તાજેતરમાં રિલીઝ થયેલી ફર્જી વેબ સિરીઝે તો ભારે કરી! આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી

હોટલમાં ભાડે રૂમ રાખી આરોપીઓ નકલી નોટો છાપતા હતા, હજી તો બે અલગ અલગ હોટલ પર રૂમ રાખી છાપકામ શરૂ કર્યુંને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે છાપતા નકલી નોટો?

તાજેતરમાં રિલીઝ થયેલી ફર્જી વેબ સિરીઝે તો ભારે કરી! આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી

ઉદય રંજન/અમદાવાદ: ફર્જી વેબ સિરીઝ જોઈને ટૂંક સમયમાં પૈસા કમાવવા નકલી નોટો છાપવાનું શરુ કરનાર આરોપીઓ ઝડપાયા છે. હોટલમાં ભાડે રૂમ રાખી આરોપીઓ નકલી નોટો છાપતા હતા, હજી તો બે અલગ અલગ હોટલ પર રૂમ રાખી છાપકામ શરૂ કર્યુંને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે છાપતા નકલી નોટો?

શોર્ટકટમાં પૈસા કમાવવા લોકો અલગ અલગ કીમિયાઓ અપનાવતા હોય છે. આવી જ તાજેતરમાં રિલીઝ થયેલી ફર્જી વેબ સિરીઝ જેવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી પાલવ હોટલમાં રૂમ રાખી યુવાનો નકલી નોટો છાપતા હતા. સરદારનગર પોલીસે માહિતીને આધારે યુવાનોને પકડી પાડ્યા અને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટો છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાયસન્સ મળી આવ્યા હતા. પોલીસે પાલવ હોટલના રૂમ નંબર 213 માંથી સંજય માળી, જયદીપ સોલંકી અને ભરત ચાવડાની ધરપકડ કરી છે. 

નકલી નોટો છાપવાનું માસ્ટર માઈન્ડ ભરત ચાવડા છે. જેને સંજય માળી સાથે મળીને નકલી નોટો બનાવવાનું શરૂ કર્યું અને જે છાપવા માટે એક પ્રિન્ટર ખરીદ્યું. ત્યારબાદ A4 સાઈઝના કાગળ લાવ્યા હતા. આ આરોપીએ નકલી નોટો બનાવવા માટે હોટલમાં રૂમ બુક કરાવતા હતા. પાલવ હોટલમાં પણ રૂમ બુક કરાવ્યો હતો અને 500 તેમજ 100 રૂપિયાના દરની નોટોની કલર પ્રિન્ટ કાઢીને નકલી નોટો બનાવી હતી. જેની માહિતી સરદારનગર પોલીસને મળતા તેઓએ નકલી નોટો અને સામગ્રી સાથે ત્રણેય આરોપીને ઝડપી લીધા.

આ નકલી નોટના નેટવર્કમાં ભરત ચાવડા એ નકલી નોટ બનાવવાની અને બજારમાં ફેરવવાની જવાબદારી લીધી હતી. જ્યારે સંજય માળી એ પ્રિન્ટર અને કાગળની સામગ્રીની જવાબદારી લીધી હતી. જ્યારે જયદીપ સોલંકી પણ ગાડીમાં જુદી જુદી હોટલમાં નકલી નોટની સામગ્રી ટ્રાન્સફર કરતા હતો. આરોપીઓએ ફરજી વેબ સિરીઝ જોઈને 15 દિવસથી નકલી નોટો બનાવાની શરૂ કરી હોવાની શક્યતાને લઈને તપાસ શરૂ કરી.

નકલી નોટ માં પકડાયેલ આરોપી ભરત ચાવડા વિરુદ્ધ અગાઉ નિકોલમાં છેતરપીંડીના કૌભાંડને લઈને ફરિયાદ નોંધાઇ હતી. ઓછા સમયમાં પૈસાદાર થવા માટે આરોપીએ નકલી નોટો છાપવાનું શરૂ કર્યું. પરંતુ તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા.. હાલમાં સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને નકલી નોટ ક્યાંય આપી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news