બધાઇ હો મૂવી રિવ્યૂ: બેક ટુ બેક મનોરંજક મૂવીઝ માટે બોલિવૂડને 'બધાઇ હો' !
બહુ સરસ કે સુપરહિટની રેન્જમાંથી આ મૂવી થોડા કારણોસર બહાર રહી જાય તેવું છે. બે પોઇન્ટ છે એક તો પુત્રની પ્રેમકહાની માટે ફાળવાયેલો સ્પેસ મૂવીના હિલેરિયસ ટોનને વચ્ચે હળવો કરે છે.
Trending Photos
મુફદ્દલ કપાસી: વાર્તા મજબૂત હોય, કેરેક્ટરાઇઝેશન સ્ટ્રોંગ હોય, સંવાદો અને સ્ક્રીન પ્લે પાત્રને અનુરૂપ હોય તો જરૂરી નથી કે તમારે મૂવીની દેખીતી લીડ પેર પર જ બધો મદાર રાખવો પડે. ક્યારેક તમે સિનેમાહોલ સુધી પહોંચી મૂવીમાં પરોવાઇ જાવ પછી ખ્યાલ આવે કે અહી તો બે લીડ ચહેરા બીજા જ છે. બધાઇ હોમાં આવા બે સ્ટ્રોંગ કેરેક્ટર છે. અબવ ઓલ છે દાદીમા! માઇન્ડ બ્લોઇંગ સુરેખા સિક્રી અને બીજા ક્રમે છે ચિંગુસ સરકારી કર્મચારી અને ગભરું પિતા ગજરાજ રાવ! બન્નેના મજબૂત અભિનયની આસપાસ બધા ક્રમસર ગોઠવાઇને એક સરસ મજાની રુબિક ક્યુબ બનાવે છે. અને એ ફેમિલી એન્ટરટેઇનર રુબિક ક્યુબ છે બધાઇ હો!
આપણે ત્યાં કેરેક્ટર બિલ્ટઅપ બરાબર થતું નથી તેવી ફરિયાદો થતી આવી છે. પણ છેલ્લાં કેટલાંક સમયમાં જ આપણને અનેક સુખદ આશ્ચર્યો થયા છે. બોલિવૂડની મજબૂતાઇના અરીસા સમાન આવા કેરેક્ટર્સમાં બધાઇ હોનું દાદીમાનું પાત્ર ચર્ચીએ તે પહેલાં મારે પિતાના જબરદસ્ત પાત્રો નોંધવા છે. બહુ દૂર નથી જવું. આપણે ચાલુ વર્ષે જ આવા એક નહીં અનેક સુપીરિયર પાત્રોને થિયેટરના પરદે માણ્યાં છે! સંવાદો કરતાંય નકરા હાવભાવથી જેમણે હસાવ્યાં છે એ બધાઇ હોનું જીતુનું પાત્ર, જેને નિભાવ્યું છે ટેલેન્ટેડ ગજરાજ રાવે.
નખશીખ ભારતીય પિતા! બે દિકરીઓના ઝઘડાથી પરેશાન પણ દિકરીઓ માટે અત્યંત ચિંતિત પિતાનું પાત્ર પટાખામાં લાજવાબ રીતે વિજયરાઝે નિભાવ્યું છે. આર્થિક તંગીમાં ચિંતાનો બોજ વેંઢારતા બાપનું સરસ મજાનું પાત્ર એટલી જ સરસ રીતે સુઇધાગામાં નિભાવ્યું છે રઘુવીર યાદવે. હજુ હમણાં જ 'સ્ત્રી'માં જોવા મળેલું વિકીના પિતાનું પાત્ર જેને અતુલ શ્રીવાસ્તવે સુપરકૂલ ભજવેલું. રાઝીમાં રજીત કપૂરે ભજવેલું પ્રેમાળ પિતાનું પાત્ર. કેટલી વૈવિધ્યતા! અને પોતાના પુત્ર કે પુત્રી સાથેનું કેટલું રસપ્રદ બૉન્ડિંગ!
