મહારાષ્ટ્રમાં હવે 'ઠાકરે રાજ', PM મોદીના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ભાવિ અદ્ધરતાલ?
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અધ્ધર તાલે જઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટને 2024 સુધીમાં પૂરું કરવો અને બુલેટ ટ્રેનને ચલાવવાનો લક્ષ્યાંક મુશ્કેલ નહીં પરંતુ હવે અશક્ય લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રસ્તામાં એક કે બે નહીં પરંતુ 5 જેટલા રોડા એવા છે જે સરકારના બુલેટ ટ્રેનને લઈને નક્કી સમય મર્યાદાને બદલીને આગળ વધારી શકે છે.
કેમ અધ્ધર તાલે જઈ શકે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?
1. સૌથી મોટું કારણ છે મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજકારણમાં ધરખમ ફેરફાર. મહારાષ્ટ્રમાં હવે શિવસેના-એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે અને શિવસેનાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ રાજ્યની સરકારની પ્રાથમિકતાઓમાં નથી. આથી એ સ્પષ્ટ છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રસ્તો હવે એટલો સરળ નથી.
2. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ સૂત્રોના જણાવ્યાં મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના ભાગે 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવાના કે ભાર ઉઠાવવાની જવાબદારી હતી. હવે મુંબઈ (Mumbai) માં BKC કે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાનું છે. તત્કાલિન રાજ્ય સરકારે બીકેસી જમીનની લેન્ડ વેલ્યુએશન લગભગ 3000 કરોડ આંકી હતી અને કેન્દ્રને કહ્યું હુતં કે બીકેસીની જમીન બુલેટ ટ્રેન માટે આપ્યા બાદ તેઓ ફક્ત 1500 કરોડનો જ વધારાનો ભાર આ પ્રોજેક્ટ માટે ઉઠાવશે. જેના વણઉકેલ્યા પેચના કારણે પણ પ્રોજેક્ટ લટકી પડે તેવું કહેવાય છે.
3. ત્રીજો મોટો મુદ્દો જમીન સંપાદનનો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં જ 300 હેક્ટર જમીનનું સંપાદન થવાનું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હજી સુધી ફક્ત 30 હેક્ટર જમીનનું જ સંપાદન થઈ શક્યું છે. આવી સ્થિતિમાં જમીન સંપાદન પણ મોટો રોડો બન્યો છે.
4. મહારાષ્ટ્રની નવી સરકારે ઈશારામાં કહી દીધુ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેન્દ્રનો છે અને કેન્દ્ર જ તેમા પૈસા લગાવે જ્યારે રાજ્ય સરકાર પોતાના ભાગના પૈસા ખેડૂતો માટે ખર્ચ કરશે.
5. શિવસેનાની ઈચ્છા જનતા વચ્ચે આદિત્ય ઠાકરેને સુપરહીરો તરીકે રજુ કરવાની છે. હાલમાં જ આરે જંગલ મામલે પણ આદિત્ય ઠાકરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શિવસેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટી એકવાર ફરીથી બુલેટ ટ્રેન માટે થાણે વિસ્તારમાં મેન્ગ્રોવને ખત્મ કરવાનો વિરોધ કરી શકે છે.
આ VIDEO પણ જુઓ...
આવામાં કેન્દ્ર સરકાર માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2024માં પૂરો કરવો એ લગભગ અશક્ય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન માટે નવી ડેડલાઈન નક્કી કરી શકે છે. 2029 નવી ડેડલાઈન જાહેર થઈ શકે છે. બુલેટ ટ્રેન માટે સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમય મર્યાદાને વધુ 5 વર્ષ આગળ વધારી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે