રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ હવે ચીનમાં રહેશે, મળી નવી જવાબદારી

ઉર્જિત પટેલનો Asian Infrastructure Investment Bank માં ત્રણ વર્ષનો કાર્યકાળ હશે. તેઓ આગામી મહિને પદભાર સંભાળી શકે છે. 

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ હવે ચીનમાં રહેશે, મળી નવી જવાબદારી

બેઇજિંગઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ (Urjit Patel) નું નવુ સરનામું બેઇજિંગ હશે. તેમને બેઈજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (Asian Infrastructure Investment Bank) ના ઉપાધ્યક્ષ (Vice President) બનાવવામાં આવ્યા છે. બેન્કના સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી. ભારત એઆઈઆઈબી (AIIB) ના સંસ્થાપક સભ્યમાં છે. બેન્કમાં ચીન બાદ ભારતનો સૌથી વધુ વોટિંગનો અધિકાર છે. બેન્કના પ્રમુખ ચીનના પૂર્વ ડેપ્યુટી નાણામંત્રી જિન લિક્યૂન છે. 

ત્રણ વર્ષનો હશે કાર્યકાળ
પટેલ (58) નો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે. તે એઆઈઆઈબીના પાંચમાંથી એક ઉપાધ્યક્ષ હશે. તેઓ આગામી મહિને પદભાર સંભાળી શકે છે. એઆઈઆઈબીના સૂત્રોએ જણાવ્યું કે, તે ડી.જે.પાંડિયનનું સ્થાન લેશે. પાંડિયન દક્ષિણ એશિયામાં એઆઈઆઈબીના સોવરેન અને બિન-સાર્વભૌમ ધિરાણના પ્રમુખ છે. પાંડિયન આ મહિને ભારત ફરશે. તેઓ પૂર્વમાં ગુજરાતના મુખ્ય સચિવ પણ રહ્યા છે.

રિઝર્વ બેન્કના 24માં ગવર્નર હતા
પટેલ પાંચ સપ્ટેમ્બર 2016ના રિઝર્વ બેન્કના 24માં ગવર્નર બન્યા હતા. તેમણે રઘુરામ રાજનનું સ્થાન લીધુ હતું. પટેલે ડિસેમ્બર 2018માં વ્યક્તિગત કારણોથી ગવર્નરના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ગવર્નર બન્યા પહેલા તેઓ કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગવર્નર હતા અને તેમની પાસે નાણાકીય નીતિ વિભાગનો પ્રભાર હતો. 

રિલાયન્સમાં પણ કરી ચુક્યા છે કામ
પટેલ પૂર્વમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાકોષ (International Monetary Fund), બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (Boston Consulting Group) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ  (Reliance Industries Limited) સાથે પણ કામ કરી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news