EXCLUSIVE: આ વર્ષે 125 રૂપિયા સુધી પહોંચી જશે પેટ્રોલ!, ભાવમાં નહીં મળે રાહત, જાણો આવું કેમ કહે છે તજજ્ઞો
પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. બીજી બાજુ સરકારે એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે કે ભાવ વૈશ્વિક ક્રૂડ ઓઈલથી નિયંત્રિત થતા હોય છે. આથી અમે કશું કરી શકીએ નહીં.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. બીજી બાજુ સરકારે એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે કે ભાવ વૈશ્વિક ક્રૂડ ઓઈલથી નિયંત્રિત થતા હોય છે. આથી અમે કશું કરી શકીએ નહીં. તો શું ખરેખર કોઈ રસ્તો નથી કે જેનાથી ફ્યૂલના ભાવ ઘટાડી શકાય કે પછી ભવિષ્યમાં ભાવ ઘટવાની કોઈ સંભાવના નથી જોવા મળી રહી. તેના પર તમામ બ્રોકરેજ હાઉસ અને તજજ્ઞોનો એક જ મત છે કે ક્રૂડ ઓઈલ સસ્તુ થવાનું નથી.
OPEC+ દેશોની બેઠક પર નજર
બ્રેન્ટ ક્રૂડ ગત એક વર્ષમાં 26 ડોલર પ્રતિ બેરલ સુધી મોંઘુ થઈ ચૂક્યું છે. જૂન 2020માં ક્રૂડ ઓઈલ 40 ડોલર પ્રતિ બેરલના ભાવ પર હતું અને આજે તે 76 ડોલર પ્રતિ બેરલને પાર ટ્રેડ કરી રહ્યું છે. સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઈલના વધતા ભાવને લઈને ચિંતા છે. હવે બધાની નજર એક જૂલાઈએ થનારી OPEC+ ની બેઠક પર છે. જેમાં ઓગસ્ટમાં ઉત્પાદન પોલિસીને લઈને નિર્ણય થવાનો છે. રશિયા ક્રૂડ ઓઈલનો સપ્લાય વધારવાના પક્ષમાં છે.
125 રૂપિયા સુધી પહોંચશે પેટ્રોલના ભાવ!
હવે જો OPEC+ દેશ ઉત્પાદન વધારવાનો નિર્ણય લે તો શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે. તેના પર ઓઈલ એક્સપર્ટ અરવિંદ મિશ્રા કહે છે કે ડોલરની સરખામણીએ રૂપિયામાં સતત ઘટાડાના કારણે પહેલેથી જ ઓઈલ ખરીદીના મોરચે રાજસ્વનું દબાણ બનેલું છે. ઉપરથી સરકાર રસીકરણ અભિયાન પણ સંચાલિત કરી રહી છે. આવામાં સરકાર ઓઈલના ભાવમાં કોઈ રાહત આપે તેની આશા ઓછી છે. તેમનું કહેવું છે કે આ જ રીતે રહ્યું તો આ વર્ષ ડિસેમ્બર સુધીમાં પેટ્રોલના ભાવ 125 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.
પેટ્રોલના ભાવ હજુ વધશે
ONGC ના પૂર્વ ચેરમેન, આર એસ શર્માનું કહેવું છે કે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં તેજી ચાલુ રહેશે. જેની સીધી અસર ભારતમાં ઉત્પાદનોની મોંઘવારી પર પડશે. સરકાર પાસે ડ્યૂટીમાં રાહત આપવા મામલે ન તો એ વાતની છૂટ છે કે ન તો કોઈ ઈરાદો છે. આથી ગ્રાહકોએ હજુ વધુ મોંઘવારી માટે તૈયાર રહેવું જોઈએ. ભાવ હજુ કઈ હદ સુધી વધશે તે કહેવું મુશ્કેલ છે.
100 ડોલર સુધી જઈ શકે છે ક્રૂડ ઓઈલના ભાવ
ક્રૂડ ઓઈલના ભાવમાં જૂનથી તેજીની શરૂઆત થઈ ગઈ હતી. જોત જોતામાં તો ભાવ 76 ડોલર સુધી પહોંચી ગયા. Bank of America નું અનુમાન છે કે વર્ષ 2022 સુધીમાં ક્રૂડ ઓઈલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. બીજા બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સેક્સનું પ્રોજેક્શન છે કે બ્રેન્ટ ક્રૂડ બીજા છમાસિકમાં 80 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. જ્યારે CITI એ 2021ના ચોથા ત્રિમાસિકનું લક્ષ્ય વધારીને 85 ડોલર પ્રતિ બેરલ કરી દેવાયું છે.
ઈરાન-અમેરિકા વચ્ચે સહમતિ પર નજર
ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોથી પણ ક્રૂડ ઓઈલમાં તેજી છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર ડીલને લઈને કોઈ સહમતિ બને છે અને અમેરિકા પ્રતિબંધોમાં ઢીલ આપે તો ઈરાન સપ્લાયને વધારી શકે છે. પરંતુ તેને લઈને બંને દેશોના નિવેદન બિલકુલ અલગ અલગ છે. આથી સપ્લાય તરત વધશે તેને લઈને સવાલ હજુ પણ યથાવત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે