને અનુરોધ પણ કરૂ છું, ભરોસો પણ છે કે મોરબી નગર આખુ નીટ ક્લિન હોય.

રમેશ ઓઝાએ ઝી 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત
વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાઈશ્રી રમેશ ઓઝાએ રખડતાં પશુઓ મુદ્દે આપેલા કઠોર નિવેદન બાદ ઝી 24 કલાક સાથે તેમણે એક્સક્લુઝીવ વાતચીત કરી છે. ભાગવત કથાકાર રમેશ ઓઝા પોતાના નિવેદન પર અડગ છે. તેમણે કહેલી વાત પર ભાજપ-કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવતાં પૂજ્ય ભાઈશ્રીએ નેતાઓને પણ આડેહાથ લીધા છે. ભાજપના નેતા સંજય દેસાઈ અને કોંગ્રેસના નેતા નાગજી દેસાઈએ પૂજ્ય ભાઈશ્રીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું જે બાદ ઝી 24 કલાક પર રમેશ ઓઝાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે મારા નિવેદનને જે સમજી નથી શક્યા તે પણ દુર્ભાગ્યૂપર્ણ છે અને ભગવાન સન્મતિ આપે કે આ સમસ્યાને તેઓ સમજે. તેમણે કહ્યું કે, મને દુખ એ થાય છે કે જે ગાય માતાને આપણે પૂજનીય માનીએ છીએ એની દશા આપણે કેવી દયનીય કરી નાખી છે.

સરકારે અને સમાજે અને જે પાળતા હોય એ બધાએ આ બાબતમાં વિચાર કરીને જાગૃત થવાની જરૂર છે. શહેરીકરણ વધતું જાય છે, શહેરના નજીકનાં ગામો શહેરમાં ભળતાં જાય છે. શહેરનો વિસ્તાર વધતો જાય છે તે ગામોનાં પશુઓ એનું ગૌચર બધું જતું રહે એની વૈકલ્પિક વ્યવસ્થા સરકારે શું કરી... કંઈક એવું થવું જોઈએ જેથી કરીને આ સમસ્યાનો ઉકેલ આવે. રસ્તે રઝળતાં પશુઓ ટ્રાફિકમાં પણ સમસ્યા ઊભી કરે છે અને એના કરતાંય વધારે તો ક્યારેક જે લોકોને મારે છે અને આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા લોકોના જીવ ગયા હશે તેનાથી કોઈ ઈનકાર કરી શકે તેમ નથી.

વ્યાસપીઠ ઉપરથી જે કહેવાય છે તે કોઈ સમાજ વિશેષને ધ્યાનમાં રાખીને નથી કહેવાતું. સમગ્ર રીતે જનતાના હિત માટેની જે વાત હોય છે તે કહેવાતી હોય છે. આ સમસ્યા છે તે જનતા પણ કબૂલ કરે છે અને હાઈકોર્ટે પણ નોંધ્યું છે અને નરી આંખે પણ આ સમસ્યા દેખાય છે. આપણે જ્યાં પણ જઈએ ત્યાંના રસ્તાઓ ગૌશાળા બની ગયા છે. જેની ગાયો છે તે અને સરકાર, પ્રશાસન પોતે આ સમસ્યા પ્રત્યે જાગૃત થાય તે જરૂરી છે.

અને હવે કહું છું કે દુર્ભાગ્યે દરેક સમસ્યાને રાજકીય રંગ આપવાનું બંધ કરો નેતાઓ. અહીં કોઈ પાર્ટી કે બીજા કોઈની વાત નથી. આ સમગ્ર જનતાના કલ્યાણની વાત છે. આપણે ગૌમાતાનું દૂધ પીશું પરંતુ ગાય માતાને રસ્તે રઝળતી મોકલીશું તો આપણે અપરાધ કરીશું. સ્થિતિ વધારે બગડે એવું થાય એના કરતાં સમસ્યાનું સમાધાન શાસન, પ્રશાસન અને સમાજ બધા ભેગા થઈને શોધે એ સમયની માગ છે. ગાયમાતાની સેવા એ પણ એટલી જ મહત્વની છે પરંતુ સાથે સાથે લોકોના જીવ ના જાય તે પણ એટલું જ મહત્વનું છે. રખડતાં ઢોર પશુ નિયંત્રણ કાયદા મુદ્દે બિલ પાછું ખેંચવા અંગે પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ઝી 24 કલાક સાથે વાત કરી છે.

તેમણે કહ્યું કે આ પ્રજાતંત્ર છે દરેકને સાંભળવા પડે, શું સમસ્યા છે તે બધાને સાંભળીને જાણવી જોઈએ... આ લોકશાહી છે એટલે સમસ્યાને સમજીને નિયમો પ્રમાણે નિર્ણય થવો જોઈએ. કાયદા અને નિયમોનું પાલન થવું જોઈએ. આપણે લોકશાહીને ટોળાશાહી બનવા તરફ લઈ જઈએ તથા નોટ અને વોટવાળી રાજનીતિ કરીશું તો રાજ્યનું કલ્યાણ નહીં થાય. નિશ્ચિતપણે મારું દુર્ભાગ્ય છે કે મેં સદભાવના સાથે કહેલી વાતને એ લોકો દુર્ભાગ્યપૂર્ણ કહે છે .પ્રભુ મને સન્મતી આપે એ અને નેતાઓને પણ રાજનીતિને એકબાજુ રાખીને આ સમસ્યાને જોવાની સન્મતી આપે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news