કન્જ્યુરિંગ યુનિવર્સનું આ ચેપ્ટર સૌથી ડાર્કેસ્ટ, સૌથી ડરામણું કે સૌથી શ્રેષ્ઠ એકપણ કેટેગરીમાં ફીટ બેસતુ નથી!
કોરીન હાર્ડીના નિર્દેશનમાં બનેલી ધ નનમાં બીજું બધુ જ છે પણ જેમ્સ વોનનો એ ક્લાસિક ટચ નથી જે એક હોરર મૂવી અને કન્જ્યુરિંગ યુનિવર્સની ઓળખ છે. હોલિવૂડના ઇતિહાસની એક સૌથી હોન્ટેડ મૂવી બની શકવાની તમામ સંભાવનાઓ ધરાવતા ધ નનના પ્લોટને અહી સળંગ વેડફી નખાયો છે ! એ તમામ એલિમેન્ટ્સ અહી મોજુદ છે, જે થિયેટરની સીટ પર બેસેલાં દર્શકને એક બિહામણી અલગારી દૂનિયામાં લઇ જઇ શકે પણ અફસોસ એ અહી થઇ શક્યું નથી.
- આ 'નન' ડરામણી છે પણ જેમ્સ વોનના સ્તરની તો નહીં જ
- વોનનું ડિરેકશન ન હોવું પણ અહીં માઇનસ પોઇન્ટ છે.
- નન વાલાકની અસલી કહાની પણ અહીં મિસિંગ છે !
Trending Photos
મુફદ્દલ કપાસી/ અમદાવાદ: પ્લોટ-1: એક વિરાન વિસ્તારમાં એકલું અટૂલું એક ઘર. એ ઘર સંઘરીને બેઠું છે એક ભયાવહ ઇતિહાસ. પણ શું છે એ સૌથી ડરામણો ઈતિહાસ એ નથી કોઇને ખબર. એ ઘરમાં રહે છે એક ગરીબડો પરિવાર. પેલા સૌથી ભયાનક ઇતિહાસથી અજાણ. એ ઘરનો અંધિયારો ખૂણો. એ ખૂણામાંથી અડધી રાતે આવતો ડરામણો અવાજ. ઘરના માસુમને જ સંભળાતા એ અવાજની પાછળનું રૂવાંડા ઉભું કરી દેતુ બિહામણું સત્ય. એ સત્ય જે જીવન-મરણ કરતાં પણ છે ખતરનાક. એ પિશાચી હકીકત જે માનવીય સંવેદનાઓના અસ્તિત્વને જ હચમચાવી નાખવાની તાકાત ધરાવે છે.
પ્લોટ-2: અને હવે બીજી તરફ રોમાનિયાનો એક વિરાન વિસ્તાર, સાવ છૂટાછવાયા વસેલા ગામો પૈકીના એક ગામથી થોડે દૂર જંગલની પેલે પાર એક જર્જરિત અને જરીપુરાણુ ચર્ચ. ચર્ચની બહાર આવતાં જ એક ડરામણી કબ્રગાહ. ચર્ચની અંદર એક શૈતાની તાકાતનું વર્ષોપુરાણું રહસ્ય. બંધિયાર અને અંધિયારા વિરાન કિલ્લા જેવા ચર્ચની દિવાલો વચ્ચે રહસ્યમયી નનની આત્મહત્યા. અને એ આત્મહત્યા પાછળ તેનાથી પણ કાળો, હબક ખવડાવી દે તેવો કાતિલાના મંજર. હોરર મૂવી મેકિંગના બાદશાહ કહેવાતા જેમ્સ વોન પાસે જો આ બે પ્લોટ કે સિચુએશન હોય તો તમે વિચારો એ બન્ને સિચુએશનમાંથી એ શેમાં વધારે મજા કરાવી દે.
