એક સરકારી હોસ્પિટલમાં મળી હતી ગુજરાતની પહેલી વિધાનસભા, આ કિસ્સો તમને જરૂર જાણવો ગમશે

A Samay Ni Vaat Chhe : હાલમાં જ ભુપેન્દ્ર પટેલે પોતાની નવી કેબિનેટ સાથે શપથ લીધા, ત્યારે તમારે ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યારે અને કેવી સ્થિતિમાં મળી હતી તે જાણવું ગમશે
 

એક સરકારી હોસ્પિટલમાં મળી હતી ગુજરાતની પહેલી વિધાનસભા, આ કિસ્સો તમને જરૂર જાણવો ગમશે

Gujarat Assembly ચિંતન ભોગાયતા/અમદાવાદ : તાજેતરમાં જ ગુજરાતની 15મી વિધાનસભાના અધ્યક્ષની પસંદગી થઈ એક દિવસનું સત્ર પણ મળ્યું અને વિપક્ષે વિરોધ પણ કર્યો. આવું જ કંઈક જ્યારે ગુજરાતની પહેલી વિધાનસભા મળી હતી એ સમયે પણ થયું હતું. એ સમયનો એક યાદગાર કિસ્સો છે.

આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1960. ગુજરાત અલગ રાજ્ય બન્યું તેને થોડા જ મહિના થયા હતા. 18 ઓગસ્ટ 1960 ના ગુજરાતની પ્રથમ વિધાનસભા અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલમાં મળી. બધા ધારાસભ્યો મુંબઈ વિધાનસભામાંથી વિભાજીત થઈ ગુજરાતના પ્રથમ ધારાસભ્યો થયા હતા તેનો ઉત્સાહ પણ હતો. 

પહેલી વિધાનસભાના પ્રથમ સ્પીકર હતા કલ્યાણજી મહેતા. પ્રથમ દિવસે ધારાસભ્યોની સોગંધવિધી શરૂ થઈ કે તરત જ વિરોધ પક્ષના ધારાસભ્ય બ્રહ્મકુમાર ભટ્ટ ઉભા થયા અને કહ્યું, 'સાહેબ, પોઈન્ટ ઓફ ઓર્ડર!'

બધા ચમકી ગયા. બ્રહ્મકુમારે કહ્યું, 'ઈંગ્લેન્ડમાં એવો રવૈયો છે કે પહેલાં મંત્રીઓ સોગંધવિધિ કરે. પછી વિરોધપક્ષના નેતાનું સ્થાન છે તે સોગંદ લે અને પછી બાકીના ધારાસભ્યો કક્કાવાર સોગંદ લે. બંધારણ મુજબ હાઉસ ઑફ કૉમનનો રવૈયો આપણને બંધનકર્તા છે.'

સ્પીકર કલ્યાણજીભાઈનો અંગ્રેજી અભ્યાસ નહીં. બંધારણની આંટીઘૂંટી તો તેમને જાણે ગ્રીક અને લેટિન. થોડીવાર માટે ગૃહ થંભી ગયું. સ્પીકર ન જાણે શું રૂલિંગ આપવું. 

વિધાનસભાના સેક્રેટરી હરકાંત શુક્લ વિચક્ષણ વ્યક્તિ હતા. તે સ્થિતિ કળી ગયા અને અધ્યક્ષ પાસે જઈ ધીરેથી શો ઉત્તર આપવો એ કાનમાં કહ્યું. તરત જ કલ્યાણજીભાઈએ જાણે પોતાને સ્વંય સૂઝ્યો હોય તેવી અદાથી જવાબ આપ્યો. 

gujarat_vidhansabha_zee2.jpg

‘માનનીય બ્રહ્મકુમાર, તમે હજુ ધારાસભ્ય તરીકે સોગંધવિધિ કરી નથી તેથી તમને ધારાસભ્યના અધિકાર પ્રાપ્ત થયા જ નથી. પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવાનો તમારો આ તબક્કે અધિકાર જ નથી. તમે બેસી જાઓ’

બ્રહ્મકુમારને બેસી જવું પડ્યું. પછી તો સોગંધ વિધિ શરૂ થઈ. બ્રહ્મકુમારની વાત ઉડી ગઈ હતી. સોગંધ વિધિ બાદ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે ભરૂચના માનસિંહજી રાણા, જેમને બધા ભાસાહેબથી સંબોધતા, તેઓ તારીખ 19 ઓગસ્ટ એટલે કે બીજા જ દિવસે ચૂંટાયા. અને વિરોધ પક્ષના નેતા ખેડાના કપડવંજના નગીનદાસ ગાંધી ચૂંટાયા. 

તો આ હતો પહેલી વિધાનસભાનો એક રસપ્રદ પ્રસંગ. આ પ્રસંગનો ઉલ્લેખ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુન્દનલાલ ધોળકિયાએ લખેલા પુસ્તક સમયના સથવારે ગુજરાતમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news