દૈનિક 7 રૂપિયાનું રોકાણ અને પછી દર મહિને મળશે 5000 રૂપિયા...જબરદસ્ત છે આ સરકારી યોજના

દૈનિક 7 રૂપિયાનું રોકાણ અને પછી દર મહિને મળશે 5000 રૂપિયા...જબરદસ્ત છે આ સરકારી યોજના

પેન્શન એ વૃદ્ધાવસ્થામાં મોટો સહારો બનતું હોય છે. રિટાયરમેન્ટ બાદ એક ફિક્સ આવક દરેક વ્યક્તિ ઈચ્છે છે. જેથી કરીને જીવન આરામથી પસાર થાય. જો તમે યુવા હોવ તો દર મહિને નાનકડી રકમ જમા કરીને તમારી વૃદ્ધાવસ્થા માટે આર્થિક મજબૂતી કરી શકો છો. જેથી કરીને તમારે કોઈના સહારાની જરૂર ન પડે. સરકાર તરફથી આ માટે એક પેન્શન યોજના ચાલે છે જેના વિશે અમે તમને જણાવીશું. 

5000 રૂપિયા સુધી ગેરન્ટી, આ છે ઉંમર મર્યાદા
સરકાર દ્વારા અટલ પેન્શન યોજના ચાલે છે. જેમાં પેન્શનની ગેરંટી સરકાર પોતે આપે છે. દર મહિને તમે 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. એટલે કે રિટાયરમેન્ટ બાદ તમારી આવક નક્કી છે. APY Scheme માં રોકાણ માટે ઉંમર મર્યાદા 18 થી લઈને 40 વર્ષ સુધી નિર્ધારિત કરાઈ છે. 

20 વર્ષ સુધી રોકાણ
આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી હોય છે. ત્યારબાદ તમને પેન્શન શરૂ થાય છે. બીજી રીતે જોઈએ તો આ સ્કીમમાં તમે 40 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો પછી 60 વર્ષની ઉંમર સુધી તમારે રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે. આ સ્કીમમાં રોકાણ કરવામાં તમને પેન્શન ગેરંટી સિવાય પણ અનેક ફાયદા થાય છે. તમે 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આ ટેક્સ બેનિફિટ આવકવેરાની કલમ 80સી હેઠળ અપાય છે. જો કે આવકવેરો ચૂકવનારા રલોકો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે નહીં. 

આ રીતે મળશે 5000 રૂપિયા પેન્શન
ગણતરી સમજીએ. માની લો કે તમારી ઉંમર 18 વર્ષ છે અને આ યોજનામાં દર મહિને 210 રૂપિયા એટલે કે રોજના ફક્ત 7 રૂપિયા જમા કરીને તમે 60  બાદ 5000 રૂપિયા માસિક પેન્શન મેળવી શકો છો. જો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન ઈચ્છતા હોવ તો પછી તમારે આ સમયગાળામાં દર મહિને માત્ર 42 રૂપિયા આ યોજના હેઠળ જમા કરાવવાના રહેશે. તમે આ યોજના હેઠળ 10000 રૂપિયાનું પેન્શન પણ મેળવી શકો છો. 

કેવી રીતે મળે 10000 રૂપિયા પેન્શન
અટલ પેન્શન યોજના સાથે જોડાઈને પતિ અને પત્ની બંને 10 હજાર રૂપિયા સુધીના પેન્શનનો લાભ ઉઠાવી શકે છે. જો પતિનું મોત 60 વર્ષ પહેલા થઈ જાય તો પછી પત્નીને પેન્શનને સુવિધા મળશે. પતિ અને પત્ની બંનેના મૃત્યુ પર નોમિનીને પૂરા પૈસા મળશે. સરકારે આ યોજનાની શરૂઆત 2015-16માં કરી હતી. 

જરૂરી ચીજો
આ યોજનામાં ખાતું ખોલાવવા માટે તમારી પાસે એક બેંક ખાતું હોવું જોઈએ જે આધાર કાર્ડ સાથે લિંક હોય. આ ઉપરાંત અરજીકર્તા પાસે એક મોબાઈલ નંબર હોય. પહેલેથી અટલ પેન્શનના લાભાર્થી ન હોય. જે બેંક બ્રાન્ચમાં તમારું બચત ખાતું ખુલ્યું છે ત્યાં જઈને આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે અરજી કરી શકાય છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકો જોડાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news