લંડન મૂકી આ પાટીદાર મહિલા કચ્છમાં કરે છે ખેતી, 9 મહિનામાં 32 લાખની કમાણી! 5 પરિવારોને આપે છે નોકરી

એક સમય હતો કે જ્યારે કચ્છના પટેલ સમાજના લોકો વિદેશમાં જઈને વસવાટ કરવા લાગ્યા હતા અને ત્યાં જ પોતાનો ઘંઘો રોજગાર શરૂ કર્યો હતો. જ્યારે હવે ફરી લોકો પોતાના માદરે વતન પરત આવીને અહીં રહેવા લાગ્યા છે. એવા જ એક પટેલ સમાજના મહિલા રમીલાબેન વેકરીયા કે જેઓ 35 વર્ષ સુધી લંડન રહ્યા અને હવે કચ્છના બળદિયા ખાતે આવીને ખેતી વાડીના કામમાં જોડાયા છે.

લંડન મૂકી આ પાટીદાર મહિલા કચ્છમાં કરે છે ખેતી, 9 મહિનામાં 32 લાખની કમાણી! 5 પરિવારોને આપે છે નોકરી

Success Story રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: લંડન મૂકીને મહિલા કચ્છમાં ખેતી કરીને લાખોની કમાણી કરે છે. 35 વર્ષથી લંડનમાં વસેલા રમીલાબેન વેકરીયા હવે પાછા પોતાના વતન કચ્છના બળદિયા ખાતે આવીને ખેતી કરવાનું શરૂ કર્યું છે અને 5 એકરમાં વિવિધ શાકભાજી અને ફળો વાવ્યા છે. હવે તેઓ લાખોમાં કમાણી કરી રહ્યા છે. તો સાથે જ પોતાની વાડીમાં અન્ય 4થી 5 પરિવારોને રોજગારી પણ પૂરી પાડે છે. વિદેશી ફ્રૂટ, સ્ટાર ફ્રૂટ, પેસન ફ્રૂટ, વિવિધ પ્રકારના મેંગોના વૃક્ષ, ડ્રાય ફ્રુટ, જાયફળ, મરી, સ્ટ્રોબેરી, લીચી તેમજ લંડનમાં થતાં ફ્રૂટ અને શાકભાજીનું પણ ઉત્પાદન કરી રહ્યા છે.

વિદેશી ફ્રુટ્સ અને શાકભાજી વાવીને લાખોની કમાણી
એક સમય હતો કે જ્યારે કચ્છના પટેલ સમાજના લોકો વિદેશમાં જઈને વસવાટ કરવા લાગ્યા હતા અને ત્યાં જ પોતાનો ઘંઘો રોજગાર શરૂ કર્યો હતો. જ્યારે હવે ફરી લોકો પોતાના માદરે વતન પરત આવીને અહીં રહેવા લાગ્યા છે. એવા જ એક પટેલ સમાજના મહિલા રમીલાબેન વેકરીયા કે જેઓ 35 વર્ષ સુધી લંડન રહ્યા અને હવે કચ્છના બળદિયા ખાતે આવીને ખેતી વાડીના કામમાં જોડાયા છે અને અવનવા વિદેશી ફ્રુટ્સ અને શાકભાજી વાવીને લાખોની કમાણી કરી રહ્યા છે.

વિવિધ પાકોનું વાવેતર અને ઉત્પાદન
મૂળ કચ્છના બળદિયા ગામના રમીલાબેન વેકરીયા 35 વર્ષથી પોતાના પરિવાર સાથે લંડન રહેતા હતા. રમીલાબેનને બાળપણથી જ ખેતીવાડીનો શોખ હતો લંડનમાં પણ તેઓ પોતાના ઘરના બગીચામાં ત્યાંના ફ્રૂટ્સ ઉગાડતા હતા અને પોતાના ઘર માટે તાજા શાકભાજી મેળવતા હતા. આ દરમિયાન તેઓ કચ્છ પણ જ્યારે જ્યારે આવતા ત્યારે તેઓ પોતાના પાસે રહેલી અહીંની વાડીમાં પણ રસ લઈને વિવિધ પાકોનું વાવેતર અને ઉત્પાદન કરતા હતા. છેલ્લાં 8 વર્ષથી તેમની પાસે અહીં બળદિયામાં વાડી છે.

