યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, જીવલેણ હુમલામાં દ્વારકામાં 22 વર્ષીય યુવકે ગુમાવ્યો જીવ

દ્વારકામાં યુવતીના પિતાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા 22 વર્ષીય યુવકનું મોત થયું છે. આ યુવકને એક છોકરી સાથે મિત્રતા થઈ હતી. આ ઘટનાની માહિતી તેના પિતાને મળતા યુવતીના પિતાએ આ યુવક પર હુમલો કર્યો હતો. 

યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, જીવલેણ હુમલામાં દ્વારકામાં 22 વર્ષીય યુવકે ગુમાવ્યો જીવ

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં યુવકને યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતી સાથે મિત્રતાને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. દ્વારકામાં તરૂણી સાથે મિત્રતાને લઈને યુવતિના પિતાએ 22 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકના મોત બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકામાં એક 22 વર્ષીય યુવકે યુવતી સાથે મિત્રતા કરી હતી. આ વાતની જાણ યુવતીના પિતાને થઈ હતી. યુવતીના પિતાએ હાર્દિક બારીયા નામના 22 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારૂ ન થતાં જામનગર લઈ જવામાં આવ્યો હતો. 

જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકની તબીયતમાં સુધારો ન થતાં તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. યુવકના મોત બાદ હુમલાની ઘટના હત્યામાં પલ્ટી છે. યુવકના મોત બાદ તેના માતા દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

યુવક પર હુમલો કરનાર યુવતીના પિતાનું નામ જેસલ ગઢવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી જેસલ ગઢવી વિરુદ્ધ સામે આઈપીસીની કલમ 323, 325, 352, 307, 308 તથા એટ્રોસિટી એક્ટની કલમો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news