જો તો તમે જેમ્સ વોનની સ્ટાઇલ જાણતા હોવ તો એટલું ક્લિયર છે કે બન્ને પ્લોટમાં વોન માસ્ટર છે પણ પ્લોટ-2માં એની પાસેથી અપેક્ષા વધારે રાખી શકાય કેમ કે એ પ્લોટમાં તો ડેમોનની એન્ટ્રી પહેલાં હોન્ટિંગ માહોલથી પણ દર્શકોને ડરાવી શકાય. કદાચ એટલે જ વોન એન્ડ ટીમે કન્જ્યુરિંગ યુનિવર્સના છેક પાંચમાં હિસ્સામાં બીજા પ્લોટને પસંદ કર્યો. નાની ઉંમરે જ હોન્ટેડ મૂવી યુનિવર્સનો કિંગ બની ગયેલો જેમ્સ વોન અલગ અલગ પ્રોજેક્ટમાં એટલો તો બીઝી થઇ ગયો છે કે હવે તે ઘણાં બધા પ્રોજેક્ટને માત્ર પ્રોડ્યુસ જ કરી રહ્યો છે. તમે માનશો તે હાલમાં 19 મૂવી કે સિરીઝને એકસાથે પ્રોડ્યુસ કરી રહ્યો છે. અને એટલે જ જેમાં તેની ખાટુ માસ્ટરી છે એવું ડિરેક્શનનું કામ અહી તે સંભાળી શક્યો નથી.
કોરીન હાર્ડીના નિર્દેશનમાં બનેલી ધ નનમાં બીજું બધુ જ છે પણ જેમ્સ વોનનો એ ક્લાસિક ટચ નથી જે એક હોરર મૂવી અને કન્જ્યુરિંગ યુનિવર્સની ઓળખ છે. હોલિવૂડના ઇતિહાસની એક સૌથી હોન્ટેડ મૂવી બની શકવાની તમામ સંભાવનાઓ ધરાવતા ધ નનના પ્લોટને અહી સળંગ વેડફી નખાયો છે ! જેમ આગળ પ્લોટના નરેશનમાં લખ્યું એમ એ તમામ એલિમેન્ટ્સ અહી મોજુદ છે, જે થિયેટરની સીટ પર બેસેલાં દર્શકને એક બિહામણી અલગારી દૂનિયામાં લઇ જઇ શકે પણ અફસોસ એ અહી થઇ શક્યું નથી.
રોમાનિયાના એક વિરાન ચર્ચમાં એક ચોંકાવનારા ઘટનાક્રમમાં એક નન આત્મહત્યા કરી લે છે જેની જાણ વેટિકનને થાય છે. વેટિકન એની તપાસ માટે ઇન્વેસ્ટિગેટર પ્રિસ્ટ ફાધર બૂર્કેને મોકલે છે જેને લંડનથી એક દિક્ષાર્થી છોકરી એટલે કે સિસ્ટર ઇરીનને સાથે લઇ જવા કહેવામાં આવે છે. આ બન્નેને સાથ મળે છે રોમાનિયાના એ ગામના સ્થાનિક યુવાનનો જેણે સૌથી પહેલાં એ નનની લટકતી લાશ ચર્ચની બહાર જોઇ હોય છે. શું આ ત્રિપુટી એ કાળમુખા હેવાનનું રહસ્ય વિંધી શકશે ?
