રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ : સાંજે 5 વાગ્યા સુધી હોસ્ટેલ ખાલી કરવાનું અલ્ટીમેટમ

Doctors Srike In Gujarat : તમામ હડતાળિયા ડોક્ટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા ગઈકાલે જ ફાઈનલ નોટિસ આપી દેવાઈ હતી. જોકે, અત્યાર સુધી એક પણ રેસિડન્ટ તબીબે હોસ્ટેલ ખાલી નથી

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ : સાંજે 5 વાગ્યા સુધી હોસ્ટેલ ખાલી કરવાનું અલ્ટીમેટમ

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો આઠમો દિવસ છે. ત્યારે બી.જે. મેડિકલ કોલેજના ડીન તરફથી હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટર તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે. તમામ હડતાળિયા ડોક્ટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા ગઈકાલે જ ફાઈનલ નોટિસ આપી દેવાઈ હતી. જોકે, અત્યાર સુધી એક પણ રેસિડન્ટ તબીબે હોસ્ટેલ ખાલી નથી. બીજી તરફ 50 ટકા મહિલા ડોક્ટરો હોવાથી હોસ્ટેલ ખાલી કરવાનો મામલો ગુંચવાયો છે. 

હડતાળ પર રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા અથવા હડતાળ સમેટી લેવા અંતિમ ચેતાવણી અપાઈ છે. રેસિડેન્ટ ડોક્ટરોને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સમર્થન જાહેર કરાયુ છે. જો કે હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ પણ રેસિડેન્ટ ડોક્ટરો એમની માગ પર અડગ છે. આજે સાંજે 5 વાગ્યા સુધી હોસ્ટેલ ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું છે, પણ હજી સુધી એક પણ તબીબે ખાલી કર્યુ નથી. 

સરકારની વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરતી નથી 
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો 15 જૂનથી હડતાળ પર ઉતર્યાં છે. સિનિયર રેસીડેન્સીને બોન્ડમાં સમાવવાની માંગણીને લઈ સતત આઠ દિવસથી હડતાળ ચાલું છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં રોજિંદા જ્યાં 140 ઓપરેશન થતા હતા, તેને બદલે હાલ માત્ર 60 ઓપરેશન થઈ રહ્યા છે. હડતાળને પગલે  છેલ્લા પાંચ દિવસમાં 60 ટકા જેટલા ઓપરેશન રદ કરવાની ફરજ પડી છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંદાજે 450 જેટલા ઓપરેશન રદ્દ કરવા પડ્યા છે. રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલ તરફથી હડતાળિયા ડોકટરોની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે, જો કે એનાથી હોસ્પિટલની સમગ્ર કામગીરી રાબેતા મુજબ ચાલવી શક્ય નથી. 

બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવાની માંગ સાથે તબીબો હડતાળ પર ઉતર્યાં છે. ત્રણ વર્ષની રેસિડેન્સીના 36 મહિનામાંથી 17 મહિના કોવિડ મહામારીમાં કામ કરવા બદલ 1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સીમાં ગણવા માગ કરાઈ રહી છે. હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોએ OPD, વોર્ડ ડ્યુટી, ઈમરજન્સી સેવાઓ પણ બંધ કરી છે. 

તબીબોની ભરપાઈ શક્ય નથી 
રેસિડેન્ટ ડોકટરોની હડતાળ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યુ કે, હડતાળને કારણે હાલ અમે વૈકલ્પિક વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં ગોઠવી છે. 900 જેટલા રેસીડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે, એની ભરપાઈ એકા એક થવી શક્ય નથી. 90 મેડિકલ ઓફિસર અમને રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે, અન્ય 60 નોન ક્લિનિકલ ટીચિંગ સ્ટાફની મદદ લીધી છે. હડતાળને કારણે ક્યાંય કોઈ દર્દીને સમસ્યા થઈ છે એવી એકપણ ફરિયાદ નથી મળી. સિવિલમાં હડતાળ નહતી એ સમયે દરરોજના લગભગ 140 જેટલા ઓપરેશન થતા હતા, જેના બદલે હાલ 60 જેટલા ઓપરેશન થઇ રહ્યા છે. જે ઓપરેશન રદ્દ થયા છે, એ તમામ થોડા સમય બાદ પણ થઈ શકે એવા છે, એક પણ ઈમરજન્સી ઓપરેશનમાં કોઈ સમસ્યા થવા દીધી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news