વડોદરાના જાણીતા વેપારી બન્યા ન્યૂડ કોલનો શિકાર; સાજીદ-માજીદે યુવતી બનીને કર્યો કોલ, લાખો ખંખેર્યા

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વિડીયો કોલ કરીને નગ્ન ફોટા કે વિડીયો લઈ બ્લેકમેલ કે પછી રૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો હતો.

વડોદરાના જાણીતા વેપારી બન્યા ન્યૂડ કોલનો શિકાર; સાજીદ-માજીદે યુવતી બનીને કર્યો કોલ, લાખો ખંખેર્યા

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં અવાર નવાર ન્યૂડ કોલ કરી લોકો સાથે ઠગાઈ આચરવાના કિસ્સાઓ રોજ બરોજ સામે આવી રહ્યા છે. આ ઘટનાઓ વચ્ચે વડોદરા શહેરમાં પણ આવી ઘટના બની છે. જેમાં વેપારીને સાયબર માફિયાઓએ ન્યૂડ કોલ કરી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી બ્લેક મેઇલ કરી નકલી CBI ઓફિસરના નામે નાણા પડાવી લેવાની ઘટનામાં પોલીસે રાજસ્થાનના મેવાત ગેંગના બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કેવી રીતે ન્યૂડ કોલ કરી સાયબર માફિયા લોકોને છેતરે છે?

વ્હોટ્સએપ મોબાઇલ નંબર મેળવી ચેટિંગ શરુ કર્યું
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે, 28/11/23ના રોજ રાત્રે ફેસબુક એકાઉન્ટમાં અદિતી અગ્રવાલ નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ તેમણે એકસેપ્ટ કર્યા બાદ બન્ને વચ્ચે સામાન્ય વાતચીત ફેસબુક મેસેંજરથી થયેલ હતી. જેમાં રિકવેસ્ટ મોકલનારે વેપારી પાસેથી વ્હોટ્સએપ મોબાઇલ નંબર મેળવી ચેટિંગ શરુ કરી હતી. ત્યારબાદ એકાએક વેપારીને વોટ્સએપમાં વિડીયો કોલ કરી કોલ ઉપાડતા કોલમાં અજાણી છોકરી નગ્ન અવસ્થામાં હતી અને તેણે વેપારીની જાણ બહાર પોતાના મોબાઇલમાં અંગત વિડીયો કોલનું સ્કિન રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવી લીધો. જે વીડિયો વેપારીના વોટ્સએપ નંબર પર મોકલી આ વિડિયો સોશીયલ મિડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. 

વેપારીએ ગભરાઈ જઈને 3.33 લાખ આપી દીધા
આથી ફરિયાદીએ ગભરાઈ રૂપિયા 3.33 લાખ રૂપિયા સાયબર માફિયાને આપી દીધા હતા. 3.33 લાખ આપ્યા બાદ પણ સાયબર માફિયાએ વધુ પૈસા માટે વેપારીને મોબાઈલ ફોન પર સી.બી.આઈ. ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપીને કેસ દાખલ કરવાની ધમકી આપી. જેથી વેપારીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્ટ સોર્સીસની મદદથી એનાલિસિસ કરી આરોપીઓ રાજસ્થાનના કોટ ગામમાં હોવાની માહિતી મેળવી, જેથી ત્યાં તપાસ માટે ટીમ મોકલી હતી. જ્યાંથી આરોપી સાજીદ ખાન અને માજીદ ખાનની ધરપકડ કરી પોલીસ વડોદરા લઇ આવી હતી. જ્યાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

કોટ ગામમાં 90 ટકા યુવાઓ સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા
સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ કહ્યું કે આરોપીના ગામમાં જ્યારે અમારી ટીમ પહોચી ત્યારે મહિલાઓએ ટીમને ઘેરી લીધી હતી. પોલીસની ગાડી પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેથી વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને ફોન કરી રાજસ્થાન પોલીસની મદદ લેવા માંગ કરી હતી. જેથી પોલીસ કમિશ્નરે રાજસ્થાનના ઉચ્ચ અધિકારીને ફોન કરીને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને મદદ અપાવી હતી. કોટ ગામમાં 90 ટકા યુવાઓ સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા છે. જેમાં ન્યૂડ કોલ, ફ્રોડ કોલ કે OLX પર આર્મી જવાનની ખોટી ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરે છે.

આરોપીઓમાં એક ITI અને બીજો ગ્રેજ્યુએશન
આરોપીઓ જે વ્યક્તિ ભોગ બને તેમણે ફોન કરી પૈસાની માંગણી કરતા હતા, જો વ્યક્તિ પૈસા આપવાની ના પાડે તો તેનો રેકોર્ડ કરેલો ન્યૂડ વીડિયો ડિલીટ કરી દેતાં હતા અને જો વ્યક્તિ રૂપિયા આપે તો તેની પાસે વારંવાર રૂપિયાની માંગણી કરતાં હતા. જેથી સાયબર પોલીસ કહે છે કે સાયબર માફિયાનો ભોગ બનનાર લોકોએ રૂપિયા ન આપવા જોઈએ. આરોપીઓમાં એક ITI અને બીજો ગ્રેજ્યુએશન સુધી ભણેલો છે. 

આરોપીઓ પોર્ન વેબસાઈટ પરથી યુવતીનો વીડિયો ડાઉનલોડ કરતા...
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે માજીદ ખાન નકલી CBI ઓફિસર બની પીડિતને ધમકાવતો હતો અને પોલીસ કેસની ધમકી આપતો હતો. સાથે જ આરોપીઓએ ઓનલાઈન ઠગાઈ કરવાની ટ્રેનિંગ તેના જ ગામના મિત્રો પાસે લીધી હતી. આરોપીઓ પોર્ન વેબસાઈટ પરથી યુવતીનો વીડિયો ડાઉનલોડ કરી વીડિયો કોલ સમયે તે વીડિયો ચાલુ કરતાં હતા અને તેનું સ્ક્રીન રેકોર્ડ કરી ભોગ બનનારને બ્લેક મેઈલ કરતાં હતા. મેવાત ગેંગના હજી કેટલા સાગરીતો સાયબર ક્રાઇમની ઘટનામાં સંડોવાયેલા છે તે દિશામાં સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news