કન્જ્યુરિંગ યુનિવર્સની આ પહેલી મૂવી છે જેમાં જેમ્સ વોન અને તેની થિન્ક ટેન્કે એક મોટી ભૂલ કરી નાખી છે. અને એ ભૂલ એટલે કે હોન્ટિંગ સિચુએશનમાં વચ્ચે કારણ વિનાનું કોમિક એલિમેન્ટ નાખવાની કોશિશ. સ્થાનિક યુવાન ફ્રેન્ચીના પાત્રને હ્યુમરસ બનાવાયું છે. જે એક હોન્ટિંગ સ્ટોરીમાં સાવ બિનજરૂરી હતું. આમ પણ વોનની સ્ટાઇલથી આ વિપરિત છે. બીજું ફાધર બુર્કેનો એ ગિલ્ટ સાથેનો ભૂતકાળ જે અહી વાર્તા સાથે ક્યાંય કનેક્ટ થતો નથી. ડેનિયલ નામનું એ ભૂતિયા પાત્ર જે ડેમોન વાલાકના ખૌફ વચ્ચે અચાનક ક્યાંથી આવે છે એ સમજાતુ જ નથી. ત્રીજુ નન વાલાકની એ રહસ્યમયી બેક સ્ટોરી જે જોવા કે જાણવા માટે દર્શક થિયેટર સુધી લાંબો થાય છે પણ વાલાક કેવી રીતે એક નનમાંથી હિચકારું શૈતાની પાત્ર બની જાય છે તેની એક દ્રશ્ય સુદ્ધામાં ચોખવટ નથી કરાઇ !
નવાઇ લાગે પણ એ હકીકત છે કે એક નન કેવી રીતે ડેમોનિક અવતાર ધારણ કરી લે છે એ અહી ક્યાંય દર્શાવાયું નથી. ચોથું પહેલીવાર એવું બન્યું છે કે વોને ખુબ જ શૉર્ટ મૂવી બનાવી હોય એવું લાગે છે મતલબ એવો છે કે પાત્રો સાથે કનેક્ટ થવા માટે પૂરતો સમય લીધો જ નથી. જેના કારણે દર્શક પૂરી રીતે પ્રોટાગનિસ્ટ સાથે કનેક્ટ જ નથી થતો. પાંચમુ સસ્પેન્સના આટાપાટાને બદલે જમ્પસ્કેર કે પછી બિહામણાં એટ્મોસ્ફીયર પર વધારે પડતો આધાર રખાયો છે. તો પછી ધ નનમાં છે શું જે થોડા ઘણાં અંશે જોવાલાયક છે ?
બિહામણાં સેટ્સ, થથરાવી મુકે તેવા CGI, ભયનું લખલખુ પ્રસરાવી દે તેવું કબ્રસ્તાનનું હોન્ટેડ વાતાવરણ,જરીપુરાણા કિલ્લા સમા ચર્ચની દિવાલો વચ્ચેનું અંધિયારું ઇન્ટીરિયર, પરફેક્ટ બેકગ્રાઉન્ડ સ્કોર, પરફેક્ટ સિનેમેટોગ્રાફી ટૂંકમાં ટેકનિકલી સાઉન્ડ છે આ મૂવી. એટલે કે એક પાર્ટ ઓકે છે પણ બીજો જરૂરી પાર્ટ છે ત્યાં જ મરણતોલ ફટકો લાગ્યો છે એટલે કે અહી વાર્તા, સ્ક્રીન પ્લે, ડિરેક્શન અને એક્ટિંગમાં પણ ઘણી ખામીઓ છે.
વચ્ચે વચ્ચે ક્યાંક 'ધ મમી'ની વાર્તા યાદ આવી જાય તેવા પણ સિકવન્સ છે. અથવા તો ડિરેક્ટર પોતે ધ મમીથી પ્રભાવિત હોય એવું લાગે છે. કન્જ્યુરિંગ યુનિવર્સના ભવિષ્ય માટે જરૂરી છે કે ખુદ જેમ્સ વોન ડિરેક્શનની બાગડોર પોતાના હાથમાં રાખે. ખાસ નોંધવુ એ પણ રહ્યું કે કોઇ સામાન્ય બેનરની હોરર મૂવી જોવા જનારા કરતાં જેમ્સ વોનની મૂવીના દર્શકોનું અપેક્ષાનું સ્તર પણ ઘણું ઉંચુ હોય છે એ પણ અહી એક બેરિયર બને છે. ઓવરઓલ જો તમે કન્જ્યુરિંગ યુનિવર્સના ચાહક છો કે પછી હોરર મૂવીના ચાહક છો તો અને તો જ આ મૂવી તમારા માટે વન ટાઇમ વૉચ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે