ઈરફાન અને દુલકર નામના બે મજબૂત પૈડા છતાં ડગમગાતી સફર છે આ કારવાની !

હમણાં હમણાંથી બેવડા કારણોસર ચર્ચામાં રહેલો ઇરફાન ખાન, સાઉથનો ચર્ચિત ચહેરો દુલકર સલમાન અને ઇન્ટરનેટ સેન્સેશન ગણાતી મિથિલા પાલકર. એકસાથે આ ટ્રાયો એક જ ફ્રેમમાં જોવા મળવાના હોય એટલે સ્વાભાવિક છે કે નખશિખ સિનેમાને વરેલા સિનેગોઅર્સ ઘણાબધા ઓપ્શન વચ્ચે વાર લગાવ્યાં વિના આ કારવામાં જોડાઇ જ જવાના. જો કે આ કારવા થોડો ઓડ છે. આ સફરનું બેકગ્રાઉન્ડ તો વળી એકદમ ઓડ છે. સ્ટોરી દમદાર છે. પણ ઓનસ્ક્રીન કેવી રીતે ઉતારાઇ છે ? આઇ મીન, સ્ક્રીન પ્લે કેવો છે ? લેટ્સ સી !

ઈરફાન અને દુલકર નામના બે મજબૂત પૈડા છતાં ડગમગાતી સફર છે આ કારવાની !

મુફદ્દલ કપાસી/અમદાવાદ : હમણાં હમણાંથી બેવડા કારણોસર ચર્ચામાં રહેલો ઇરફાન ખાન, સાઉથનો ચર્ચિત ચહેરો દુલકર સલમાન અને ઇન્ટરનેટ સેન્સેશન ગણાતી મિથિલા પાલકર. એકસાથે આ ટ્રાયો એક જ ફ્રેમમાં જોવા મળવાના હોય એટલે સ્વાભાવિક છે કે નખશિખ સિનેમાને વરેલા સિનેગોઅર્સ ઘણાબધા ઓપ્શન વચ્ચે વાર લગાવ્યાં વિના આ કારવામાં જોડાઇ જ જવાના. જો કે આ કારવા થોડો ઓડ છે. આ સફરનું બેકગ્રાઉન્ડ તો વળી એકદમ ઓડ છે. સ્ટોરી દમદાર છે. પણ ઓનસ્ક્રીન કેવી રીતે ઉતારાઇ છે ? આઇ મીન, સ્ક્રીન પ્લે કેવો છે ? લેટ્સ સી !

ઇરફાન ખાન કેમ સુપરસ્ટાર છે તેની ચર્ચા અત્યારે અસ્થાને છે. પણ જૂરાસિક વર્લ્ડ રિલીઝ થયું ત્યારે તેના જે ઈન્ટરવ્યૂ થયાં હતાં તેમાંથી એકમાં તેણે કહેલું કે એક સમયે તેની પાસે આ જ ફ્રેન્ચાઇઝીની એક મૂવી જોવા માટે ટિકીટના નાણાં નહોતાં અને આજે તે આ જ ફ્રેન્ચાઇઝીની અન્ય એક મૂવીનો હિસ્સો છે. ઈન્ટરવ્યૂના આટલાં જ પાર્ટમાં ઇરફાનની જિંદગીના કારવાનો સક્સેસ પાથ દ્રશ્યમાન થાય છે. ટેલિવિઝન પર નાના મોટા પાત્રો ભજવતાં ઇરફાને હોલિવૂડ સુધી નામ કેવી રીતે કર્યું તે જાણવું હોય તો 'કારવા'માં ઇરફાનની અદભૂત અદાકારી જોવી જ રહી. કહી શકાય કે કારવામાં જે કંઇ છે એમાંથી ઘણું બધુ ઇરફાન ખાન જ છે ! કરીબ કરીબ હમણાં જ 'કરીબ કરીબ સિંગલ'માં ઇરફાનનું પાત્ર આ જ રીતે સફર પર નીકળે છે. એ પહેલાં પીકુમાં પણ ઘણોખરો અંશ એવો જ કંઇક હતો. એટલે એમ જોવા જઇએ તો ભાઇ ઇરફાનની આ ત્રીજી મૂવી છે જેમાં વાર્તા રસ્તા પર આગળ વધે છે. પણ અહી એ રસ્તો કેવોક છે ?

પોતાના પિતાનો મૃતદેહ કાર્ગોમાં આવી રહ્યો છે એ મેળવવા જતાં પિતા સાથે ઇમોશનલી બિલકૂલ ડિસકનેક્ટેડ પુત્ર અવિનાશને ભૂલથી અન્ય એક મહિલાનો મૃતદેહ મળે છે અને પિતાનો મૃતદેહ પહોંચી ગયો છે પેલી મૃત મહિલાની પુત્રીના ઘરે! આ મૃત મહિલાની પૌત્રી એટલે કે તાન્યા(મિથિલા પાલકર)ને લઈને કોચી સુધી જવાની આ સફરમાં અવિનાશનો મિત્ર શૌકત(ઇરફાન ખાન) પણ જોડાય છે. જો કે પહેલી જ ફ્રેમથી ઇરફાન જબરદસ્ત છવાઇ જાય છે. ઇરફાનનું પાત્ર શૌકત ભારે મોજીલું છે અને કોઇનીય શેહશરમ રાખતું નથી. ઇરફાનના ભાગે આવેલાં સંવાદ પણ મજેદાર છે અને એટલાં જ ફ્લોલેસ ઇરફાને બોલી બતાવ્યાં છે. બીજીતરફ શરૂઆતથી જ દુખી-અસંતુષ્ટની ભૂમિકામાં દુલકર સલમાન પણ પોતાની પહેલી જ હિન્દી મૂવી છે તેવું વર્તાવા દેતો નથી. મિથિલા ઠીકઠાક લાગે છે. તો શૉર્ટ એક્ટમાં કૃતિ ખરબંદા સ્વીટ લાગે છે.

વાર્તાની શરૂઆતમાં જ એક દુખદ સમાચાર મળે છે છતાં ઇરફાનનું પાત્ર એ રીતે લખાયેલું છે કે એ સમાચાર મળવા પછીના ઘટનાક્રમમાં આપણે ઇરફાનના સંવાદો સાંભળીને હસ્યા જ કરીએ. કોઇની પણ મદદે દોડી જવાનો સ્વભાવ ધરાવતો અવિનાશ પિતાની અંતિમવિધિ બાકી છે છતાં કોઇ શોક પ્રગટ કરતો નથી અને એક દ્રશ્યમાં વળી દારૂ પણ પીએ છે એ સિકવન્સ પચે એવી નથી. નબળા સ્ક્રીન પ્લે છતાં મજબૂત સ્ટોરી એટલી જ મજબૂતાઇથી એક્ઝીક્યૂટ થઇ નથી. એક્ઝીક્યૂટ કરવામાં ડિરેક્ટર આકર્ષ ખુરાના અહી જ માર ખાઇ ગયા હોય એવું લાગે છે. ઇન્ટરવલ સુધી સતત હસાવતી રહેતી વાર્તા પછી હ્યુમરના ભોગે લખાયેલાં ડ્રામેટિક સ્ક્રીન પ્લેના કારણે એટલી જલસો કરાવતી નથી. જો કે ઇન્ટરવલ પછી કેટલાંક દ્રશ્યો સાવ અવાજ કર્યા વિના સિનેમેટિક લેંગ્વેજમાં કેટલીક મસ્ત વાતો કહી જાય છે. પણ એ દરેક સિકવન્સમાં અત્યંત ધીમી ગતિ વિલન જેવી લાગે છે. ટૂંકમાં પહેલો હાફ હળવોફૂલ તો બીજો હાફ એકદમ કૂલ એવી કંઇક રૂપરેખા પૂરી રીતે સિનેમેટીક કેનવાસ પર ઉભરતી નથી !

સંગીત એકદમ સામાન્ય કક્ષાનું છે પણ ઈરફાન અને દુલકરના અભિનય ઉપરાંત કારવાની અન્ય કોઇ નોંધપાત્ર બાબત હોય તો તે છે સાઉથના દિલકશ, નૈણાને ભાવે તેવા ડેસ્ટિનેશનનું સુપર્બ વિઝ્યુલાઇઝેશન. એ માટે સિનેમેટોગ્રાફર અવિનાશ અરૂણને ફૂલ માર્ક્સ ! તો બીજીતરફ છેલ્લી કેટલીક મૂવીમાં હ્યુમરસ કેરેક્ટર નિભાવવા છતાંય ઇરફાન અહી બિલકૂલ રિપીટેટિવ નથી લાગતો. એકદમ ફ્રેશ છે. ઓવરઓલ શાંત પણ હસાવતી, થોડી આંખો ભીની કરાવતી અને સરવાળે ધીમી આ સફરના ઇરફાન ખાન અને દુલકર સલમાન માટે આપ સાક્ષી બની શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news