ઇરફાન અને કરીનાની Angrezi Medium જોતા પહેલાં વાંચી લો REVIEW 

આ ફિલ્મમાં રાધિકા મદન, દીપક ડોબરિયાલ, કરીના કપૂર, ડિમ્પલ કાપડિયા, કીકુ શારદા તેમજ પંકજ ત્રિપાઠી પણ કામ કરી રહ્યા છે

ઇરફાન અને કરીનાની Angrezi Medium જોતા પહેલાં વાંચી લો REVIEW 

નવી દિલ્હી : હાલમાં ઇરફાન ખાન કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડીને મોતના મોંમાંથી પરત ફર્યો છે. હાલમાં રિલીઝ થયેલી અંગ્રેજી મીડિયમમાં ઇરફાને જબરદસ્ત એક્ટિંગ કરી છે. આ ફિલ્મને ઇરફાનની ફિલ્મ ગણી શકાય. 

શું છે વાર્તા?
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, ઉદયપુરમાં રહેતા ચંપક બંસલ (ઈરફાન ખાન) જાણીતા મીઠાઈવાળા ઘસીટારામના પૌત્ર છે અને મીઠાઈની દુકાન ચલાવે છે. પત્નીના મૃત્યુ બાદ ચંપક બંસલની જિંદગી દીકરી તારિકા (રાધિકા મદાન)ની આસપાસ ફરે છે. બાળપણથી જ તારિકાનું સપનું લંડન ભણવા જવાનું છે. દીકરીના ઉછેર અને મીઠાઈની દુકાન ચલાવવા ઉપરાંત ચંપક બંસલને ઘસીટારામના ભાઈઓ સાથે કોર્ટમાં નામ અને સંપત્તિનો કેસ પણ લડવો પડે છે. આ કેસોમાં ચંપકનો કઝિન ભાઈ ગોપી (દીપક ડોબરિયાલ) તેનો માથાનો દુખાવો બન્યો છે. આ તરફ તારિકા ગ્રેજ્યુએટ થવાની સાથે પોતાનું લંડન જવાનું સપનું પૂરું કરવા અને કોલેજની ટોપર બનવા ખૂબ મહેનત કરે છે. આખરે એ દિવસ આવી જાય છે ત્યારે તારિકાને આગળ ભણવા માટે લંડન જવાની તક મળે છે. દીકરીને અપાર પ્રેમ કરનારો પિતા ચંપક તારિકાના સપનાને હકીકતમાં રૂપાંતરિત કરવા તેની સાથે નીકળી પડે છે. આ સફરમાં ગોપી પણ તેમની સાથે જોડાય છે. પરંતુ લંડન પહોંચ્યા બાદ એવી સ્થિતિ પેદા થાય છે જેના વિશે ગોપી અને ચંપકે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.

કેવી છે એક્ટિંગ?
ઇરફાન ખાન જેટલો સમય સ્ક્રીન પર હોય છે તેટલી વાર પોતાની બોડી લેંગ્વેજ, ગજબની કોમિક ટાઈમિંગ અને ઉદયપુરી ઉચ્ચારણ તેમજ ભાવુક દ્રશ્યોથી તમને જકડી રાખે છે. ઈરફાન ખાનનો અભિનય એટલો સહજ છે કે, કેન્સર જેવી બીમારીમાંથી રિકવર થઈને ઈરફાને આ ફિલ્મ શૂટ કરી હશે તેવો અંદાજો પણ ના આવે. પિતા તરીકે ઈરફાનના કેટલાક દ્રશ્યો આંખો ભીની કરી નાખે તેવા છે. દીકરી તરીકે રાધિકા મદાન ઈરફાનની પૂરક છે. બળવાખોર, માસૂમ, સપના જોવાવાળી અને પિતાને પ્રેમ કરતી દીકરી તરીકે રાધિકાના પત્રમાં ઘણા સ્તર છે. જેને તેણે ઈમાનદારીથી નિભાવ્યા છે. પિતા-પુત્રી તરીકે ઈરફાન અને રાધિકાની કેમેસ્ટ્રી વખાણવાલાયક છે. ભાઈ તરીકે ઈરફાન અને દીપક ડોબરિયાલની જુગલબંધી જબરદસ્ત છે. તે પોતાના પાત્ર દ્વારા ખૂબ મજા કરાવે છે. પોતાની દમદાર સ્ક્રીન પ્રેસન્સથી કરીના છવાઈ ગઈ છે. પરંતુ બે-ચાર દ્રશ્યોમાં તેના ભાગે ખાસ કંઈ આવતું નથી. પંકજ ત્રિપાઠી નાનકડા પણ યાદગાર રોલમાં છે. સાથી કલાકારોની ભૂમિકામાં ડિમ્પલ કાપડિયા, તિલોત્તમા શોમ, રણવીર શૌરી, કીકૂ શારદા વગેરેએ પોતાના પાત્રો સરસ રીતે નિભાવ્યા છે.

જોવાય કે નહીં?
આ ફિલ્મની ખાસિયત ઇરફાન ખાન અને દીપક ડોબરિયાલની એક્ટિંગ છે. જોકે જો તમે ઇરફાનના ચાહક હો તો આ ફિલ્મને મિસ ન કરવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news