સોરી દાદીમા, તમારું વિસ્તૃત વર્ણન છેક ત્રીજા પેરામાં કરવું પડે છે. આમ તો શરૂઆત જ તમારાથી કરવી પડે. જી હા બધાઇ હોમાં સૌથી વધુ અને સૌથી અસરકારક કોમિક સિકવન્સ જેમના ફાળે આવી છે તે છે અકડું, ગુસ્સૈલ દાદીમા. આ પાત્ર નિભાવ્યું છે એન્ગ્રી ગ્રાન્ડ મા સુરેખા સિક્રીએ. એક દ્રશ્યમાં તેમના ગુસ્સાનો જોરદાર રેફરન્સ છે. તેઓ જોરદાર ગુસ્સે થયા હોય છે. એટલા કે બધાં આઘાપાછા થઇ ગયા હોય અને એ સમયે ગરમ કરવા મુકેલું પાણી તેમના ગુસ્સાની જેમ જ ઉકળતું જોવા મળે છે ત્યારે તેઓ અજબ હાવભાવ સાથે વૉટરહીટરની સ્વીચ ઓફ કરે છે. ઠીક કંઇક એ રીતે જ દાદીમાના ગુસ્સાને કાબૂ કરવા માટે તેમનો દિકરો જીતુ સ્વીચઓફ કરવા હાજર રહે છે. સુરેખા સિક્રી માટે સિકવન્સ જ જોરદાર ક્રિએટ કરાઇ છે. પણ અબવ ઓલ
તેમણે જોરદાર રીતે પોતાના ડાઇલોગ ડિલીવર કર્યાં છે.
વ્યક્તિની પોતાની વિચારધારા નહીં પરંતુ તેની આજુબાજુ જીવતો કહેવાતો સમાજ વ્યક્તિને કંઇ રીતે વિચારવા મજબૂર કરે છે તેનું અહી સરસ ઉદાહરણ અપાયું છે. ડિરેક્ટર અમિત શર્માએ અહી સમાજના આવા સળીખોરોના પાત્રોને રેફરન્સ તરીકે મુક્યાં છે. તે પછી સંબંધો નિભાવવાની ફૉર્માલિટી કરતાં સમાજના પ્રતિબિંબ સમી દુલ્હન નીમ્મીનું પાત્ર હોય. દુખતી રગ દબાવવા તૈયાર રહેતાં મિત્રોનું પ્રતિબિંબ જુનાનું પાત્ર હોય કે પછી હંમેશા ગેલેરીમાં ઉભા રહી પંચાત કરતા રહેતાં પાડોશીનું પાત્ર હોય. લગ્નની શરણાઇઓ વગાડવાની જે પુત્રની ઉંમર હોય તેની જ માતા ગર્ભવતી થાય તો તે પુત્ર તેના સરાઉન્ડિંગ અનુસાર કેવું વિચારે છે તેની કથની અહી વર્ણવાઇ છે. આયુષ્યમાન ખુરાના અહી કચવાતા પુત્રના પાત્રમાં અગેઇન આઉટસ્ટેન્ડિંગ છે.
બહુ સરસ કે સુપરહિટની રેન્જમાંથી આ મૂવી થોડા કારણોસર બહાર રહી જાય તેવું છે. બે પોઇન્ટ છે એક તો પુત્રની પ્રેમકહાની માટે ફાળવાયેલો સ્પેસ મૂવીના હિલેરિયસ ટોનને વચ્ચે હળવો કરે છે. બીજું કેટલીક બિનજરૂરી સિકવન્સ પણ વાર્તાને થોડી ઢીલી બનાવે છે. એડિટિંગની કાતર અહીં એટલી સ્ટ્રોંગ નથી! વાર્તામાં એક પાત્ર મોટી ઉંમરે ગર્ભવતી બને છે એટલે તેને તુજે લાજશરમ ન આઇ એવા ભાવ સાથે ટોન્ટ મરાય છે. પણ મેકર્સે અહી નાણાં કાઢી લેવા વિવિધ બ્રાન્ડનું પ્રમોશન લાજશરમ વિના શરૂથી અંત સુધી કર્યે રાખ્યું છે.
વાર્તાનું 'પાત્ર' એટલે કે વાસણ એટલું ઉંડું નથી પણ તોય સમાજના અનેક જરીપુરાણા રૂઢિગત વિચારો પૈકીના એકને સણસણતો તમાચો છે જ! ડેબ્યુટન્ટ અક્ષત ઘિલડિયાલના વન લાઇનર્સ મજબૂત છે. હ્યુમરની સાથે ઇમોશન પણ વાર્તાને બળવત્તર બનાવે છે. ટૂંકમાં જંકફૂડના જમાનામાં તમે જેને મિસ કરતા હોવ એવા સાદા, હળવા અને દેશી ભોજન જેવી પારિવારિક ફિલ્મ ઇચ્છતા હોવ તો કરો ટિકટ બૂક. તમને બધાઇ હો!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે