સુરતમાં ઈ-વ્હિકલ માટે દોઢ મહિના સુધીનું વેઇટિંગ, સબસીડીની જાહેરાત બાદ માંગમાં વધારો

સુરતમાં ઈ-વ્હિકલ માટે દોઢ મહિના સુધીનું વેઇટિંગ, સબસીડીની જાહેરાત બાદ માંગમાં વધારો
  • અન્ય ઈંધણના વાહનો કરતાં આ ઈ-વ્હીકલ લોકો માટે સસ્તા વાહન બન્યા
  • કેટલાક દિવસોથી ઈ-વ્હીકલની માગમાં અચાનક જ વધારો થયો છે 
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે સબસિડી

ચેતન પટેલ/સુરત :હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. સતત વધી રહેલા ભાવોને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જોકે, મધ્યમ વર્ગના લોકોના બજેટને બેલેન્સ કરવા માટે એક નવો વિકલ્પ બજારમાં આવ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે પર્યાવરણલક્ષી વાહનોને પ્રમોટ કરવા માટે ઈ-વ્હિકલ પોલિસી (E Vehicle Policy in Gujarat) જાહેર કરી હતી. જેમાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપવાની જાહેરાત કરાતા સુરતમાં છેલ્લા 15 દિવસથી ઈ-વ્હિકલ (E-Vehicle) માટેની ઈન્ક્વાયરીમાં અચાનક જ વધારો જોવા મળ્યો છે.

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને બીજી બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) પર આપવામાં આવી રહેલી સબસીડી (Subsidy)ના કારણે છેલ્લા કેટલાક દિવસથી ઈ-વ્હીકલ (E-Vehicle) ની માંગમાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં ઈ-વ્હિકલ માટે દોઢ મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે, અન્ય ઈંધણના વાહનો કરતાં આ ઈ-વ્હિકલ (E-Vehicle) લોકો માટે સસ્તા છે અને લક્ઝરી કારમાં મળનારા ફીચર્સ આ ઈ-વ્હિકલમાં મળી રહ્યા છે.

ઇલેક્ટ્રિક વાહનોમાં પ્રતિ કિલોમીટર 10 પૈસાનો ખર્ચ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઇ-વ્હિકલ (E-Vehicle) નો શોરૂમ ધરાવતા વિનય કેજરીવાલે જણાવ્યું હતું કે, કોરોનાકાળ બાદ લોકો પર્યાવરણને લઈને ખૂબ જ સજાગ થયા છે. આ સાથે જ સરકાર જે રીતે સબસિડી આપી રહી છે. તેના કારણે લોકો હવે ઇ-વ્હિકલ (E-Vehicle) તરફ આકર્ષિત થયા છે. હાલમાં રોજ 25થી વધારે લોકો તેના માટે આવી રહ્યા છે. ઇ-વ્હિકલ (E-Vehicle)ની માંગ વધવાથી હાલમાં દોઢ મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની કારમાં પ્રતિ કિલોમીટર 2થી 3 રૂપિયાનો ખર્ચ આવે છે. બીજી બાજુ ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) માં પ્રતિ કિલોમીટર 10 પૈસાનો ખર્ચ આવે છે.

જે ફીચર્સ સામાન્ય વાહનોમાં પણ નથી મળતા તે ફીચર્સ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર (Electric 2 wheelers) માં મળી રહ્યા છે. કિક સ્ટાર્ટની સાથે સાથે કી-લેસ એટલે કે ચાવી વગર શરૂ કરવાની પણ સુવિધા આ વાહનોમાં અપાઈ છે. આ વાહનો રિમોટથી પણ શરૂ થાય છે અને તેમાં મોબાઈલ ચાર્જીંગની પણ સુવિધા છે. આ સિવાય બ્લૂટૂથ, GPS સહિત ડિજિટલ ડિસ્પ્લે ઇલેક્ટ્રિક ટૂ વ્હિલર (Electric 2 wheelers) માં લોકોને મળે છે. સરકારની ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી (Electric Vehicle Policy) ના કારણે હવે લોકો ઇ વ્હિકલ્સ (E-Vehicle) તરફ વળ્યા છે.

પર્યાવરણ માટે પણ સારા છે આ વાહનો

માર્કેટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા પરિમલ સોનાગરા ઇલેક્ટ્રિક ટૂ વ્હિલર (Electric 2 wheelers) ખરીદવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, તેમનું કામ ફિલ્ડ પર ફરવાનું છે. હાલ જાણવા મળ્યું હતું કે, ઇ વ્હિકલ (E-Vehicle) પર સરકાર સબસિડી આપી રહી છે. જેના કારણે તેઓ ઇ વ્હિકલ ખરીદવા આવ્યા છે. આ વાહન કી-લેસ છે અને તમામ ફીચર્સ પણ ખૂબ સારા છે. પેટ્રોલથી ચાલતા વાહનો કરતા તેની કિંમત પણ ઘણી ઓછી છે. અન્ય એક ગ્રાહક વિનોદ જૈને જણાવ્યું હતું કે, આ વાહનો પર્યાવરણ માટે ખૂબ જ સારા છે. પર્યાવરણ લક્ષી હોવાના કારણે અને સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સબસિડીને ધ્યાનમાં રાખીને તેઓ આ વાહન ખરીદવા પહોંચ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news