5થી 6 પરિવારોને આપી રહ્યા છે રોજગારી
રમીલાબેન વેકરીયા 35 વર્ષ બાદ સદાયને માટે હવે બળદિયામાં રહેવા માટે આવી ગયા છે અને હવે માત્ર ખેતી વાડીમાં તેઓ પોતાનું ધ્યાન લગાવશે તેવું તેમણે જણાવ્યું હતું. જ્યારે તેમનો પરિવાર ત્યાં લંડનમાં જ રહેશે અને તહેવારોમાં વતનની મુલાકાતે આવતા રહેશે. એક એકરમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને આજે 5 એકરમાં તેઓ ખેતી કરતા થયા છે. તો સાથે જ તેઓ અન્ય 5થી 6 પરિવારોને તેઓ રોજગારી પણ આપી રહ્યાં છે. તેમને ખેતી પ્રત્યે અનેરો રસ છે અને લોકોને પણ તાજા શાકભાજી અને ફળો મળી રહે તે માટે તેઓ તત્પર રહેતા હોય છે. તેમણે પોતાની વાડીમાં 35 લાખના ખર્ચે બે મોટા ગ્રીન હાઉસ પણ ઊભા કર્યા છે.

9 મહિનામાં 32 લાખ જેટલા રૂપિયાની કમાણી કરી
પોતાની 5 એકરની વાડીમાં તેમણે ટામેટા, કેપ્સિકમ, કમળ કાકડી, આંબા, ડ્રેગન ફ્રૂટ, દૂધી, પીચ, ચીકુ, સ્ટાર ફ્રૂટ, પેસન ફ્રૂટ, મેંગો સ્ટીક, બ્લેક મેંગો, રેડ મેંગો, એપલ બોર, લંડનના એપલ, બદામ, પિસ્તા, જાયફળ, એલચી, લીચી, કેળા, રુબી લોંગન, રીંગણાં, પપૈયા, મરી, સ્ટ્રોબેરી, કીવી, ડુંગળી, લસણ, મૂળા, ખારેક જેવા શાકભાજી અને દેશી તેમજ વિદેશી ફળોનું પણ વાવેતર કર્યું છે.જેમાં ખીરા કાકડી, કેપ્સિકમ, દૂધી અને ટામેટાનું તેઓ વેંચાણ કરીને કમાણી પણ કરી રહ્યા છે.ટામેટા, કેપ્સિકમ અને ખીરા કાકડીમાંથી તેઓ અત્યાર સુધી અંદાજિત 9 મહિનામાં 32 લાખ જેટલા રૂપિયાની કમાણી કરી છે

આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરશે
રમીલાબેન જણાવે છે કે હવે તેમને કચ્છમાં જ રહીને ખેતી કરવા માંગે છે અને યુવા પેઢીને પણ તેઓ સંદેશો આપે છે કે ખેતી વાડીમાં મહેનત કરીને જેટલી કમાણી છે તે ક્યાંય નથી. ખેતીનું કામ સમય જરૂર માંગે છે પરંતુ પછી તેમાંથી થતાં પાકોના ફળ મીઠાં હોય છે અને ખરેખર યુવા પેઢીએ પણ ખેતીમાં જોડાવું જોઈએ. આગામી સમયમાં રમીલાબેન સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે કરવાના છે તેવું તેમણે જણાવ્યું હતું.ખરેખર માદરે વતન આવીને જન્મભૂમિને જ હવે તેમણે કર્મભૂમિ બનાવી છે અને ખેતીકામ કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news